________________
૪૧
પ્રમોદભાવના શેઠને મળ્યો, પણ બારમા દેવલોકને પ્રાયોગ્ય પુણ્યની પ્રાપ્તિ તો જીર્ણશ્રેષ્ઠિને જ થઈ. ધન્ય એ જીર્ણશ્રેષ્ઠિની પ્રમોદ ભાવનાને !
૮. “અમૃતવેલ' ની પ્રમોદભાવના : ગુણવાન એવી કોઈ પણ વ્યક્તિના ગુણો પ્રત્યે આપણે માનસિક પ્રહર્ષ કેળવવો જોઈએ. પૂ. ઉપાધ્યાય ભગવાન શ્રી યશોવિજયજી મહારાજ “અમૃતવેલ’ની સક્ઝાયમાં કહે છે કે –
હે ચેતન ! શ્રાવકોમાં જે દેશવિરતપણું (આંશિક સંયમ) રહેલું છે અને સમ્યક્દષ્ટિ આત્માઓમાં જે શ્રદ્ધારૂપ સદાચાર રહેલો છે, તેની તું અનુમોદના કર.
હે ચેતન ! અજૈનોમાં પણ જિનવચનને અંશતઃ અનુસરનારા અહિંસાદિ જે જે ગુણો હોય, તે સર્વની અનુમોદના કર, કારણ કે તેની અનુમોદનાથી, પ્રમોદથી સમ્યત્વનું બીજારોપણ થાય છે.
“હે ચેતન ! જેઓ પાપોને તીવ્ર ભાવથી (નિર્દયતાથી) કરતા નથી, જેમને સંસારના પદાર્થો પર આસક્તિ નથી અને જેઓ સદા ઉચિત સ્થિતિનું સેવન કરે છે, તેમની પણ તું અનુમોદના કર.
‘હે ચેતન ! બીજાના થોડા પણ ગુણ તારા સાંભળવામાં આવે તો, એ સાંભળીને તું હર્ષ પ્રમોદ પામ, તે જ રીતે તારામાં થોડો પણ દોષ દેખાય, તો તું પોતાના આત્માને નિર્ગુણ માન.”
૯. ગુણદષ્ટિ ઃ ગુણદષ્ટિ તો આગળ વધીને એમ પણ બતાવે છે કે આ જગતની સારી નરસી બધી વસ્તુઓથી ગુણ જ ગ્રહણ કરો, જો તમારી પાસે ઉત્તમ ગુણદષ્ટિ હશે તો એ સમય વિશ્વ તમને ગુણોથી ભરેલું દેખાશે; અને તમારી સૃષ્ટિ દોષગ્રાહિણી હશે તો તમને આખુંય જગત દોષોથી જ પરિપૂર્ણ ભાસશે. “જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ'.
એક આંગ્લ લેખકે ખરું જ કહ્યું છે કે –
“If you are bad, the whole world is bad for you. If you are good, the whole world is good for you”. જો તમે નરસા છો તો આખું જગત તમારા માટે નરસું છે. જો તમે સારા છો તો આખુંય જગત તમારા માટે સારું છે.