________________
|| પૂર્વકર્મ (ચાલુ)
૩૭૦ વ્યવસ્થા એવી છે કે, તે જ્ઞાની પુરુષને પણ ભોગવવા યોગ્ય છે, અર્થાત્ જ્ઞાની પુરુષ પણ તે કર્મ ભોગવ્યા વિના નિવૃત્ત કરી શકે નહીં. સર્વ પ્રકારનાં કર્મ એવાં છે, કે તે અફળ હોય નહીં; માત્ર તેની નિવૃત્તિના પ્રકારમાં ફેર છે. એક, જે પ્રકારે સ્થિતિ વગેરે બાંધ્યું છે, તે જ પ્રકારે ભોગવવા યોગ્ય હોય છે. બીજાં, જીવના જ્ઞાનાદિ પુરુષાર્થધર્મે નિવૃત્ત થાય એવા હોય છે. જ્ઞાનાદિ પુરુષાર્થધર્મે નિવૃત્ત થાય એવા કર્મની નિવૃત્તિ જ્ઞાની પુરુષ પણ કરે છે; પણ ભોગવવા યોગ્ય કર્મને જ્ઞાની પુરુષ સિદ્ધિઆદિ પ્રયત્ન કરી નિવૃત્તિ કરવાની ઈચ્છા કરે નહીં એ સંભવિત છે. કર્મને યથાયોગ્યપણે ભોગવવા વિષે જ્ઞાની પુરુષને સંકોચ હોતો નથી. કોઈ અજ્ઞાનદશા છતાં પોતા વિષે જ્ઞાનદશા સમજનાર જીવ કદાપિ ભોગવવા યોગ્ય કર્મ ભોગવવા વિષે ન ઇચ્છે તોપણ ભોગવ્યે જ છૂટ થાય એવી નીતિ છે. જીવનું કરેલું જો વગર ભોગવ્યું.
અફળ જતું હોય, તો પછી બંધમોક્ષની વ્યવસ્થા ક્યાંથી હોઇ શકે? (પૃ. ૩૯૬) T ન ગમતું એવું ક્ષણવાર કરવાને કોઈ ઇચ્છતું નથી. તથાપિ તે કરવું પડે છે એ એમ સૂચવે છે કે પૂર્વકર્મનું
નિબંધન અવશ્ય છે. (પૃ. ૩૧૬) T જેના (સપુરુષના) ગુણગ્રામ કરવાથી જીવ ભવમુક્ત હોય છે, તેના ગુણગ્રામથી પ્રતિકૂળતા આણી
દોષભાવે પ્રવર્તવું, એ જીવને જોકે મહા દુઃખદાયક છે, એમ જાણીએ છીએ; અને તેવા પ્રકારમાં જ્યારે તેઓનું આવી જવું થાય છે, ત્યારે જાણીએ છીએ કે જીવને કોઇ તેવાં પૂર્વકર્મનું નિબંધન હશે. અમને તો
તે વિષે અદ્દેષ પરિણામ જ છે, અને તેમના પ્રત્યે કરુણા આવે છે. (પૃ. ૩૪૮). T તીવ્ર વૈરાગ્યવાનને, જે ઉદયના પ્રસંગ શિથિલ કરવામાં ઘણી વાર ફળીભૂત થાય છે, તેવા ઉદયના
પ્રસંગ જોઇ ચિત્તમાં અત્યંત ઉદાસપણું આવે છે. આ સંસાર ક્યા કારણે પરિચય કરવા યોગ્ય છે? તથા તેની નિવૃત્તિ ઇચ્છનાર એવા વિચારવાનને પ્રારબ્ધવશાત્ તેનો પ્રસંગ રહ્યા કરતો હોય તો તે પ્રારબ્ધ બીજે કોઈ પ્રકારે ત્વરાએ વેદી શકાય કે કેમ? નહીં ઇચ્છવામાં આવતાં છતાં જીવને ભોગવવું પડે છે, એ
પૂર્વકર્મનો સંબંધ યથાર્થ સિદ્ધ કરે છે. (પૃ.૪૬૮). I પૂર્વકમ નથી એમ ગણી પ્રત્યેક ધર્મ સેવ્યા જવો. તેમ છતાં પૂર્વકર્મનડે તો શોક કરવો નહીં. (પૃ. ૨૦૧) પૂર્વનાં અશુભકર્મ ઉદય આવ્યે વેદતાં જો શોચ કરો છો તો હવે એ પણ ધ્યાન રાખો કે નવાં બાંધતાં પરિણામે તેવાં તો બંધાતાં નથી? (પૃ. ૨૦૧)
સંબંધિત શિર્ષક કર્મ પ્રકાશકપણું
જેમ દીવો જ્યાં જ્યાં હોય છે, ત્યાં ત્યાં પ્રકાશકપણે હોય છે, તેમ જ્ઞાન જ્યાં જ્યાં હોય છે ત્યાં ત્યાં પ્રકાશકપણે હોય છે. દીવાનો સહજ સ્વભાવ જ જેમ પદાર્થપ્રકાશક હોય છે, તેમ જ્ઞાનનો સહજ સ્વભાવ પણ પદાર્થપ્રકાશક છે. દીવો દ્રવ્યપ્રકાશક છે, અને જ્ઞાન દ્રવ્ય, ભાવ બન્નેને પ્રકાશક છે. દીવાના પ્રગટવાથી તેના પ્રકાશની સીમામાં જે કોઈ પદાર્થ હોય છે તે સહજે દેખાઈ રહે છે તેમ જ્ઞાનના વિદ્યમાનપણાથી પદાર્થનું સહેજે દેખાવું થાય છે. આરસો, દીવો, સૂર્ય, અને ચક્ષુ જેમ પદાર્થપ્રકાશક છે, તેમ જ્ઞાન પણ પદાર્થપ્રકાશક છે. (પૃ. ૪૬૦)