________________
શ્રી હીરવિજયસૂરિરાસ
પ૭
એવા મારા ગુરુને તું દુઃખ પમાડે છે એમ કહીને તેના માથામાં ઉલાળો માર્યો. માથામાંથી લોહી નીકળવા માંડ્યું. એથી જગમાલ મનમાં બળવા માંડ્યો. સિપાઈ ત્યાં આવ્યો. તે વખતે હીરગુરુ તથા શ્રાવક ત્યાંથી ચાલ્યા ગયા. પછી જગમાલ પેટલાદ ગયો. બૂમબરાડા પાડવા અને ગાળો દેવા લાગ્યો. પણ ત્યાં તેઓ મળ્યા એટલે પાછો ઘોડેસ્વાર લઈ બોરસદ આવ્યો તો અહીંથી વળી પાછા હીરગુરુ ચાલ્યા ગયા. તે પછી શ્રાવકોએ ઘોડેસ્વાર-સિપાઈઓને દામ આપી ખરી વાત સમજાવી. એટલે તેઓ જગમાલને જ ઠપકો આપવા લાગ્યા. કહે છે, “તું ચેલો છે અને એ તારા ગુરુ છે. તેમની સાથે તકરાર કરવી એ વાજબી નથી. ચાહે તો તે તારો હાથ પકડીને તને વેચી પણ દે અથવા તારા નાકમાં નાથ નાખે તો તે બધું તારે સહન કરવું જ જોઈએ.” એમ કહી તેને ત્યાંથી કાઢી મૂક્યો.
જગતમાં દામ બધું કરે છે. દામથી લોકો યશ ગાય છે. દામથી દૂષણ દૂર થાય છે. આ રીતે દામથી કષ્ટ ગયું અને જગમાલને સૌએ હાંકી કાઢ્યો. તે ઠામઠામ ઝઘડા-ક્લેશ કરવા લાગ્યો.
જગમાલ પાદશાહ પાસે આવ્યો તે વાત આગળ ઉપર કહેવાનું જણાવી કવિ મેઘવિજયજીએ દીક્ષા લીધી તે અધિકાર જણાવે છે. સં. ૧૬૩૧માં હીરગુરુ ખંભાત વિહાર કરતા કરતા પધાર્યા.
આ બાજુ પાટણના વતની અભયરાજ ઓશવાલ વેપાર અર્થે દીવબંદર ગયા અને ત્યાં મોટો વેપાર કરવા લાગ્યા. તેમને ચાર વહાણ અને ચાર વાણોતર હતા. પૈસાનો તો પાર નહોતો. શિયળમાં સીતાના અવતાર સમી અમરાદે નામની તેમની ધર્મપત્ની હતી. તથા બાલકુમારિકા ગંગા નામની પુત્રી હતી. તે પંન્યાસ કમલવિજયજીનાં સાધ્વીની પાસે અભ્યાસ કરતી હતી. જીવવિચાર, નવતત્ત્વ, ઉપદેશમાલા, સંગ્રહણી વગેરે ગ્રંથોનો અભ્યાસ કરવાથી જેનામાં વિવેક જાગ્યો છે એવી ગંગા માતપિતાને કહે છે કે “મને રજા આપો તો હું સંયમ લઉં. પાપ ક્લેશ મૂકું. મારે સંસારમાં રહેવાનો વિચાર નથી.'
તે સાંભળી માતાપિતાને ઘણું દુઃખ થયું. તે કહે છે “તું બાલકુમારિકા છે. સંયમમાં તો દિવસ ને રાત કષ્ટ સહન કરવાનું હોય છે. ત્યારે તે કહે છે, “મેં આગળ શાસ્ત્ર સાંભળ્યાં છે. તેથી જાણ્યું છે કે સંસારમાં મેરુ પર્વત જેટલાં દુઃખ છે તેની આગળ સંયમનું દુઃખ કોઈ હિસાબમાં નથી. શાલિભદ્ર, બ્રાહ્મી-સુંદરી અને મલ્લિકુમારી બધાંએ સંયમ લીધું છે, અને બાલબ્રહ્મચારી નેમિનાથ ભગવાને સંસારના સુખ ઉપર જરાયે પ્રેમ રાખ્યો નથી. જો મને સંયમ નહિ આપો તો મારે પાણીયે પીવું નથી અને મારે આહારનો ત્યાગ છે.”
પુત્રીની પ્રબલ ત્યાગભાવના જાણીને માતા કહે છે, “જો તું નક્કી સંયમ લેવાની જ હોય તો મારે પછી આધાર કોનો ? હું પણ સંયમ લઈશ.' તે સાંભળી વૈરાગી થયેલા પિતા અભયરાજ કહે છે “જો પત્ની અને પુત્રી બન્ને સંયમ લેતાં હોય તો પછી મારે સંસારમાં રહેવાનું શું કામ છે ? હું પણ સંયમ સ્વીકારીશ.' તે વખતે પુત્ર મેઘકુમારને કહેવામાં આવ્યું કે “માતાપિતા ને બહેન ભલે દીક્ષા લે, પણ તું સંસારમાં