________________
૧૦૮
આત્મ-બલિદાન - “આઇસલેન્ડ જવા?”
“હા, તમારું જ વતન છે ને? બચપણથી જ એ છોકરો એના બાપ સાથે રહેતો ન હતો; મારા બાપુને ત્યાં જ ઊછર્યો હતો. તમારા જેવા એક જણને હું ઓળખું છું એમ મેં કહ્યું હતું તે એને માટે જ કહ્યું હતું.”
એનું નામ શું છે?” જેસને અચાનક અંધારામાં થોભીને કહ્યું.
છોકરાનું નામ? માઇકેલ.” “માઇકલ કેવો?” “માઇકેલ સન-લોકસ.”
એ જવાબ મળતાં જૅસને નિરાંતનો શ્વાસ મૂક્યો –તેના નામનો પાછલો ભાગ પોતાના બાપ સ્ટિફન ઉપરથી સ્ટિફન્સન કે એ કાંઈક ન હતો.
થોડી જ વારમાં તેઓ પૉર્ટી-વૂલના ઘોલકામાં આવી પહોંચ્યાં.
ત્યાં એ અગાઉ ધર્મવીર કેન વેડ અને તેની મંડળી મરણપથારીએ પડેલા સ્ટિફન માટે છેવટની પ્રાર્થના કરવા આવી પહોંચ્યાં હતાં. કેન વેડ સ્ટિફનને સેતાનના હાથમાંથી છોડાવી પોતાના હાથમાં લેવા પ્રભુને પ્રાર્થના કરતો હતો.
જેસન એ પ્રાર્થના-મંડળીની પાછળ ઊભો રહી પથારીમાં આડા પડેલા સ્ટિફનના પડછંદ શરીર તરફ જોઈ રહ્યો. ગ્રીબાએ વધુ પાસે જઈ, સ્ટિફનના માથા નીચે પોતાના કોમળ હાથને ઓશિકા તરીકે મૂકી, બીજા હાથનો પંજો તેની ભમરો ઉપર ફેરવવા માંડયો, તથા અવારનવાર નેરી કોના પ્યાલામાંની બ્રાન્ડી વડે તેના હોઠ પલાળવા માંડયા.
૧. દીકરાના નામ ઉપરથી બાપનું નામ ખબર પડે અને બાપના નામ ઉપરથી દીકરાનું – એવી રીતે નામ પાડવાનો કેટલેક ઠેકાણે રિવાજ છે.