________________
પવિત્રતા, આનંદ અને પૂજ્યતાનાં સાધનો
मैत्रीपवित्रपात्राय, मुदितामोदशालिने । कृपोपेक्षाप्रतीक्षाय, तुभ्यं योगात्मने नमः ।।
[ મૈત્રીના પવિત્ર ભાજનભૂત, મુદિતાથી પ્રાપ્ત થયેલ સદાનંદ વડે શોભતા અને કરુણા માધ્યસ્થ્ય વડે જગપૂજ્ય બનેલા,યોગસ્વરૂપ છે વીતરાગ ! તને નમસ્કાર હો !]
કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રાચાર્યે રચેલી ‘શ્રી વીતરાગસ્તોત્ર’ એ એક અતિગંભીર કૃતિ છે. શ્રી વીતરાગભગવંતની એમાં સર્વશ્રેષ્ઠ સ્તુતિ છે. છંદશાસ્ત્ર, અલંકારશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર, યોગશાસ્ત્ર વગેરેની દૃષ્ટિએ તેનું સ્થાન મહત્ત્વનું છે. શ્રી સ્તુતિકાર ભગવંતે જૈનશાસનનાં અનેક રહસ્યોને એ સ્તુતિમાં ગુપ્ત રીતે એકત્રિત કર્યા છે. સાધક આત્મા જ્યારે આ સ્તોત્રના ચિંતનમાં એકાગ્ર બને છે ત્યારે તે રહસ્યો તેને માટે ખુલ્લાં થાય છે. આ રહસ્યોનું જ્ઞાન થતાં જ તેનો આત્મા આનંદથી નાચી ઊઠે છે, જેમ જેમ તેઓ સ્તુતિસમુદ્રના ઊંડાણમાં ઊતરે છે, તેમ તમે તેને નવાં અદ્ભુત રહસ્યરત્નોની પ્રાપ્તિ થાય છે. અને શ્રીસ્તુતિકાર ભગવંતની સર્વશાસ્ત્રવિષયક પરિપૂર્ણતા પર તે મુગ્ધ બને છે.
આ કથનના સમર્થન માટે અહીં લેખની શરૂઆતમાં મૂકેલા (એ સ્તોત્રના ત્રીજા પ્રકાશના અંતિમ) શ્લોક પર વિચારણા કરીએ.
પ્રસ્તુત શ્લોકમાં ‘યોગાત્મને' શબ્દ અતિમહત્ત્વનો છે. યોગાત્મ એટલે યોગસિદ્ધ, સિદ્ધયોગ, યોગમય, યોગસ્વરૂપ વગેરે શ્રી વીતરાગ ભગવંતનું એ એક સર્વ શ્રેષ્ઠ વિશેષણ છે. શ્રી અરિહંતને જ યોગાત્મા કહી શકાય, કારણ કે તેમને જ યોગની સર્વ મહાન વિભૂતિઓ પ્રતિહાર્યાદિ વરે છે. શ્રી અરિહંત પરમાત્માનાં યોગાત્મત્વને બતાવવા માટે આ શ્લોકની રચના છે. તેને શ્રી સ્તુતિકાર ભગવંત પવિત્ર, આમોદ અને પ્રતીક્ષા એ ત્રણ શબ્દો વડે બતાવે છે. આ શબ્દો શ્રી અરિહંતમાં રહેલી પરમ પવિત્રતા, પરમાનંદતા અને ત્રૈલોકચપૂજ્યતા, એ ત્રણ ઉચ્ચ ગુણોને ધ્વનિત કરે છે અને આ ગુણોનાં કારણે જ તેઓ અરિહંત કે યોગાત્મા છે, એમ જણાવે છે.