________________
(૧૯)
૫. કોઇપણ વસ્તુ પર મૂર્છા કે મમતા કે આસક્તિ ન થાય તેની તકેદારી રાખવી જોઇએ.
૬. કોઇપણ વસ્તુનો ઉપભોગ કર્યા પછી તેના વખાણ કે અનુમોદના બીજાને ન કરવી.
૭. વસ્તુના ઉપભોગમાં મમતા, લાગણી થઇ જાય તો તેનો પસ્તાવો થવો જોઇએ અને ફરી એવી ભૂલ ન થાય તેનો ખ્યાલ રાખે.
જો ઉપરની સાત વાતોમાં બેદરકાર રહીને સાધક તત્વજ્ઞાનની ઊંચી વાતો કરે કે વૈરાગ્યનો દેખાડો કરવા કોઇ ક્રિયા કરે તો સાધક આગળ વધવામાં મુશ્કેલી અનુભવવાનો છે તેનો ખ્યાલ રાખવો જરૂરી છે. માટે સાતેય વાતોમાં ચોક્કસ બની સ્વાધ્યાય, ધ્યાન વિગેરે દ્વારા આત્મગુણો પ્રગટાવવા તૈયાર રહેવું જોઇએ અને મુક્તિપદ તરફ આગળ વધવું જોઇએ.
૧૨. સાધના
ગુરુદેવ તો સાધનાનો માર્ગ કૃપા કરી બતાવે પણ સાધના કરવાની જવાબદારી તો શિષ્યની છે. જે સાધનામાર્ગ છે તેની સમજણ ગુરુદેવ આપે પણ તે પ્રમાણે પુરૂષાર્થ તો આપણે જ કરવો પડે. આપણી સાધના ખરી રીતે યોગમાર્ગની સાધના બની જાય તે આપણે જ જોયા કરવાનું છે અને આગળ વધવા પુરૂષાર્થી બનવાનું છે. સંસારભાવોમાંથી કાયા તથા મન બન્ને છુટી જવા જોઇએ. તે જ યોગ સાધના છે. યોગસાધના વગરનો ત્યાગ પાંગળો બની જાય છે.
ત્યાગ કરવો એ કર્માધીન છે, સંયોગાધીન છે, પરાધીન છે જ્યારે યોગસાધના એ સ્વપુરૂષાર્થને આધીન છે, સ્વાધીન છે.
સાધના કરતાં સંસાર યાદ ન આવે, સંસારના પદાર્થોને ભોગવવાની ઇચ્છા ન જાગે અને સાધનામાં આગળ વધવાનો પુરૂષાર્થ કરવાનો ઉત્સાહ વધ્યા કરે તો સમજવું કે આપણું પુણ્ય પુણ્યાનુબંધી પુણ્ય છે.