________________
સૂત્રપાત - આઇસલેન્ડ એટલે હિમ-ભૂમિ! યુરોપખંડનો એક જ પશ્ચિમ છેવાડાનો ઉત્તર તરફનો ભાગ. ચાળીસ હજાર ચોરસ માઈલ વિસ્તારવાળો એ મુખ્ય ટાપુ ઉત્તર-વનું બરફ-કુંડાળું પૂરું થાય કે તરત તેની દક્ષિણે આવેલો છે. તેની આસપાસ બીજા નાના ટાપુ તો ઘણાં છે.
આટલો બધો નર્યા બરફનો જ ભાર દરિયાઈ સપાટીથી સરેરાશ બે હજાર ફૂટ ઊંચાઈવાળી પોતાની પીઠ ઉપર વહન કર્યા કરતો હોવા છતાં એ આખો ટાપુ સૌથી વધુ જવાળામુખીઓથી ભરેલો છે – તેમાંના કેટલાક તો સળગતા છે! કેટલાય ગરમ પાણીના ઝરા બહારની બરફીલી ઠંડી ઉપર ફગોળાયા કરે છે. પાસે જ ઉત્તર આટલાંટિકનો હૂંફાળો સમુદ્ર-પ્રવાહ ટાઢાબોળ મહાસાગર-પાણીને વધતો ચાલ્યો જાય છે, અને આઇસલૅન્ડના વાતાવરણને સહ્ય તથા ભેજવાળું બનાવે છે. આ ટાપુનો ચોથો ભાગ માંડ વસી શકાય તેવો છે. ઘણાંખરાં ગામ ઊંચી કરોડોવાળા ભાગેલા કિનારા ઉપર જ આવેલાં છે. ઇમારતી ઝાડનું નામનિશાન નથી. ઘાસછાયાં ચરાણ બીડ છે, જેમના ઉપર ઘેટાં, ઘોડા અને ઢોર ઊછરે છે. ખેતીમાં બટાકા અને ટીંપ જેવાં કંદ પેદા કરી શકાય. લોકોના નિર્વાહનો મુખ્ય આધાર સમુદ્રની પેદાશ – માછલાં વગેરે છે.
આઇસલૅન્ડની સંસ્કૃતિ સ્વતંત્રપણે જ ખીલી છે. અંતરમાં ભાવનાની હૂંફાળી તરબોળતા; પણ બહાર બરફની ટાઢાશ – કશી ખોટી દોડધામ નહીં. પ્રમાણિકતા, એકવચનીપણું અને સામાનું ખોટી રીતે પડાવી લેવાની અનિચ્છા લોકોમાં સ્વાભાવિક જ પ્રવર્તે છે. પોલીસસંસ્થા જેવું કશું હોયા વિના લોકો સુખેથી શાંતિમાં જીવે છે.