________________
ક્રોધ (ચાલુ)
૧૫
D ક્રોધાદિ કષાયનો ઉદય થાય ત્યારે તેની સામા થઇ તેને જણાવવું કે તે અનાદિ કાળથી મને હેરાન કરેલ છે. હવે હું એમ તારું બળ નહીં ચાલવા દઉં. જો, હું હવે તારા સામે યુદ્ધ કરવા બેઠો છું.
નિદ્રાદિ પ્રકૃતિ (ક્રોધાદિ અનાદિ વૈરી), તે પ્રતિ ક્ષત્રિયભાવે વર્તવું, તેને અપમાન દેવું, તે છતાં ન માને તો તેને ક્રૂર થઇ ઉપશમાવવી, તે છતાં ન માને તો ખ્યાલમાં રાખી વખત આવ્યે તેને મારી નાંખવી. આમ શૂર ક્ષત્રિયસ્વભાવે વર્તવું, જેથી વૈરીનો પરાભવ થઇ સમાધિસુખ થાય. (પૃ. ૬૭૮)
ક્લેશ
જે વસ્તુનું માહાત્મ્ય દૃષ્ટિમાંથી ગયું તે વસ્તુને અર્થે અત્યંત ક્લેશ થતો નથી. (પૃ. ૩૭૮)
D પૃથ્વી સંબંધી ક્લેશ થાય તો એમ સમજી લેજે કે સાથે આવવાની નથી; ઊલટો હું તેને દેહ આપી જવાનો છું; વળી તે કંઇ મૂલ્યવાન નથી.
સ્ત્રી સંબંધી ક્લેશ, શંકા ભાવ થાય તો આમ સમજી અન્ય ભોક્તા પ્રત્યે હસજે કે તે મળમૂત્રની ખાણમાં મોહી પડયો, (જે વસ્તુનો આપણે નિત્ય ત્યાગ કરીએ છીએ તેમાં !) ધન સંબંધી નિરાશા કે ક્લેશ થાય તો તે ઊંચી જાતના કાંકરા છે એમ સમજી સંતોષ રાખજે; ક્રમે કરીને તો તું નિઃસ્પૃહી થઇ શકીશું. (પૃ. ૧૬૫)
કોઇ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી. અવિચાર અને અજ્ઞાન એ સર્વ ક્લેશનું, મોહનું અને માઠી ગતિનું કારણ છે. (પૃ. ૩૭૯)
D હરિની પ્રાપ્તિ વિના જીવનો ક્લેશ ટળે નહીં. (પૃ. ૨૩૯)