________________
ગણું વધારે બળવાન બનશે. આ ઉપરાંત, આ વધેલું બળ તમને બીજી ઇચ્છાઓ પર કાબૂ મેળવવાને પણ શક્તિશાળી બનાવશે.
મનની શાંતિ, સ્વસ્થતા, આનંદી સ્વભાવ, આંતરિક બળ, મુશ્કેલ કાર્ય કરવાની તાકાત, બધાં કાર્યોમાં સફળતા, લોકો પર પડતી છાપ, આકર્ષક ભવ્ય વ્યક્તિત્વ, ચહેરા પર દિવ્ય પ્રકાશ, ચમકતી આંખો, સ્થિર દષ્ટિ, બુલંદ અવાજ, પ્રભાવશાળી ચાલ, અણનમ પ્રકૃતિ, અભય વગેરે ચિહ્નો જણાવે છે કે આ મનુષ્યની સંકલ્પશક્તિ વધતી જાય છે. ૫. સ્પષ્ટ વિચારસરણી માટે સાદાં સૂચનો
સામાન્ય મનુષ્યના મનમાં ઊઠતી છાપ ઝાંખી ને વિકૃત હોય છે. ઊંડો વિચાર શું એ તો જાણતો જ નથી. તેના વિચાર તદ્દન અવ્યવસ્થિત હોય છે. કોઈ કોઈ વાર તેના મનમાં ખૂબ જ ધમાલ હોય છે.
માત્ર વિચારકો, તત્ત્વજ્ઞો અને યોગીઓના વિચાર સુસ્પષ્ટ ને સુરેખ છાપવાળા હોય છે. યોગીઓ તેમને સ્પષ્ટ રીતે વાંચી શકે છે. જેઓ ધ્યાન ને એકાગ્રતાની સાધના કરે છે તેઓની માનસિક આકૃતિઓ સુરેખ ને ઊંડી છાપવાળી હોય છે.
આપણા ઘણાખરા વિચારો સ્થિર હોતા નથી. તેઓ મનમાં આવે છે અને તરત જ ચાલ્યા જાય છે. આથી તેઓ ઝાંખા ને અચોક્કસ હોય છે. તેમની છાપ પણ સ્પષ્ટ, ઊંડી ને સુરેખ હોતી નથી.
માટે જ તમારે તેમને સતત, સ્પષ્ટ અને ઊંડા મનનથી મજબૂત બનાવવા જોઈએ. વિચાર, મનન, નિદિધ્યાસન ને ધ્યાન દ્વારા વિચારોને સ્થિર ને ચોક્કસ રૂપ આપવું જોઈએ. ત્યારે જ સનાતન તત્ત્વ અંતરમાં ઊતરી શકે.
સત્ય વિચાર, તર્કશક્તિ, અંતરદષ્ટિ દ્વારા આપણે વિચારોને સ્વચ્છ પારદર્શક બનાવવા જોઈએ. ત્યારે જ તેમાંનો ગોટાળો નાશ પામે ને વિચારો દેઢ ને સ્થિર બને. સ્પષ્ટ વિચાર કરો. વારંવાર અંતરદષ્ટિ કરી તેમને શુદ્ધ બનાવો. એકાંતમાં મનન કરો ને વિચારોને શુદ્ધ કરો, શાંત કરો.
મનનો ઊભરો શાંત કરો. એક વિચારનું મોજું ઉત્પન્ન થાય તેને શાંત થવા દો. ત્યાર પછી જ બીજા વિચારને મનમાં પ્રવેશવા દો. વર્તમાન કાળમાં જે કાર્ય તમારા હાથમાં છે તેની સાથે સંબંધ ન ધરાવતા હોય તેવા બહારના વિચારોને હાંકી કાઢો.