________________
૧૦. વિચારોનાં આંદોલનોની વિવિધતા
દરેક મનુષ્યની માનસિક દુનિયા જુદી જુદી હોય છે, તેમ જ વિચાર કરવાની રીત પણ જુદી જુદી હોય છે. તે જ પ્રમાણે, પરિસ્થિતિને સમજવાની અને કાર્યને અમલમાં મૂકવાની રીતો પણ ભિન્ન ભિન્ન હોય છે.
જેમ કોઈ બે વ્યક્તિઓનો ચહેરો ને અવાજ મળતા આવતા નથી, તેવી જ રીતે દરેકની વિચાર કરવાની તે વસ્તુ કે પરિસ્થિતિ સમજવાની શક્તિ પણ ભિન્ન ભિન્ન હોય છે. આ કારણથી જ ગાઢ મિત્રો વચ્ચે પણ નજીવા કારણસર મતભેદ પડી જાય છે.
એક વ્યક્તિ બીજીના દૃષ્ટિબિંદુને બરાબર સમજી શકતી નથી. આથી જ દિલોજાન મિત્રો વચ્ચે પણ એક ક્ષણમાં બોલાચાલી, મિત્રાચારીનો ભંગ અને કલહ ઉત્પન્ન થાય છે. પરિણામે મિત્રાચારી તૂટી જાય છે.
જો આપણે આપણા વિચારોને બીજાના વિચાર-આંદોલન સાથે સંવાદી બનાવી શકીએ તો જ આપણે બીજાને સહેલાઈથી સમજી શકીએ.
વિષ્યકામના, તિરસ્કાર, ઈર્ષા ને સ્વાર્થના વિચારો મનમાં વિકૃત મૂર્તિઓ ખડી કરે છે, જે બુદ્ધિને ધૂંધળી કરી નાખે છે, સમજ શક્તિને વિકૃત કરે છે ને યાદશક્તિનો નાશ કરી મનમાં અંધાધૂંધી ફેલાવે છે. ૧૧. વિચારશક્તિનો સંગ્રહ
ભૌતિકશાસ્ત્રમાં વિદ્યુતપ્રવાહોત્પાતક શક્તિ (ઓરિએન્ટેશન) નામનો શબ્દ છે. શક્તિનો જથ્થો હોવા છતાં તેમાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થઈ શકે નહિ. પ્રથમ તેનો ચુંબક સાથે સંબંધ કરવો જોઈએ, પછી આ શક્તિ દ્વારા વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થઈ શકે.
એવી જ રીતે માનસિક શક્તિને વિવિધ ક્ષુદ્ર દુન્યવી વિચારોમાં આડમાર્ગે ખરચી નાખવામાં આવે છે, તેને યોગ્ય માર્ગે કેન્દ્રિત કરી, તેનો આધ્યાત્મિક ઉન્નતિ માટે ઉપયોગ કરવો જોઈએ.
તમારા મગજમાં દુનિયાની નકામી માહિતીનો સંગ્રહ કરો નહિ. મનમાનું ભૂલી જતાં શીખો. તમારા માટે કંઈ કામનું ન હોય તે બધું મનમાંથી કાઢી નાખો, ત્યારે જ તમે તમારા મનને દિવ્ય વિચારોથી ભરી શકશો, તો જ તમારા મનમાં જે અત્યંત છૂટાંછવાયાં ખંડિત ધંધળાં કિરણો ભેગાં થયેલાં છે તે દૂર થવાથી નવા જ પ્રકારની માનસિક શક્તિ પ્રાપ્ત કરી શકશો.