________________
પરિશિષ્ટ
૧૨૯ સર્વ દુઃખોનાં અને વિપત્તિઓનાં મૂલ કારણભૂત વક્રતા અને વિરોધને ' છોડીને, સર્વસુખોના અને સંપત્તિઓનાં મૂળ કારણભૂત મૈત્રીનો તમે આશ્રય કરો. તમે વિશ્વનું હિત ઇચ્છો, જગતના બંધુ બનો અને પરનાં હિતમાં પોતાનું હિત માનો. મન, વચન, અને કાયાથી યથાશક્તિ પરનું હિત જ કરો. જે જે પોતાને પ્રતિકૂળ છે, તે તે કયારે પણ કોઈ પણ રીતે બીજા પ્રત્યે ન આચરો અને જે જે તમને અનુકૂળ છે, તે તે બીજાઓને પ્રાપ્ત થાઓ, એવી કામના રાખો!
સુખી, દુઃખી, પુણ્ય કરનારા અને પાપીઓ પ્રત્યે અનુક્રમે મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષારૂપ ભાવના ચતુષ્ટયીને પ્રણયના કારણે મધુર અને પ્રિય એવી સુંદરીને આલિંગન કરવાની જેમ’ આલિંગન કરીને તમે સૌજન્યરૂપ અમૃતના સિંધુ બનો.
પારકાનાં સુખ અને સંપત્તિનો ભંગ કરવો તે પોતાનાં સુખ અને સંપત્તિના ભંગ માટે જ થાય છે અને બીજાઓને દુઃખ અને વિપત્તિ આપવા તે પોતાનાં દુઃખ અને વિપત્તિ માટે જ થાય છે, એમ મનમાં નિર્ધારણ કરીને પારકાનાં સુખ અને સંપત્તિનો ભંગ તથા બીજાને દુઃખ અને વિપત્તિનું પ્રદાન એ કદી પણ ન કરવાં જોઈએ. मा वियोष्ट अन्यो अन्यस्मै वल्गु वदन्त एत ।
અથર્વ ૩-૩૦-૫ - અલગ અલગ ન થાઓ, એક બીજાને પ્રેમપૂર્વક સત્ય, પ્રિય અને હિતકર બોલતા તેમ આગળ વધો !
समानी व: आकूति: समाना हृदयानि वः ।
समानमस्तु वो मनो यथा व: सुसहासति ।। (ઋગ્વદ ૧૦-૧૯૧-૪); અથર્વ, ૬-૬૪-૩, તૈત્તિરીયબ્રાહ્મણ ર૪-૪-૫)
તમારા સૌની આકૃતિ (સંકલ્પ, નિશ્ચય, પ્રયત્ન અને વ્યવહાર) સમાન (સમભાવ-મૈત્રીવાળાં) થાઓ. તમારાં સૌનાં હૃદય સમાન (મૈત્રીવાળા) થાઓ. તમારાં સૌનાં મન સમાન થાઓ. જે રીતે તમારો ધર્મ વગેરેમાં વિકાસ થાય, તે પ્રકારનાં તમારાં આકૃતિ, હૃદય અને મન બનો.