________________
વિચારોને કેળવવા જોઈએ. આ મનરૂપી બગીચાને તમારે ધ્યાન ને સારા વિચારોરૂપી પાણી સીંચવું જોઈએ, તેમ જ વિરોધી હાનિકારક વિચારરૂપી નકામું ઘાસ નીંદી કાઢવું જોઈએ. ૧૦. બીજાના દોષ જોવારૂપી વિચારો દૂર કરો
મનનો સ્વભાવ જ એવો છે કે જેનું તે ગાઢ ચિંતન કરે છે તેવું જ તે બની જાય છે. માટે જો તમે બીજા માણસોના દોષો ને દુર્ગુણોનો જ વિચારો કર્યા કરશો તો તમારા મનમાં થોડા સમય માટે પણ આ દોષો ને દુર્ગુણો ભરાઈ જશે.
જે મનુષ્ય આ માનસિક નિયમ જાણે છે તે કદી બીજાની નિંદા કરશે નહિ કે બીજાના ચારિત્ર્યમાં દોષદષ્ટિ રાખશે નહિ. તે બીજામાં માત્ર સારું જ જોશે અને હંમેશાં બીજાની સ્તુતિ કરશે. આવી ભાવનાથી મનુષ્ય ધ્યાન, યોગ ને અધ્યાત્મમાર્ગે ઝડપથી આગળ વધી શકે છે. ૧૧. મૃત્યુ વખતના છેલ્લા વિચાર પ્રમાણે નક્કી થતો પુનર્જન્મ
મનુષ્યનો છેલ્લો વિચાર તેના પછીના જન્મનો નિર્ણાયક બને છે. શ્રીમદ્ ભગવદ્ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે, “મનુષ્યના અંત સમયના વિચાર પ્રમાણે તેનો બીજો જન્મ થાય છે. હૈ કૌન્તય ! મનુષ્ય જે વસ્તુનો વિચાર કરતાં દેહનો ત્યાગ કરે છે તે તે વસ્તુના સતત ચિંતનથી તેને જ પામે છે.” (સ. ૮.૬)
અજામિલ પોતાના ધર્મનિષ્ઠ આચરણથી ભ્રષ્ટ થઈ અધમ જીવન ગાળવા માંડ્યો. પાપમય જીવનના અંધકારમય પ્રદેશમાં અટવાઈ જઈ તે ચોરી, લૂંટ વગેરે કરવા માંડ્યો ને વેશ્યાનો પણ દાસ બન્યો. આ વેશ્યાથી તેને દસ સંતાન થયાં. જેમાંના સૌથી નાનાનું નામ નારાયણ હતું.
જ્યારે તે મરણ પથારીએ પડ્યો, ત્યારે તેના મનમાં તેના સૌથી નાના દીકરા નારાયણનો વિચાર ઘોળાયા કરતો હતો. તે સમયે ત્રણ ભયંકર યમદૂતો અજામિલને દેખાયા. આથી ભયભીત બની અજામિલ ખૂબ દુઃખમાં પોતાના દીકરા નારાયણનું નામ પોકારવા માંડ્યો.
નારાયણ” નામનો ઉચ્ચાર થતાં જ ભગવાન શ્રીહરિના દૂતો એકદમ ત્યાં ધસી આવ્યા અને યમદૂતોને અટકાવ્યા. ત્યાર બાદ તેઓ અજામિલને શ્રી વિષ્ણુના વૈકુંઠલોકમાં લઈ ગયા.