________________
૯૩
ઉપયોગ (ચાલુ)
શરીરપ્રકૃતિના અનુકૂળ પ્રતિકૂળપણાને આધીન ઉપયોગ અકર્તવ્ય છે. (પૃ. ૬૫૨)
મુહપત્તી બાંધીને જૂઠું બોલે, અહંકારે આચાર્યપણું ધારી દંભ રાખે અને ઉપદેશ દે તો પાપ લાગે; મુહપત્તીની જયણાથી પાપ અટકાવી શકાય નહીં. માટે આત્મવૃત્તિ રાખવા ઉપયોગ રાખવો. (પૃ. ૬૯૮)
વ્રત આપનારે અને વ્રત લેનારે બન્નેએ વિચાર તથા ઉપયોગ રાખવા. ઉપયોગ રાખે નહીં, ને ભાર રાખે તો નિકાચિત કર્મ બંધાય. (પૃ. ૭૧૩)
D જેને દર્શનમોહનીય ઉદયપણે, બળવાનપણે વર્તે છે, એવા જીવને માત્ર સત્પુરુષાદિકની અવજ્ઞા બોલવાનો પ્રસંગ આપણાથી પ્રાપ્ત ન થાય એટલો ઉપયોગ રાખી વર્તવું, એ તેનું અને ઉપયોગ રાખનાર એ બન્નેના કલ્યાણનું કારણ છે.
જ્ઞાનીપુરુષની અવજ્ઞા બોલવી તથા તેવા પ્રકારના પ્રસંગમાં ઉજમાળ થવું, એ જીવનું અનંત સંસાર વધવાનું કારણ છે, એમ તીર્થંકર કહે છે. તે પુરુષના ગુણગ્રામ કરવા, તે પ્રસંગમાં ઉજમાળ થવું, અને તેની આજ્ઞામાં સરળ પરિણામે પરમ ઉપયોગદૃષ્ટિએ વર્તવું, એ અનંતસંસારને નાશ કરનારું તીર્થંકર કહે છે. (પૃ. ૩૪૩)
હે જીવ, ભૂલ મા, તનેે સત્ય કહું છું. સુખ અંતરમાં છે; તે બહાર શોધવાથી નહીં મળે. અંતરનું સુખ અંતરની સ્થિતિમાં છે; સ્થિતિ થવા માટે બાહ્યપદાર્થો સંબંધીનું આશ્ચર્ય ભૂલ. સ્થિતિ રહેવી બહુ વિકટ છે; નિમિત્તાધીન ફરી ફરી વૃત્તિ ચલિત થઇ જાય છે. એનો દૃઢ ઉપયોગ રાખવો જોઇએ. એ ક્રમ યથાયોગ્ય ચલાવ્યો આવીશ તો તું મૂંઝાઇશ નહીં. નિર્ભય થઇશ. (પૃ. ૨૧૩)
જો જ્ઞાનીપુરુષના દૃઢ આશ્રયથી સર્વોત્કૃષ્ટ એવું મોક્ષપદ સુલભ છે; તો પછી ક્ષણે ક્ષણે આત્મોપયોગ સ્થિર ક૨વો ઘટે એવો કઠણ માર્ગ તે જ્ઞાનીપુરુષના દૃઢ આશ્રયે પ્રાપ્ત થવો કેમ સુલભ ન હોય ? કેમકે તે ઉપયોગના એકાગ્રપણા વિના તો મોક્ષપદની ઉત્પત્તિ છે નહીં. (પૃ. ૪૪૭)
આસનજયથી ઉત્થાનવૃત્તિ ઉપશમે છે; ઉપયોગ અચપળ થઇ શકે છે; નિદ્રા ઓછી થઇ શકે છે. (પૃ. ૬૬૩)
— જડપદાર્થને લેવામૂકવામાં ઉન્માદથી વર્તે તો તેને અસંયમ કહ્યો; તેનું કારણ એ છે કે ઉતાવળથી લેવામૂકવામાં આત્માનો ઉપયોગ ચૂકી જઇ તાદાત્મ્યપણું થાય. આ હેતુથી ઉપયોગ ચૂકી જવો તેને અસંયમ કહ્યો. (પૃ. ૬૯૮)
D હે જીવ ! તું ભૂલ મા. વખતે વખતે ઉપયોગ ચૂકી કોઇને રંજન ક૨વામાં, કોઇથી રંજન થવામાં, વા મનની નિર્બળતાને લીધે અન્ય પાસે મંદ થઇ જાય છે, એ ભૂલ થાય છે. તે ન કર. (પૃ. ૨૧૩)
D પ્રદેશે પ્રદેશથી જીવના ઉપયોગને આકર્ષક એવા આ સંસારને વિષે એક સમયમાત્ર પણ અવકાશ લેવાની જ્ઞાનીપુરુષોએ હા કહી નથી; કેવળ તે વિષે નકાર કહ્યો છે. તે આકર્ષણથી ઉપયોગ જો અવકાશ પામે તો તે જ સમયે તે આત્માપણે થાય છે. તે જ સમયે આત્માને વિષે તે ઉપયોગ અનન્ય થાય છે. (પૃ. ૩૭૦-૧)
D દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી અસંગપણે વિચરવાનો સતત ઉપયોગ સિદ્ધ કરવો યોગ્ય છે. જેમણે જગતસુખસ્પૃહા છોડી જ્ઞાનીના માર્ગનો આશ્રય ગ્રહણ કર્યો છે, તે અવશ્ય તે અસંગ ઉપયોગને પામે છે. (પૃ. ૬૦૮)