________________
આશા, શ્રદ્ધા, ઉત્સાહ, વગેરેથી પ્રફુલ્લિત સ્વભાવવાળા લોકો બીજાઓ પાસેથી આવા જ વિચારોનું આકર્ષણ કરે છે અને પોતાના પ્રયાસોમાં હંમેશાં સફળતા મેળવે છે.
નિરાશા, ક્રોધ, ઈર્ષા, તિરસ્કાર, વગેરે વિઘાતક વિચારોવાળા ગમગીન માણસો બીજાઓને દુઃખી કરે છે. તેઓનો ચેપ બીજાઓને લાગે છે. આમ આવી વિનાશક વૃત્તિઓ ઉત્પન્ન કરનાર ગુનેગાર છે. માનસિક વિચાર સૃષ્ટિમાં તેઓ ભયંકર ઉત્પાત મચાવે છે.
પ્રફુલ્લિત આનંદી સ્વભાવના માણસો સમાજને આશીર્વાદરૂપ છે કારણ કે તેઓ બીજાઓને સુખી કરે છે.
જેવી રીતે કોઈ યુવાન સુંદર સ્ત્રીના ગાલ કે નાક પર બેડોળ ચાંદું હોય ત્યારે તે પોતાનું મુખ ઢાંકી દે છે અને સમાજમાં બહુ ભળતી નથી, તેવી જ રીતે જ્યારે તમારી અંદર નિરાશા, વેરઝેર કે ઇર્ષાના વિચારો પ્રવર્તતા હોય ત્યારે પણ તમારા મિત્રો કે બીજા લોકોથી દૂર રહેવું જોઈએ. કારણ કે આની અસર બીજાઓ ઉપર થવાની. સમાજને તે દુઃખદાયક થઈ પડશે. ૧૮. વિશ્વવ્યાપી વાતાવરણમાં મનની પ્રસરતી શક્તિ
વિચારો ખરેખર મગજમાંથી નીકળી આસપાસ પ્રસરે છે. જ્યારે સારો કે ખરાબ વિચાર મનુષ્યના મનમાંથી બહાર નીકળે છે ત્યારે અંતરિક્ષમાંના મનોમય દ્રવ્ય ઉપર ધ્રુજારીઓ ઉત્પન્ન કરે છે, જે સર્વ દિશાઓમાં દૂર દૂરના પ્રદેશમાં ફેલાઈ જાય છે.
તે બીજાઓના મગજમાં પણ પ્રવેશ કરે છે. હિમાલયની ગુફામાં રહેતો યોગી અમેરિકાના ખૂણામાં પણ શક્તિશાળી વિચાર પ્રેરી શકે. આમ, ગુફામાં રહીને પણ જે પોતાને શુદ્ધ કરવાનો યત્ન કરતો હોય તે ખરેખરી રીતે દુનિયાને શુદ્ધ કરવાનો ને બધા લોકોને મદદ કરવાનો પ્રયાસ કરે છે. તેના મનમાંથી બહાર નીકળતા તેમ જ જેમને તેમની જરૂર છે એવા લોકોના મનમાં પ્રવેશ કરતા આ શુદ્ધ વિચારોને કોઈ પણ અટકાવી શકે તેમ નથી.
જેવી રીતે સૂર્ય પૃથ્વીની સપાટી પરનાં પ્રત્યેક પાણીનાં ટીપાંને વગર અટક્યે વરાળ બનાવે છે અને આ બધી વરાળ ઊંચે જઈને તેમાંથી વાદળાં બને છે તેવી જ રીતે આપણા એકાંત ઘરના ખૂણામાંથી જે વિચારો આપણે પ્રેરીએ તે વાતાવરણમાં ઊંચે ચડી અંતિરક્ષમાં ગતિ કરશે અને તેની જાતના બીજા વિચારો સાથે મળી આ બધા વિચારો એટલી બધી શક્તિ ઉત્પન્ન કરશે કે તેથી વિરોધી અશુભ બળોને છિન્નભિન્ન કરી નાખશે.
(૦)
૨૬