________________
૩૦ શ્રી સ્વામી ચિદાનંદ સરસ્વતી-ઋષીકેશ ગાંધીજીનાં સત્ય, અહિંસા અને પવિત્રતા શ્રીધરનાં રાહદર્શક તત્ત્વો રહેલાં. રક્તપિત્તિયાંઓની સેવા અને હરિજનોની ભક્તિ ખાસ ધ્યાન ખેંચે તેવાં તત્ત્વો છે. ૧૯૬૯માં ગાંધીજીની શતાબ્દી નિમિત્તે તેમણે કહેલું: “આ પૃથ્વી પર ખરા સંતના આગમનની શતાબ્દીનું આ ભાગ્યવાન વર્ષ છે. ગાંધી વર્ષ રામનામ વર્ષ છે, સત્યને આચરણમાં ચરિતાર્થ કરવાનું વર્ષ છે, જેમાં વચનો પાળવાં, આત્મનિરીક્ષણ કરવું, ઉપવાસ કરવા, પ્રાર્થના કરવી અને નિઃસ્વાર્થ સેવા કરવી - તેનો સમાવેશ થાય છે. ગાંધીજી મારે મન આ બધાંના પ્રતીક છે.''
જ્યારે આશ્રમમાં કૈલાસ આશ્રમવાળા મહામંડલેશ્વર સ્વામી વિષ્ણુદેવાનંદજી, ઉત્તર કાશીના સ્વામી તપોવન મહારાજ, દક્ષિણ હિન્દના કવિ યોગી મહર્ષિ શુદ્ધાનંદ ભારતી વગેરે સંતો આવતા ત્યારે ચિદાનંદજી જાતે જ તેમની સેવા કરતા.
શરૂઆતનાં વર્ષોમાં સ્વામીજી બીમાર પડ્યા ત્યારે તેમને ગુરુદેવે હરદ્વાર મોકલેલા. ત્યાં બ્રહ્માનંદજી મહારાજના શિષ્ય આત્માનંદજીનો સત્સંગ કરતા. સત્સંગનું મહત્ત્વ સ્વામીજીને ત્યારથી જ મનમાં ઠસી ગયેલું.
એક વખત આંખ બળતી હતી તેથી ગુરુદેવે સ્વામીજીને સ્વર્ગાશ્રમ મોકલ્યા. ત્યાં પૂર્વાશ્રમના રિટાયર્ડ જજ પરમહંસ નારાયણ સ્વામીને મળી સત્સંગ કરી સત્ય અને પ્રિયભાષી બનવાનું, તેમ શુદ્ધ આહાર પર ભાર મૂકવાનું ત્યાંથી શીખ્યા.
તાજેતરમાં મા આનંદમયીના સાન્નિધ્યમાં તેઓ ખૂબ પ્રેરણા મેળવતા. એકમેકને મળવાથી જે ભાવના થતી તે જુઓ તો જ જાણો !