________________
૧૨ પ્રેમ-તપશ્ચર્યા
બંને જણ હવે સારા મૉરેના પર્વત-માળ તરફ જલદી જલદી ભાગ્યા. ડૉન કિવકસોટે થોડે દૂર ગયા પછી સાન્કોને કહ્યું, “હું પેલા અફસરોના ડરથી તારી સાથે ભાગી આવતો નથી, પરંતુ તારી વિનંતીને માન આપીને જ કેવળ આવું છું; નાઈટ કદી કોઈની બીકથી છુપાઈ જવા નાસભાગ કરે જ નહિ. માટે એવી વાત તારે કદી કોઈને કહેવી નહિ, એ શરતે જ હું તારી સાથે આવું છું.” - સાન્કો એ બાબત કશી તકરાર કર્યા વિના, એ પર્વતોમાં જલદી છુપાઈ જવાય તેવી જગાએ જઈ પહોંચવાની પેરવી કરવા લાગ્યો. રાત પડવાની થઈ, ત્યારે તેઓ એવી જગાએ આવી પહોંચ્યા કે જે નિર્જનતા તથા દુર્ગમતાની બાબતમાં અજોડ હતી. ત્યાં તેઓ રાત પૂરતા થોભ્યા.
બીજે દિવસે તેઓ વધુ આગળ ચાલ્યા. એવામાં ડૉન કિવક્સોટે જમીન ઉપર પડેલી એક ચીજ પોતાના ભાલાની અણી વડે ઉપાડવા પ્રયત્ન કર્યો. સાન્કો એ જોઈ તરત ત્યાં દોડી ગયો અને જોયું તો એક પોર્ટમેન્ટો તથા ખોગીરની ગાદી અધપર્ધા સડી ગયા જેવાં ત્યાં પડ્યાં હતાં. ડૉન કિવક્સોટે સાન્કોને એ પોર્ટમેન્ટોનું તાળું તોડીને તેને ઉઘાડી અંદર શું છે તે જોવા હુકમ કર્યો. તો અંદરથી ચાર સુંદર પહેરણ, બીજાં પણ સુંદર, સ્વચ્છ, ફેશનેબલ કપડાં, તથા એક હાથરૂમાલ બાંધેલી કેટલીક સોનામહોરો વગેરે નીકળ્યું. વધુ અંદર ફંફોસતાં, કોરા કાગળની પાકી બાંધેલી એક સુંદર નોંધપોથી પણ નીકળી.