________________
સૂચનો કરી જાણતા નથી, તેઓ લાભ કરતાં હાનિ વધારે કરે છે. તેઓ કોઈ કોઈ વાર દરદીને કારણ વિના ભડકાવીને મારી નાખે છે.
જો કોઈ દરદીને સામાન્ય શરદી ને થોડોક કફ હોય તો ડૉક્ટર કહેશે, ભાઈ ! તને ટી.બી. થયો છે, તારે ભોવાલી, સ્વિટઝર્લેન્ડ કે વિયેના જવું જોઈએ. ક્ષયના ઇંજેક્શનનો પણ કોર્સ લેવો પડશે.” બાપડો દરદી આથી ગભરાઈ જાય છે. વસ્તુત ક્ષયનું એક ચિહ્ન હોતું નથી. ફક્ત શરદીથી છાતીમાં થોડો કફ એકઠો થયો હોય છે. પણ ડૉક્ટરના ખોટા વિઘાતક સૂચનથી ઉત્પન્ન થયેલ ભય ને ચિંતાને લીધે તેને ખરેખર ક્ષય થાય છે.
ડૉક્ટરે આમ કહેવું જોઈએ, “અરે ! કંઈ નથી; ફક્ત સાદી શરદી છે. કાલ સુધીમાં તો સારું થઈ જશે. એક જુલાબ લઈ લે અને થોડુંક નીલગિરિનું તેલ છાતીએ ચોળજે અને સૂંઘજે. ખોરાક પણ હલકો કરી નાખજે. આજે ઉપવાસ કરી નાખે તો વધારે સારું.” આવા ડૉક્ટરને ઈશ્વરની માફક પૂજવો જોઈએ.
પણ અત્યારના ડોક્ટરો કહે છે, “જો એમ કહીએ તો તે અમારો ધંધો ચાલે જ નહિ. આ દુનિયામાં જિવાય પણ નહિ.” પરંતુ આ ભૂલ છે. હંમેશાં સત્યનો જ જય થાય છે. જો તમારામાં ભલમનસાઈની લાગણી હશે તો લોકો દોડીને તમારી પાસે આવશે, અને કમાણી પણ ખૂબ જ થશે.
આમ, સૂચન દ્વારા વગર દવાએ રોગ દૂર કરવાનું શાસ્ત્ર છે. સારા શક્તિશાળી સૂચન દ્વારા તમે ગમે તે રોગને મટાડી શકો. તમારે આ શાસ્ત્રને ભણીને અમલમાં મૂકવું પડશે. હોમિયોપેથી, આયુર્વેદિક તેમ જ યુનાની એ બધી પદ્ધતિના ડૉક્ટરોએ આ વિજ્ઞાન જાણી લેવું જોઈએ. પોતપોતાની પદ્ધતિ પણ સાથે અજમાવવી જોઈએ. આના સુમેળથી તેમના ધંધાનો ખૂબ જ વિકાસ થશે. ૩. યોગીઓ વિચાર પ્રેરીને ઉપદેશ કરી શકે છે.
જે ખરા યોગીઓ એકાંતમાં જીવન ગાળે છે તેઓ જાહેરમાં વ્યાખ્યાન આપનાર યોગીઓ કરતાં પોતાના આધ્યાત્મિક વિચારો, સ્પંદનો અને ચુંબકીય ઓરા દુનિયાનું વધારે કલ્યાણ કરી શકે છે. જેમની આધ્યાત્મિક કક્ષા ઊતરતી હોય, અને જેમનું જ્ઞાન અપૂર્ણ હોવાથી પોતાની અંદરની સુષુપ્ત તેમ જ પ્રગટ દિવ્ય શક્તિનો ઉપયોગ કરવાનું જાણતા નથી તેઓ જ જાહેર વ્યાખ્યાનો દ્વારા પ્રચાર કરે છે.