________________
૧.
વિચારશક્તિ - તેનું વિજ્ઞાન ને રહસ્ય
૧. પ્રકાશ કરતાં વિચારની અનંતગણી ઝડપ
પ્રકાશ સેકંડની ૧,૮૬,૦૦૦ માઈલની ઝડપે દોડે છે. પણ વિચારની ઝડપ એટલી પ્રચંડ છે કે તેને કોઈ પણ સ્થળે જવામાં ક્ષણ જેટલો પણ સમય લાગતો નથી.
વિદ્યુતના માધ્યમ. ઈથર કરતાં પણ વિચાર વધારે સૂક્ષ્મ તત્ત્વ છે. સંગીતકાર કલક્તામાં સુંદર ગાયન ગાય છે અને તમે તેને દિલ્હીમાં ઘેર બેઠાં રેડિયો દ્વારા સ્પષ્ટ રીતે સાંભળી શકો છો. બધા સંદેશાઓ પણ વગર દોરડે અંતરિક્ષમાંથી પરબારા મળી શકે છે.
તેવી જ રીતે તમારું મન પણ એક વાયરલેસ યંત્ર જેવું છે. પોતાના શાંતિ, સમતા ને પ્રેમનાં આધ્યાત્મિક આંદોલનો દ્વારા સંત પુરુષો આખી દુનિયામાં પ્રેમ ને શાંતિના વિચારો પ્રેરી શકે છે. આ વિચારો વિદ્યુત ગતિએ બધી દિશાઓમાં પ્રસરી જઈ મનુષ્યોના મનમાં પ્રવેશ કરી તેવા જ પ્રેમ ને શાંતિના વિચારો પ્રગટાવે છે. ત્યારે જેનું મન ઈર્ષા, વેરઝેર ને તિરસ્કાર ઇત્યાદિથી ભરેલું છે તેવો દુનિયાદારી માણસ વિષમય ઝેરી વિચારો ફેલાવે છે, જે હજારોના મનમાં પ્રવેશી વેરઝેર ને તિરસ્કારની ભાવના ઉત્પન્ન કરે છે. ૨. વિચારોને ગતિ કરવા માટેનું માધ્યમ
જો આપણે તળાવ કે પાણીના ઝરામાં પથ્થરનો ટુકડો ફેંકીએ તો જે સ્થળે પથ્થર પડશે તે કેન્દ્રમાંથી અસંખ્ય લહેરો ઉત્પન્ન થઈ ચારે બાજુ ફેલાઈ જશે.
મીણબત્તી સળગાવતાં તેની વાટમાંથી પ્રકાશના અસંખ્ય તરંગો ઉત્પન્ન થઈ ઈથર દ્વારા સર્વ દિશાઓમાં વ્યાપી જશે.