________________
(૨૭)
દર્શન-ચારિત્રરૂપ, અખંડ આનંદ સ્વરૂપ મારો આત્મા અજર, અમર, અછેદ્ય, અભેદ્ય, અવિનાશી છે. આવો આત્મસ્વરૂપ વિષયક સ્પષ્ટ નિર્મળ બોધ પ્રગટાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય.
૩. આત્મસ્વરૂપ રુચિ : જડ પદાર્થો સડન-પાન-ગલન વિધ્વંસન સ્વરૂપ છે એવું જાણી જડ પ્રત્યેથી રુચિ હટાવીએ તો આત્મસ્વરૂપની રુચિ પ્રગટ થાય. કોઇપણ ક્રિયા કરતાં એ ખ્યાલ રાખવાનો છે કે દિવસે દિવસે મારી આત્મસ્વરૂપ રુચિ વધતી જાય છે કે નહીં.
૪. આત્મસ્વરૂપ પ્રતીક્ષા : આત્મસ્વરૂપ રુચિ જાગે એટલે સ્વરૂપપ્રતીક્ષા આવે. મારા દોષોનો ક્ષય ક્યારે થશે? નિષ્કષાયી દશા ક્યારે પ્રગટ થશે ? વિ. વિચારો ઉપર વિચાર કરતાં આત્મસ્વરૂપ પ્રતીક્ષા ઉદ્ભવે. બાહ્ય જગતમાં તો જેની પ્રતીક્ષા કરો તે મળે એવો નિયમ નથી. અધ્યાત્મ જગતમાં જેની પ્રબળ રુચિ-પ્રતીક્ષા હોય તે મળ્યા વિના રહે નહિ. બાહ્ય જગતની વસ્તુ તો પોતાના ઉદય અનુસાર પ્રાપ્ત કે અપ્રાપ્ત થવાની છે. જ્યારે આત્મસ્વરૂપ પ્રતીક્ષા તો આત્માને નિર્મળ-અનાવૃત્ત બનાવવાથી જ પ્રાપ્ત થાય. એ જ તેને મેળવવાની રીત છે. જે રીત ગુરુકૃપાથી જ પ્રાપ્ત થાય છે.
૫. આત્મસ્વરૂપ પ્રતીતિ : શાસ્ત્રના માધ્યમથી કે ગુરુ ઉપદેશથી આત્મ સ્વરૂપનો બોધ થઈ શકે; પરંતુ તેનાથી પ્રતીતિ ન થાય. આત્મસ્વરૂપની પ્રતીતિ-અનુભૂતિ માટે તો ચિરકાલીન સ્વરૂપ પ્રતીક્ષાને આત્મસાત્ કર્યા વિના છૂટકો નથી. ખાતા, પીતા, ઉઠતાં, બેસતાં, ચાલતાં સતત નિર્મળ આત્મસ્વરૂપને પ્રગટ કરવાની પ્રતીક્ષા, ઝંખના, આતુરતા હોય તો અને એ અનુરૂપ ગુરુકૃપા થાય તો સાધના દ્વારા પ્રગટ થાય. અનુભૂતિ એ જ તાત્ત્વિક સમ્યગ્ દર્શન છે. મુક્તિનો દરવાજો છે. પરમકૃપાળુ દેવ કહે છે કે :
જબ જાન્યો નિજરૂપકો, તબ જાણ્યો સબ લોક; નહિ જાણ્યો નિજરૂપકો, જો જાણ્યો સબ ફોક.