________________
શ્રાવક કવિ ઋષભદાસકૃત
રહે. તને સુંદર કન્યા પરણાવીશું. તું સંસારમાં રહી વિલાસપૂર્વક સુખ ભોગવ.” તે સાંભળી મેઘકુમારે કહ્યું કે “મેં તો સંયમનાર પરણી છે. એટલે હવે મારે બીજી નારી જોઈતી નથી. તે સાંભળી કાકી પણ બોધ પામી. એમ પાંચ જણાં સંયમ લેવા તૈયાર થયાં. આ આશ્ચર્યકારી વાત જાણીને તેમના ચાર વાણોતર પણ બોધ પામ્યા. તે વિચારે છે. ઈદ્ર જેવી ઋદ્ધિવાળા આપણા શેઠ પણ જો દીક્ષા લેતા હોય તો આપણે સંસારમાં રહીને શું કરવું છે ?' એમ ચારેય તૈયાર થયા. એટલે કુલ નવ જણાંનું નક્કી થતાં ખંભાત કાગળ લખવામાં આવ્યો.
ખંભાતથી હીરગુરુનો ઉત્તર આવે છે, “એક શ્રાવિકાને દીક્ષા આપજો.” તે વાંચી અભયરાજ વિચાર કરે છે અને તરત જ ખંભાત આવે છે જ્યાં હીરગુરુ વિરાજમાન છે. વાઘજી શાહને ત્યાં તેઓ ઊતરે છે. દીક્ષાના ઉત્સવની તૈયારી કરાય છે. રોજ અવનવા વરઘોડા, ફૂલેકાં ચડે છે. જાતજાતનાં વેશ-આભૂષણ પહેરાય છે. ઘોડા ઉપર અસવારી કરાય છે. એ જોવા લોકો ભેગા થાય છે. ઘણાં સાહષ્મીવચ્છલ થયાં. વાચકોને છૂટે હાથે દાન દેવાયાં. પહેરામણીઓ અપાઈ. એમ ત્રણ મહિના સુધી ઉત્સવ ચાલ્યો. ૩પ હજાર મહિમુદી (તે સમયનું નાણું) નો ખર્ચ કરી જન્મ સફળ કર્યો.
શ્રેણિકના પુત્ર મેઘકુમાર, ગજસુકુમાલ, ઢંઢણકુમાર, જંબૂકુમાર અને થાવસ્ત્રાપુત્ર કુમાર વગેરેની જેમ છતી ઋદ્ધિનો ત્યાગ કરી વાજતેગાજતે સંયમ લેવા સૌ સંચર્યા. ખંભાત શહેરની બહાર જ્યાં સરોવર તેમજ આંબાનાં ઘણાં વૃક્ષો છે તે કંસારીપુરીમાં આવે છે ત્યાં રાયણવૃક્ષની તળે ગુરુ શ્રી હીરવિજયસૂરિના હાથે નવે જણાં સંયમનો સ્વીકાર કરે છે.
તેઓ જ્યારે કાનેથી કુંડલ અને માથેથી મોડ અને ગળેથી હાર ઉતારે છે, ત્યારે એ જોઈ નરનારીઓની આંખે અશ્રુધારા વહેવા માંડે છે. અને જ્યારે પટોળાં-વસ્ત્ર મૂકે છે ત્યારે મુનિઓની આંખો પણ ભીની થાય છે.
બેની ગંગા જ્યારે શણગાર છોડે છે ત્યારે પંખીઓ પણ જાણે રડવા લાગે છે. ગંગાને દીક્ષા લેતી જોઈ લોકોને રાજિમતી યાદ આવે છે. અમરાદેની દીક્ષા જોઈ, અભયકુમાર મંત્રીની માતા સુનંદા જે પુત્રના મોહથી સંસારમાં ન રહી તે યાદ આવે છે. અભયરાજને દીક્ષા લેતા જોઈ, જંબૂકુમારની પાછળ દીક્ષા લેતા તેના પિતા ઋષભદત્ત યાદ આવે છે. અને ચાર વાણોતરની દીક્ષા જોઈ ઉત્તરાધ્યનનમાં ઈષકારીય અધ્યયનમાં પુરોહિત, તેની પત્ની, તેના બે પુત્રો અને રાજારાણી એમ છયે દીક્ષા લીધી તથા કાર્તિક શેઠની સાથે તેમના ૧૦૦૮ (એક હજાર ને આઠ) સેવકોએ દીક્ષા લીધી હતી તેની યાદ આવે છે.
જેણે છતા પદાર્થોને છોડવા તથા આભૂષણોને, મજૂર માથેથી ભારો નાખે એમ, નાખી દીધા એ મેઘકુમારે એકસો રૂપિયાનું અંગરખું યાચકને આપી દીધું. મેઘકુમારની દિક્ષા જોઈને ત્યાંના શ્રીમાળી જ્ઞાતીય નાના નાગજી નામના શ્રાવકને પણ વૈરાગ્ય થયો અને તે જ વખતે તેણે દીક્ષા લીધી. તેમનું ભાણવિજય નામ રાખ્યું.
અગાઉ જેને હીરગુરુને વહોરાવ્યો હતો પણ પછીથી તે દીક્ષા લઈ શક્યો નહોતો તે રામજી પણ ત્યાં ઊભો છે. તેને પિતા અને બહેન અનુમતિ આપતાં નથી. એ