________________
૫૮૯
સદ્ગુરુ(ચાલુ) | ત્યારે કોઈ કહે કે “હું તમારી સાથે આવું?' ત્યારે કહેવું કે, “ભાઇ, તેઓશ્રી કંઈ હાલ ઉપદેશ તરીકેનું કાર્ય કરતા નથી. અને તમારો હેતુ એવો છે કે ત્યાં જઈશ તો સાંભળીશું. પણ કંઈ ત્યાં ઉપદેશ દે એવો કોઇ નિયમ નથી.' ત્યારે તે ભાઈ પૂછે કે, “તમને ઉપદેશ કેમ દીધો ?' ત્યાં જણાવવું કે “મારે પ્રથમ એમના સમાગમમાં જવાનું થયેલું અને તે વખતે ધર્મસંબંધી વચનો શ્રવણ કર્યો કે જેથી મને તેમ ખાતરી થઈ કે આ મહાત્મા છે. એમ ઓળખાણ થતાં મેં તેમને જ મારા સદ્ગુરુ ધાર્યા છે. ત્યારે તે એમ કહે કે “ઉપદેશ દે અગર ના દે પણ મારે તો તેમનાં દર્શન કરવાં છે. ત્યારે જણાવવું કે “કદાચ ઉપદેશ ના દે તો તમારે વિકલ્પ કરવો નહીં.' આમ કરતાંય જ્યારે આવે ત્યારે તો હરિઇચ્છા. પણ તમારે પોતે કંઈ તેવી પ્રેરણા ન કરવી કે ચાલો, ત્યાં તો બોધ મળશે, ઉપદેશ મળશે. એવી ભાવના
પોતે કરવી નહીં તેમ બીજાને પ્રેરણા કરવી નહીં. (પૃ. ૬૮૪) D સદ્ગુરુ અને અસદ્દગુરુમાં રાતદિવસ જેટલો અંતર છે.
એક ઝવેરી હતો. વેપાર કરતાં ઘણી ખોટ જવાથી તેની પાસે કંઈ દ્રવ્ય રહ્યું નહીં. મરણ વખત આવી પહોંચ્યો એટલે બૈરાંછોકરાંનો વિચાર કરે છે કે મારી પાસે કાંઈ દ્રવ્ય નથી, પણ જો હાલ કહીશ તો છોકરો નાની ઉંમરનો છે તેથી દેહ છૂટી જશે. સ્ત્રીએ, સામું જોયું ત્યારે કહ્યું કે કાંઈ કહો છો ? પુરુષે કહ્યું, શું કહું? સ્ત્રીએ કહ્યું કે મારું અને છોકરાનું ઉદરપોષણ થાય તેવું બતાવો ને કંઈ કહો, ત્યારે પેલાએ વિચાર કરીને કહ્યું કે ઘરમાં ઝવેરાતની પેટીમાં કિંમતી નંગની દાબડી છે તે જ્યારે તારે અવશ્યની જરૂર પડે ત્યારે કાઢીને મારા ભાઇબંધ પાસે જઈને વેચાવજે, ત્યાં તને ઘણું દ્રવ્ય આવશે. આટલું કહીને પેલો પુરુષ કાળધર્મ પામ્યો. કેટલાક દિવસે નાણા વિના ઉદરપોષણ માટે પીડાતાં જાણી, પેલો છોકરો તેના બાપે પ્રથમ કહેલ ઝવેરાતનાં નંગ લઇ, તેના કાકા (પિતાનો ભાઈબંધ ઝવેરી) પાસે ગયો ને કહ્યું કે મારે આ નંગ વેચવા છે, તેનું દ્રવ્ય જે આવે તે મને આપો. ત્યારે પેલા ઝવેરીભાઇએ પૂછયું : “આ નંગ વેચીને શું કરવું છે ?' “ઉદર ભરવા પૈસા જોઇએ છે,” એમ પેલા છોકરાએ કહ્યું ત્યારે ઝવેરીએ કહ્યું : “સો-પચાસ રૂપિયા જોઇએ તો લઇ જા, ને રોજ મારી દુકાને આવતો રહેજે, અને ખર્ચ લઈ જજે. આ નંગ હાલ રહેવા દે.' પેલા છોકરાએ પેલા ભાઈની વાત સ્વીકારી; અને પેલું ઝવેરાત પાછું લઈ ગયો. પછી રોજ ઝવેરીની દુકાને જતાં ઝવેરીના સમાગમે તે છોકરો હીરા, પાના, માણેક, નીલમ બધાને ઓળખતાં શીખ્યો ને તેની તેને કિંમત થઇ. પછી પેલા ઝવેરીએ કહ્યું : “તું તારું જે ઝવેરાત પ્રથમ વેચવા લાવ્યો હતો તે લાવ, હવે વેચીએ.” પછી ઘેરથી છોકરાએ પોતાના ઝવેરાતની દાબડી લાવીને જોયું તો નંગ ખોટાં લાગ્યાં, એટલે તરત ફેંકી દીધાં. ત્યારે તેને પેલા ઝવેરીએ પૂછયું કે તે નાખી કેમ દીધાં? ત્યારે તેણે કહ્યું કે સાવ ખોટાં છે માટે નાંખી દીધાં છે. જો પેલા ભાઈએ પ્રથમથી જ ખોટા કહ્યાં હોત તો તે માનત નહીં, પણ જ્યારે પોતાને વસ્તુની કિંમત આવી ને ખોટાંને ખોટારૂપે જાણ્યાં ત્યારે ઝવેરીએ કહેવું પડયું નહીં કે ખોટાં છે. આ જ રીતે પોતાને સદ્ગુરુની પરીક્ષા થતાં અસદ્દગુરુને અસત્ જાણ્યા તો પછી તે તરત જ અસદ્દગુરુ વર્જીને સદ્ગુરુના ચરણમાં પડે; અર્થાત્ પોતામાં કિંમત કરવાની શક્તિ આવવી જોઈએ.
(પૃ. ૬૯૩-૪) n આખા જગતના શિષ્ય થવારૂપ કૃષ્ટિ જેણે વેદી નથી તે સદ્ગુરુ થવાને યોગ્ય નથી. (પૃ. ૧૫૮) D સંબંધિત શિર્ષકો : ગુરુ, જ્ઞાની