________________
૧૭૦
ડૉન કિવકસોટ!
ગયું. એટલે લેડી-ડુલલિનિયા-થતી એ ડીમચી તરત નીચે ગબડી પડી. ડૉન કિવકસોટે અને સાન્કોએ તરત દોડી જઈ ગધેડાને પકડી સ્થિર કર્યું અને તેના પેટ તરફ નીચે ખસી આવેલી ગાદીને ઉપર ખેંચી સરખી કરી. પછી ડૉન કિવકસોટ પેલીને જમીન ઉપરથી પોતાના હાથમાં ઊંચકી તેના ગધેડા ઉપર બેસાડવા જાય, ત્યાર પહેલાં તો તે ઝટ દઈને ઊભી થઈ ગઈ, તથા પોતાના ગધેડા ઉપર છલાંગ મારીને, પુરુષની પેઠે, તેને બે પડખે પોતાના પગ ભિડાવીને, બેસી ગઈ.
સાન્કો બોલી ઊઠયો, “વાહ, વાહ, કઈ માનો જણ્યો પુરુષ પણ આટલી ચપળતાથી ઘોડા ઉપર ઠેકી શકે?”
લેડી ડુલસિનિયા-થતીએ ગધેડાના પેટના તળિયા સુધી પોતાના પગ બરાબર ભિડાવી, તેને દંડીકાથી ઠોકીને હવે એવું દોડાવ્યું કે થોડી વારમાં તે દૂર હવા થઈ ગયું. તેની બે બહેનપણીઓ પણ આ બધો નવાઈભર્યા તાલ જોઈ, જરા પણ થોભ્યા વિના, તેની પાછળ રફુચક્કર થઈ ગઈ.
ડૉન કિવકસોટ પોતાની આંખો તેમની પાછળ જેટલે દૂર સુધી જાય તેટલે દૂર સુધી જવા દઈ, પછી ઊંડો નિસાસો નાખી સાન્કો તરફ વળીને કહેવા લાગ્યા, “ભાઈ, જોને મારી કમનસીબી ! મારા દુશ્મનો મારાં લેડી ડુલિનિયાને મારી નજરે પણ પડવા દેવા માગતા નથી! કારણ કે, તેઓ જાણે છે કે, એક વખત અમે બે ભેગાં થઈએ અને એકબીજાને પ્રેમની આપ-લે કરીએ, તો પછી મારા હાથની તાકાત એવી તો વધી જાય, કે અત્યાર સુધીના બધા નાઈટોનાં પરાક્રમો મારાં પરાક્રમો આગળ ફીકાં પડી જાય. એટલે એ દગાબાજ માયાવીઓએ છેવટે આવો વિચિત્ર રસ્તો લીધો. લેડી ડુલસિનિયાના મુખનો અંબર-ગુલાબ જેવો મહેકતો શ્વાસ પણ હું તેમને ઉપાડવા ગયો ત્યારે કાચા લસણ જેવો ગંધાતો મને લાગ્યો. બાકી એ બધી પદ્મિનીઓના શરીરનો ગંધ તો એટલો માદક અને મોહક હોય છે કે, તે સૂંઘનારો ધન્ય બની જાય.” સાન્કો હવે પોતા થકી, એ માયાવી જાદુગરોને માથે શાપ ઉપર શાપની ઝડીઓ વરસાવવા લાગ્યો.