________________
શિષ્યોને માર્ગદર્શન
૩૯ તે માનતા કે સમૂહસાધનથી ઉત્ક્રાંતિ ઝડપી બને છે. સમૂહધ્યાન અને સમૂહપ્રાર્થનાથી થતી ઘેરી અસર તેઓ વર્ણવતા. વૈયક્તિક સાધનામાં ઊંઘ આવે ! સમૂહપ્રાર્થના તેમ જ ધ્યાનમાં ખૂબ શક્તિશાળી પ્રવાહ પેદા થાય છે. બધા સાધકોનાં મન ખૂબ આધ્યાત્મિક ઊંચાઈએ જઈ પહોચે છે.
તેઓ રામનવમી તેમ જ દુર્ગાપૂજા પ્રસંગોએ સાધનાસપ્તાહની વ્યવસ્થા કરતા. આ ગાળામાં આશ્રમ આધ્યાત્મિક કેળવણીનો કેમ્પ બની જતો. આધ્યાત્મિક અભ્યાસને મદદરૂપ થવા પૂરતો સૈદ્ધાંતિક અભ્યાસક્રમ રહેતો. જપ, ધ્યાન, યોગાસન, મંત્રલેખન, ગીતાપઠન, નિબંધલેખન, મૌનપાલન, નિષ્કામ સેવા વગેરેથી સમય ઠસાઠસ ભરેલો રહેતો.
સંસ્કૃતનો સિદ્ધ સંન્યાસી દેવભાષા શીખવતો. અન્ય સંન્યાસીઓ તુલસી રામાયણ, ભગવદ્ગીતા, યોગવાસિષ્ઠ પર બોલતા. શિષ્ય તેની રુચિ પ્રમાણે કાર્યક્રમમાં હાજર રહેતો.
ઘણી વખત શિષ્યોને પ્રતિકૂળ બાબત કરવા દઈ તેની વિપરીત અસર તેને બતાવતા. આવી કોઈ રીત શિવાનંદજીએ શિષ્યની પરીક્ષા કરવા અજમાવવાની જરૂરત ન હતી પણ વિદ્યાર્થીને જાતે પોતાનો, તાગ લગાવવાનો આ મોકો અપાતો.
ર૧ ઑગસ્ટ, ૧૯૩૫માં જમ્મુમાં પહેલા હરિકીર્તન સંમેલનમાં શ્રોતાઓને સ્વામીજીએ આધ્યાત્મિક ડાયરી રાખવાના ફાયદા સમજાવ્યાઃ
“આધ્યાત્મિક દૈનંદિની રાખો. તમે ગુસ્સે થાઓ ત્યારે બીજાને દુઃખ પહોંચાડો તેની નોંધ રાખો. આ ખૂબ જ અગત્યનું છે. જાતને સજા કરો. તે રાતનું જમવાનું સજા તરીકે છોડી દો.