________________
૧૨. શરીરના વિવિધ કોષો ને વિચારો વચ્ચે સંબંધ
શરીરમાંના કોષ એ જીવતા જાગતા એકમો છે. તેમાં વચ્ચે કેન્દ્ર, ફરતો જીવરસ(પ્રોટોપ્લાઝમ) અને આજુબાજુ બારીક પડ હોય છે. દરેક કોષ બુદ્ધિયુક્ત હોય છે. કેટલાક કોષ શરીરની અંદરના વિવિધ સ્ત્રાવ કાઢે છે. અંડકોષના કોષ વિર્ય ઉત્પન્ન કરે છે; ત્યારે મૂત્રપિંડ (કિડની)ના કોષ મૂત્ર બહાર કાઢે છે. કેટલાક કોષ શરીરમાં સિપાઈની માફક રક્ષાનું કામ કરે છે. શરીરમાં ઝેર કે ઝેરી વસ્તુઓ જેવાં બહારથી દાખલ થાય કે તરત જ તેઓ તે સ્થળે દોડી જઈ તેની સામે યુદ્ધ કરે છે. ત્યાર બાદ તેમનો નાશ કરી બહાર ફેંકી દે છે. કેટલાક લોહીના કોષ કોષપેશીઓમાં અને અવયવોમાં ખોરાકના પોષક તત્ત્વો પહોંચાડે છે.
આ બધા કોષો આપણી ઇચ્છાને આધીન થયા વગર પોતપોતાનું કાર્ય નિયમિત રીતે કર્યા કરે છે. તેઓનું કાર્ય ઈંડા-પિંગળા નામના અનિચ્છાવર્તી જ્ઞાનતંત્રને આધીન છે, અને મગજમાંના મનની સ્થિતિ સાથે તેમનો સીધો સંબંધ હોય છે.
મનની દરેક લાગણી, દરેક વિચારનું આંદોલન કોષોને ધ્રુજાવે છે. મનની ભિન્ન ભિન્ન બદલાતી દરેક સ્થિતિની અસર તેમના પર થાય છે. જો મનમાં અવ્યવસ્થા, નિરાશા અને બીજા વિઘાતક વિચારો કે લાગણીઓનું સામ્રાજ્ય હોય તો તેની અસર વિદ્યુત ઝડપે જ્ઞાનતંતુ દ્વારા શરીરમાંનાં દરેક કોષમાં ફરી વળે છે. આથી લડાયક શ્વેત કોષો ભયભીત થઈ નબળા પડી જાય છે અને ઘસાઈ જવાથી પોતાનું કામ યથાયોગ્ય રીતે કરવાને શક્તિમાન થઈ શકતા નથી.
કેટલાક લોકોનું મન શરીર પર જ કેન્દ્રિત થયેલું હોય છે. આથી તેમને આત્માનું જ્ઞાન જ હોતું નથી. તેઓનું જીવન અનિયમિત, અવ્યવસ્થિત ને સંયમહીન હોય છે. તેઓ પોતાની હોજરીમાં મીઠાઈના લોચા, મુરબ્બા વગેરે લાદે છે. જેને પરિણામે પાચક અને ઉત્સર્ગ અવયવોને જરા પણ આરામ મળતો નથી. આથી તેઓ શારીરિક નબળાઈ ને રોગના શિકાર બને છે ને તેમના શરીરમાંના અણુઓ, પરમાણુઓ ને કોષો વિસંવાદી ને વિરોધી ધ્રુજારીઓ ઉત્પન્ન કરે છે. તેઓ શ્રદ્ધા, આશા, વિશ્વાસ, શાંતિ ને આનંદ ગુમાવી બેસે છે. આથી દુઃખી થાય છે. આ બતાવે છે કે તેમની જીવનજ્યોતિ બરાબર ઝળહળતી નથી. તેમની શક્તિ ક્ષીણ થઈ ગઈ હોય છે અને તેમનું મન ભય, નિરાશા, ચિંતા ને ઉપાધિનું ધામ બની ગયેલું હોય છે.