________________
જ્યારે શ્રીકૃષ્ણ ભગવાને શિશુપાલનું માથું ચક્રથી ઉડાવી દીધું ત્યારે શિશુપાલનો ભવ્ય દિવ્ય પ્રકાશયુક્ત આત્મા ભગવાન શ્રીકૃષ્ણમાં લીન થઈ ગયો. દુષ્ટ શિશુપાલે પોતાનું આખું જીવન શ્રીકૃષ્ણની નિંદાના ચિંતનમાં જ ગાળ્યું હતું. આથી મૃત્યુ સમયે તેણે તેમાં જ પ્રવેશ કર્યો.
ઈયળને જ્યારે ભમરી ડંખ મારે છે, ત્યારે તે ભમરીનું ચિંતન કરે છે આથી તે ભમરીરૂપ બની જાય છે. તેવી જ રીતે, જે માણસ ભગવાન શ્રીકૃષ્ણ પર મનને સ્થિર કરે છે તે પોતાનાં બધા પાપથી મુક્ત થઈ તેને જ પામે છે. ગોપીઓ કામથી, કંસ ભયથી, શિશુપાળ દ્વેષથી ને નારદ પ્રેમથી ભગવાનને પામ્યા.
ભગવાન શ્રીકૃષ્ણ ગીતામાં કહે છે, ‘“જે પુરુષ એકધારું મારું ચિંતન કરતાં મને સદા રટ્યા કરે છે, એવા યોગી જેનું લક્ષ અખંડ મારામાં ચોંટેલું છે, તેને હું સુલભ છું. આવી રીતે મને પામીને ઊંચી સિદ્ધિએ પૂરી રીતે પામેલા પુરુષો ફરી દુઃખની ખાણરૂપ એવી જન્મમરણની ગતિને પામતા નથી. બ્રહ્મલોક સુધી ગતિ પામેલાઓ પણ આ પૃથ્વી પર પાછા જન્મે છે. પણ હે અર્જુન ! જેઓ મને પામે છે તેઓ ફરી આ લોકમાં જન્મતા નથી.’ (અ. ૮, ૧૪, ૧૫, ૧૬)
આવી રીતે સંસારનાં બધાં કાર્યો કરવા છતાં જેનું મન સતત ભગવાનનું જ ચિંતન કર્યા કરે છે તેને મૃત્યુકાળે પણ સ્વભાવિક રીતે ભગવાનનો જ સંકલ્પ થશે. વળી, શ્રીકૃષ્ણ કહે છે, ‘‘જેનું મન આવી રીતે સતત યોગયુક્ત રહે છે, તે બીજા કોઈ વિઘ્નથી ચલિત થયા વિના દિવ્ય પ્રકાશયુક્ત પુરુષોત્તમ ભગવાનને પામે છે.’
આગળ વળી ભગવાન કહે છે, “મૃત્યુ સમયે જે મારા પરમ સ્વરૂપનું શ્રીકૃષ્ણ કે નારાયણરૂપે ધ્યાન ધરે છે, તે દેહત્યાગ વખતે જરૂર મને પામે છે, આમાં જરા પણ શંકા નથી, મૃત્યુ વખતે જે જે ભાવનું ચિંતન કરે છે, તે સતત તે ભાવનાને પામે છે. કેમ કે તેણે તે જ ભાવનું સતત ચિંતન કરીને પોષણ કર્યું હતું.”
છેવટે શ્રીકૃષ્ણ ભગવાન જણાવે છે કે, ‘‘આવી રીતે જે પોતાનું ચિત્ત મારામાં જોડી દે છે તે આવી શાંતિરૂપ બ્રહ્મસ્થિત પામીને ફરી પાછો મોહમાં ફસાતો નથી ને અંતકાળે પરમ બ્રહ્મપદને પામે છે.’ (અ. ૨-૭૨)
૭૭