________________
સત્યની શોધમાં ૧૯૪૦ના ગાળાની આ અસરના જમાનામાં જ શ્રીધર એક મૅગેઝીન લેવા લાગ્યા. જેમાં સ્વામી શિવાનંદજી સાધકોને વ્યાવહારિક માર્ગદર્શનના લેખો લખતા. ત્યાર બાદ શ્રીધરે સ્વામી શિવાનંદનું જપયોગનું પુસ્તક ખરીધું અને તેને આચરણમાં મૂકવા લાગ્યા. તે જ ગાળામાં સ્વામી શિવાનંદજીનાં બે પુસ્તકો આધ્યાત્મિક પાઠો’ અને ‘મનનું રહસ્ય અને નિયંત્રણ' તેમને ખૂબ જ પ્રેરણાદાયી બનેલાં.
નવાઈની વાત તો એ છે કે આ પૈસાદાર, ભણેલ બ્રહ્મચારી યુવાનના લગ્નની વાત તેની યોગ્ય ઉંમર થવા છતાં પ્રભુકૃપાએ કદી થઈ જ નહીં.
દરમિયાન તે જીવનના રસથી વિમુખ થતો જતો રહેલો. જોકે કોઈને એવી શંકા ગયેલી નહીં કે તેની વિરક્તતા તેને ઘર છોડી જવા પ્રેરશે ! ૧૯૩૬માં ઇન્ટરમીડિયેટની પરીક્ષા ટાણે શ્રીધરે ઘર છોડ્યું. ખૂબ શોધ છતાં શ્રીધરની ભાળ મળી નહીં. બધાએ તેના મળવાની આશા છોડી દીધેલી પણ વિશ્વનાથ નામનો શ્રીનિવાસ રાવનો નોકર વ્યાસાશ્રમ પહોંચી ગયો. અને ત્યાં શ્રીધર મળતાં જ ઘરનાં કુટુંબીજનોના કલ્પાંતની વાત કરી. દરમિયાન મલાયલ સ્વામીએ પણ તેને થોડી વધુ સાધના ઘેર રહી કરવા સમજાવેલ. તેથી ચુપચાપ શ્રીધર કુટુંબમાં પાછો ફર્યો. સૌ કુટુંબીજનોએ રાહતનો દમ ખેંચ્યો. તેના જીવનપંથદર્શક જેવા કૃષ્ણરાવ કાકાએ અભ્યાસ પૂરો કરી, જીવનમાં આગળ શું કરવું તેનો વિચાર કરવા સલાહ આપી. ૧૯૩૮માં આખી મદ્રાસ યુનિવર્સિટીમાં અંગ્રેજી વિષયમાં પાંચમે નંબરે આવી તેમણે B.A.ની પરીક્ષા પાસ કરી.