________________
૪૧
दृष्ट्वा सदाचारपरान् जनान् या शुद्धप्रशंसान्विततच्चिकीर्षा । सद्धर्मरागः स हि मोक्षबीजं न धर्ममात्रप्रणिधानरूपः ॥४४॥
રે ! સબૂર કોઈ ભુલાવામાં પડજો મા ! ધર્મની ક્રિયાઓ કરવા માત્રથી મોક્ષનું બીજ-ધર્મરાગ-આવી ગયો છે એવું રખે કોઈ માનતા !
ધર્મરાગ તો તે જીવાત્મામાં જીવંત બનીને જીવતો કહેવાય જે જીવાત્માને સદાચારમાં તત્પર એવા સાધુજનોને જોતાં જ અંતરમાં આનંદ આનંદ થઈ જાય; એટલું જ નહિ; એનાં મોંમાંથી એ સજ્જનો અને સાધુજનો પ્રત્યે અહો ! અહો ! થઈ જાય; મુક્તકંઠે પ્રશંસા થઈ જાય.
ના...એટલેથી ય એ અટકે નહિ. ધર્મરાગી જીવ એવું સદાચારી જીવન પોતે કયારે જીવવા લાગશે ? એની વિચારણા કરતો એવું જીવન જીવવાને તલપાપડ થઈ જાય.
જ્યાં સુધી એવું સદાચાર-પરાયણ જીવન ન જીવાય ત્યાં સુધી એના અંતરમાં કારમું દુઃખ ઘોળાયા જ કરે.
આવો હોય; ધર્મરાગી જીવ !
આવો હોય; ધર્મરાગ.
એ જ છે; મોક્ષનું બીજ.