________________
સ્વાધ્યાય
૬૩
તેમ નથી, માટે સ્વરૂપસ્થિતિપણું કેમ કહેવાય ?
સમાધાન : - કેવળજ્ઞાનને વિષે સ્વરૂપસ્થિતિનું તારતમ્ય વિશેષ છે; અને ચોથે, પાંચમે, છઠ્ઠ ગુણસ્થાનકે તેથી અલ્પ છે, એમ કહેવાય; પણ સ્વરૂપસ્થિતિ નથી એમ ન કહી શકાય. ચોથે ગુણસ્થાનકે મિથ્યાત્વમુક્તદશા થવાથી આત્મસ્વભાવઆવિર્ભાવપણું છે, અને સ્વરૂપસ્થિતિ છે; પાંચમે ગુણસ્થાનકે દેશે કરીને ચારિત્રઘાતક કષાયો રોકાવાથી આત્મસ્વભાવનું ચોથા કરતાં વિશેષ આવિર્ભાવપણું છે, અને છઠ્ઠામાં કષાયો વિશેષ રોકાવાથી સર્વ ચારિત્રનું ઉદયપણું છે, તેથી આત્મસ્વભાવનું વિશેષ આવિર્ભાવપણું છે. માત્ર છઢે ગુણસ્થાનકે પૂર્વનિબંધિત કર્મના ઉદયથી પ્રમત્તદશા ક્વચિત્ વર્તે છે તેને લીધે ‘પ્રમત્ત' સર્વ ચારિત્ર કહેવાય, પણ તેથી સ્વરૂપસ્થિતિમાં વિરોધ નહીં, કેમકે આત્મસ્વભાવનું બાહુલ્યતાથી આવિર્ભાવપણું છે. વળી આગમ પણ એમ કહે છે કે, ચોથે ગુણસ્થાનકેથી તેરમા ગુણસ્થાનક સુધી આત્મપ્રતીતિ સમાન છે; જ્ઞાનનો તારતમ્યભેદ છે.
જો ચોથે ગુણસ્થાનકે સ્વરૂપસ્થિતિ અંશે પણ ન હોય, તો મિથ્યાત્વ જવાનું ફળ શું થયું ? કંઇ જ થયું નહીં. જે મિથ્યાત્વ ગયું તે જ આત્મસ્વભાવનું આવિર્ભાવપણું છે, અને તે જ સ્વરૂપસ્થિતિ છે. જો સમ્યક્ત્વથી તથારૂપ સ્વરૂપસ્થિતિ ન હોત, તો શ્રેણિકાદિને એકાવતારીપણું કેમ પ્રાપ્ત થાય ? એક પણ ત્યાં વ્રત, પચ્ચખાણ નથી અને માત્ર એક જ ભવ બાકી રહ્યો એવું અલ્પસંસારીપણું થયું તે જ સ્વરૂપસ્થિતિરૂપ સમકિતનું બળ છે. (પૃ. ૫૩૨-૩)
— સંબંધિત શિર્ષક : આત્મસ્થિતિ
સ્વર્ગ
D સ્વર્ગ-નરકાદિની પ્રતીતિનો ઉપાય યોગમાર્ગ છે. તેમાં પણ જેમને દૂરંદેશી સિદ્ધિ પ્રાપ્ત થાય છે, તે તેની પ્રતીતિ માટે યોગ્ય છે. સર્વકાળ એ પ્રતીતિ પ્રાણીને દુર્લભ થઇ પડી છે. જ્ઞાનમાર્ગમાં એ વિશેષ વાત વર્ણવી નથી, પણ તે બધાં છે, એ જરૂર. (પૃ. ૨૭૪)
7 દેવલોકમાંથી જે મનુષ્યમાં આવે તેને લોભ વધારે હોય એ આદિ કહ્યું છે તે સામાન્યપણે છે, એકાંત નથી. (પૃ. ૪૭૦)
સ્વાધ્યાય
મુનિને વ્યાખ્યાન કરવું પડતું હોય તો પોતે સ્વાધ્યાય કરે છે એવો ભાવ રાખી વ્યાખ્યાન કરવું. મુનિને સવારે સ્વાધ્યાયની આજ્ઞા છે, તે મનમાં કરવામાં આવે છે, તેના બદલે વ્યાખ્યાનરૂપ સ્વાધ્યાય ઊંચા સ્વરે, માન, પૂજા, સત્કાર, આહારાદિની અપેક્ષા વિના કેવળ નિષ્કામબુદ્ધિથી આત્માર્થે કરવો. (પૃ. ૬૭૮)
જ્યાં જીવના પરિણામ વર્ધમાન, હીયમાન થયા કરે છે ત્યાં ધ્યાન કર્તવ્ય છે. અર્થાત્ ધ્યાનલીનપણે સર્વ બાહ્યદ્રવ્યના પરિચયથી વિરામ પામી નિજસ્વરૂપના લક્ષમાં રહેવું ઉચિત છે. ઉદયના ધક્કાથી તે ધ્યાન જ્યારે જ્યારે છૂટી જાય ત્યારે ત્યારે તેનું અનુસંધાન ઘણી ત્વરાથી કરવું. વચ્ચેના અવકાશમાં સ્વાધ્યાયમાં લીનતા કરવી. (પૃ. ૮૨૦)