________________
८६
ધર્મબીજ
અક્ષરોને તમે જ્યારે જ્યારે જપો ત્યારે ત્યારે આ કેવળ અક્ષરો છે” એમ ન સમજો, પણ અમે સાક્ષાત્ નામ-અરિહંતના સાંનિધ્યમાં છીએ, એમ વિશ્વાસમાં રાખો. જેમ જેમ જપ વધે છે, તેમ તેમ આપણે નામ-અરિહંતની વધુ ને વધુ નજીકમાં જઈએ છીએ, તેમની મહા-કરુણાનો ધોધ આપણા પર અધિકાધિક વરસે છે અને તેમાં આપણાં બધાં પાપો ધોવાઈ જાય છે.
જપ પૂર્વ અને પછી શ્રી અરિહંતને પ્રાર્થના કરો કે -
મહાકરુણાના અવતાર, હે પરમાત્મન્ ! તમારી કરુણાની શીતલ વર્ષા સંસાર દાવાનલમાં સળગતા મારા આત્મા પર પડતી જ રહે ! અધિક અધિક પ્રમાણમાં તે પડો ! હે નાથ ! આ જગતમાં નીચમાં નીચ, પાપીમાં પાપી અને દુર્જનમાં દુર્જન કોઈ હોય તો હું છું, મુજદીનને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાઓ. પ્રભુ ! આ વિશ્વના સર્વ દુઃખી જીવો પર આપની મહાકરુણાની એવી વર્ષા વરસો, કે જેથી તે બધાંનાં સર્વ દુઃખો ધોવાઈ જાય. અને તેઓ પરમ સુખી બને. નાથ ! આપના સિવાય આ કાર્ય બીજો કોઈ પણ કરી શકે તેમ નથી. નાથ ! જીવો તો બિચારા એટલા બધા અશક્ત છે કે આપની કરૂણાને સન્મુખ બનવાનું સામર્થ્ય પણ તેઓમાં નથી. હે પ્રભો ! તે સામર્થ્ય પણ આપે જ આપવાનું છે.”
આવા પ્રકારની પ્રાર્થના અને જપયોગથી આપણે તે મહાકરુણાના સંપર્કમાં આવવું જોઈએ. એના જેવું પવિત્ર બીજું કાર્ય નથી. જેના પર તે મહાકરુણા વરસે છે, તેનાં રોગ, શોક, ભય, ખેદ, ચિંતા, રાગ, દ્વેષ, મોહ વગેરે સર્વ નાશ પામે છે અને તે સ્વયં પરમાત્મરૂપ બની જાય છે.
‘સર્વનાં સર્વ દુઃખો નાશ પામો, એ જ મંગલ કામના
કરુણાભાવના સમાપ્ત