________________
૫. વિચાર-સુધારણા માટે આધ્યાત્મિક પદ્ધતિઓ
જો તમે ખરાબ અશુદ્ધ વિચારોનું વારંવાર આવર્તન કરશો તો તેનું બળ વધતું જશે અને સાથે સાથે તેનો વેગ પણ વધશે. માટે તેમને તુરત મનમાંથી હાંકી કાઢવા જોઈએ. જો તેમ કરવામાં મુશ્કેલી જણાય તો ઈશ્વર સંબંધી વિચારોને મનમાં સ્થાન આપો. ભવ્ય, ઉન્નત સંકલ્પો કેળવો. આથી અશુભ વિચારો પોતાની મેળે જ નાશ પામશે. પાપમય વિચારોને હાંકી કાઢવાને માટે ભવ્ય વિચાર એ સમર્થ પ્રતિયોગી છે. પહેલી રીત કરતાં આ વધારે સારી રીત છે. દિવસમાં હજારો વાર ઈશ્વરનું નામસ્મરણ કરવાથી સારા વિચારોને નવું બળ ને પ્રેરણા મળે છે. આવી જ રીતે અહં બ્રહ્માસ્મિ' સૂત્રનું અનેકવાર આવર્તન કરવાથી હું આત્મા છું' ભાવના ખૂબ દઢ બને છે. આથી “હું દેહ છું' તેવો વિચાર તદ્દન નિર્બળ બની જાય છે.
જ્યારે તમારા મનમાં હલકા સંકલ્પો દાખલ થાય ત્યારે તેમને હાંકી કાઢવાને માટે તમારી ઇચ્છાશક્તિનો બળજબરીથી ઉપયોગ કરો નહિ. આથી તમારી ઉપરનો બોજો વધી જશે, ને તમને શ્રમ પડશે. જેમ જેમ વધારે પ્રયાસ કરશો તેમ તેમ દુષ્ટ વિચારો બમણા જોરથી હલ્લો કરશે. વળી, તેમનો વેગ ને શક્તિ પણ વધી જશે. માટે તેમના પ્રત્યે દુર્લક્ષ કરો ને શાંત રહો. તરત જ તેઓ અદશ્ય થઈ જશે અથવા પ્રતિપક્ષભાવના દ્વારા શુભ વિરોધી વિચારોને દાખલ કરો અથવા ખૂબ દઢતાપૂર્વક ઈશ્વર અને મંત્રના ચિત્રનું વારંવાર મનન કરો અથવા પ્રાર્થના કરો. ૬. સંકલ્પ-સુધારણાનું મહત્ત્વ
સંકલ્પશુદ્ધિ એ ઘણો અગત્યનો વિષય છે. છતાં ઘણા જ થોડા લોકો આ કળા કે વિજ્ઞાન સંબંધી જાણે છે. આજના કેળવાયેલા ગણાતા લોકો પણ આ તાત્ત્વિક કેળવણીથી અજાણ છે. આ બધા મનુષ્યો આજે સંકીર્ણ વિચારના ભોગ બનેલા જોવામાં આવે છે. તેમના મનરૂપી કારખાનામાં વિવિધ પ્રકારના મેળ વગરના ઉદ્દેશીને વિચારો આવજા કર્યા કરે છે. એમાં કોઈ જાતનો સંવાદ જોવામાં આવતો નથી. તેમાં કંઈ સુમેળ કે નિયમ પણ હોતો નથી. બધું જ તદ્દન અનિયમિત ને અસ્તવ્યસ્ત દશામાં પડ્યું હોય છે. તેમના વિચારોમાં કોઈપણ પ્રકારની સ્પષ્ટતા કે સુરેખતા હોતી નથી.