________________
૨૦૩
જીવનાં પ્રકાર (ચાલુ) ભયથી, લાજથી જીવ સત્પુરુષ પાસે જતાં અટકે, પાછા સંસાર કાર્યમાં પ્રવર્તે તે પ્રથમ પ્રકારના
જીવ કહ્યો.
૨. બીજા પ્રકારે લાખના ગોળા જેવા જીવ કહ્યા.
લાખનો ગોળો તાપથી ઓગળી જાય નહીં પણ અગ્નિથી ઓગળી જાય. તે જીવ સંતનો બોધ સાંભળી સંસારથી ઉદાસીન થઇ એમ ચિંતવે કે આ દુઃખરૂપ સંસારથી નિવર્તવું. એમ ચિંતવી કુટુંબ પાસે જઇ કહે કે હું સંસારથી નિવર્તવા ઇચ્છું છું. મારે આ જૂઠું બોલી વેપાર કરવો ફાવશે નહીં ઇત્યાદિ કહ્યા પછી કુટુંબીઓ તેને સખ્તાઇ તથા સ્નેહનાં વચનો કહે તથા સ્ત્રીનાં વચન તેને એકાંતના વખતમાં ભોગમાં તદાકાર કરી નાંખે. સ્ત્રીનું અગ્નિરૂપ શરીર જોઇને બીજા પ્રકારના જીવ તદાકાર થઇ જાય. સંતના ચરણથી દૂર થઇ જાય.
૩. ત્રીજા પ્રકારના જીવ કાષ્ઠના ગોળા જેવા કહ્યા.
તે જીવ સંતનો બોધ સાંભળી સંસારથી ઉદાસ થઇ ગયો. આ સંસાર અસાર છે, એમ વિચારતો કુટુંબાદિક સમીપ આવી કહે કે આ સંસાર અસારથી હું ખેદ પામ્યો છું. મારે આ કાર્યો કરવાં ઠીક લાગતાં નથી. આ વચનો સાંભળી કુટુંબી તેને નરમાશથી કહે, ભાઇ, આપણે તો નિવૃત્તિ જેવું છે. ત્યાર પછી સ્ત્રી આવીને કહે કે પ્રાણપતિ, હું તો તમારા વિના પળ પણ રહી શકું નહીં. તમો મારા જીવનના આધા૨ છો એમ અનેક પ્રકારે ભોગમાં આસક્ત કરવાના અનેક પદાર્થની વૃદ્ધિ કરે. તેમાં તદાકાર થઇ જઇ સંતનાં વચન વીસરી જાય. એટલે જેમ કાષ્ઠનો ગોળો અગ્નિમાં નાખ્યા પછી ભસ્મ થઇ જાય તેમ સ્ત્રીરૂપી અગ્નિમાં પડેલા જીવ તેમાં ભસ્મ થઇ જાય છે. તેથી સંતના બોધનો વિચાર ભૂલી જાય છે. સ્ત્રી આદિકના ભયથી સત્સમાગમ કરી શકતો નથી. તેથી તે જીવ દાવાનલરૂપ સ્ત્રી આદિ અગ્નિમાં ફસાઇ જઇ, વિશેષ વિશેષ વિટંબણા ભોગવે છે. તે ત્રીજા પ્રકારના જીવ કલ્યા.
૪. ચોથા પ્રકારના જીવ માટીના ગોળા જેવા કહ્યા છે.
તે પુરુષ સત્પુરુષનો બોધ સાંભળી ઇન્દ્રિયના વિષયની ઉપેક્ષા કરે છે. સંસારથી મહા ભય પામી તેથી નિવર્તે છે. તેવા પ્રકારના જીવ કુટુંબાદિના પરિષહથી ચલાયમાન થતા નથી. સ્ત્રી આવી કહે કે પ્યારા પ્રાણનાથ, આ ભોગમાં જેવો સ્વાદ છે તેવો તેના ત્યાગમાં સ્વાદ નથી. ઇત્યાદિક વચનો સાંભળતાં મહા ઉદાસ થાય છે, વિચારે કે આ અનુકૂળ ભોગથી આ જીવ બહુ વખત ભૂલ્યો છે. જેમ તેનાં વચન સાંભળે છે તેમ તેમ મહા વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. અને તેથી સર્વ પ્રકારે સંસારથી નિવર્તે છે, માટીનો ગોળો અગ્નિમાં પડવાથી વિશેષ વિશેષ કઠણ થાય છે, તેમ તેવા પુરુષો સંતનો બોધ સાંભળી સંસારમાં પડતા નથી. તે ચોથા પ્રકારના જીવ કહ્યા. (પૃ. ૬૮૧-૨)
ચાર કઠિયારાના દૃષ્ટાંતે ચાર પ્રકારના જીવો છે :–
ચાર કઠિયારા જંગલમાં ગયા. પ્રથમ સર્વેએ કાષ્ઠ લીધાં. ત્યાંથી આગળ ચાલ્યા કે સુખડ આવી. ત્યાં ત્રણે સુખડ લીધી. એક કહે ‘એ જાતનાં લાકડાં ખપે કે નહીં, માટે મારે તો લેવાં નથી, આપણે રોજ લઇએ છીએ તે જ મારે તો સારાં.' આગળ ચાલતાં સોનુંરૂપું આવ્યું. ત્રણમાંથી બેએ સુખડ નાંખી દઇ સોનુંરૂપું લીધું, એકે ન લીધું. ત્યાંથી આગળ ચાલ્યા કે રત્નચિંતામણિ આવ્યો. બેમાંથી એકે સોનું નાંખી દઈ રત્નચિંતામણિ લીધો; એકે સોનું રહેવા દીધું.