________________
આત્મ-બલિદાન લાવા-રસનાં ગચિયાંથી ભરેલું હતું, છતાં પોતાનું જન્મસ્થાન જોઈ, જેસનનું હૃદય એક વાર તો ભરાઈ આવ્યું. પણ પછી તરત તે પાછો ઉશ્કેરાટની સ્થિતિમાં આવી ગયો. પોતાની માને ભૂખમરો અને મૃત્યુ, તથા માઇકલ સન-લૉકસની અત્યારે અહીં હાજરી – એ બે વાનાં તેનાથી ભૂલ્યાં ભુલાય તેમ નહોતાં.
બીજે દિવસે તેઓ સ્મકી-પૉઇંટ વટાવીને રેકજાવિકના અખાત તરફ વળ્યા. હજુ છ વાગ્યા ન હતા, પણ શિયાળો નજીક આવ્યો હોવાથી અંધારું થઈ ગયું હતું.
બે છોકરાઓ હોડી લઈ કિનારાના ખડકોમાં ઈંડાં વગેરે શોધવા નીકળેલા, તે જહાજમાંથી કોઈ ઉતારુ મળે તો તેને લઈ આવવા જહાજ પાસે આવી પહોંચ્યા. જેસન પોતાના થોડાઘણા સરસામાન સાથે તેમની હેડીમાં ઊતરી પડ્યો. તે છોકરાઓ સાથેની વાતચીત ઉપરથી જણાયું કે, જેસન જ્યાં જન્મ્યો હતે તે ઘોલકામાં જ તેઓ રહેતા હતા. જેસન સમજી ગયો કે, તેના બાપની મા ગુજરી ગઈ છે – છેવટના તે જ ત્યાં રહેતી હતી.
રાજધાની નજીક આવતી ગઈ, તેમ તેમ સળગતી મશાલ અને તાપણાં સાથે કંઈ ધમાલ કિનારે ચાલતી જોઈ, જેસને છોકરાઓને પૂછ્યું, “આ શાની ધમાલ છે, વારુ?”
“નવા ગવર્નર કિલ્લો બંધાવે છે કે, તેની !”
કિનારે ઊતરીને, જેસન, પિતાની સામું જોઈ નવાઈ પામી પોતાને વિશેષ પૂછપરછ કરવા માગતા લોકો તરફથી મેં ફેરવી લઈ આગળ ચાલ્યો. દેવળની બાજુની ઝૂંપડીમાં, દેવળનું કામકાજ સંભાળનાર એક વૃદ્ધ તથા તેની વૃદ્ધ પત્ની રહેતાં હતાં. તેઓએ જેસનની માના છેવટના દિવસેમાં તેની સારી સંભાળ રાખી હતી. જેસન તેમની પાસે જ પહોંચી ગયો.