________________
૪૪
છે. શ્રાવક કવિ ત્રઋષભદાસકૃત
દિક્ષા આપી દીધી, તો એમનાથી ગચ્છ આગળ કઈ રીતે ચલાવી શકાશે ? એમ વિચારી તેમની શેહશરમ રાખ્યા સિવાય તેમને ગચ્છ બહાર કર્યાની ચિઠ્ઠી લખી. રાજવિજયસૂરિ અમદાવાદ જ્યાં ગુરુ મહારાજ બિરાજમાન છે ત્યાં આવ્યા. તેમની સાથે કોઈ બોલ્યું નહીં. તે વખતે બકોર નામના શ્રાવકે કહ્યું, “ચાલો મારા ઉપાશ્રયે. હું તમને ત્યાં ઉતારું. અમે તમારા શ્રાવક છીએ. અમે તમને માનીશું.” આમ રાજવિજયસૂરિ અલગ થયાં.
- હીરવિજયસૂરિની કીર્તિ ચારે બાજુ પ્રસરી. વિહાર કરતાં તેઓ જોટાણા ગયા. જિનદાસ ઋષિ ત્યાં મળ્યા. તે લંકા મત છોડીને હીરવિજયસૂરિના ચરણે નમ્યા. સુમતિવિજય એવું તેમનું નામ પાડ્યું. અને તેઓ ૩૮મા ઉપાધ્યાય થયા.
ગુરુ શ્રી વિજયદાનસૂરિ મહારાજ વડલી (વડાવલી)માં સ્વર્ગવાસી થયા. ત્યારે હીરવિજયસૂરિને બધું ભળાવવામાં આવ્યું. તેમની નામના પ્રસરી.
બાર વર્ષ તેઓ આચાર્યપદે રહ્યા. ત્યારબાદ ભટ્ટારકપદે સ્થાપિત થયા. તેમનો ગચ્છ દિવસે દિવસે વધતો ગયો. અન્ય ગચ્છવાળા આવીને તેમને નમવા લાગ્યા. તેઓ નાગપુર તરફ વિચર્યા. પછી ત્રંબાવતી નગરીએ આવ્યા. ત્યાં મેના શ્રાવિકાએ માળ પહેરી અને અગિયારસો સોનામહોરો ખર્ચ. બીજા પણ ઘણાં દાન દીધાં, જે એક જીભથી કહી શકાય એમ નથી.
અનુક્રમે તેઓ અમદાવાદ આવ્યા. ગામેગામના સંઘો આવી તેમનાં ચરણ પૂજવા લાગ્યા. તે વખતે ઓગણત્રીસ હજારનું પૂજણું થયું. પછી અનેક ગામ, નગર, પુરમાં વિચરતાં વિચરતાં ફરી ત્રંબાવતી (ખંભાત) નગરીએ આવ્યા. લોકોએ ઘણું ધન ખર્ચ્યુ.
ત્યાં શ્રીપાળ રત્નપાળ દોશીનાં ઠકાં નામનાં શ્રાવિકા ઘણાં સુકુમાર છે. તેમના ત્રણ વર્ષના રામજી નામના પુત્રને ગુરુની પાસે વાંચવા માટે લાવે છે. તેને વિષમ રોગ થયો હતો. ગુરુએ ઉપદેશ આપ્યો. સાધુઓએ કહ્યું કે “જો આ રામજી સાજો થાય તો તેને હીરવિજયસૂરિને આપી દેવો એવું નક્કી કરો.” ત્યારે માતપિતાએ કહ્યું કે “જો એનું મન થશે તો અમે તેને આપી દઈશું.' એમ નક્કી કરી ગુરુ મહારાજ અન્યત્ર વિહાર કરી ગયા. આ બાજુ રામજીનો રોગ ધીરે ધીરે દૂર થઈ ગયો. જ્યારે તે આઠ વર્ષનો થયો ત્યારે ફરતાં ફરતાં પાછા હીર ગુરુ ત્યાં પધાર્યા. નક્કી કર્યા પ્રમાણે જ્યારે એમણે રામજીને માંગ્યો ત્યારે આખો પરિવાર રીસ કરીને ઊભો થઈ ગયો. અને બહેને ક્લેશ કર્યો અને માતાપિતા પણ આદેશ દેતા નથી. બધા મૌન થઈને રહ્યા. તે સમયે અજાબહેનનો હરદાસ નામનો સસરો તે ત્યાંના સુબા સતાબખાનને કહેવા લાગ્યો કે આઠ વર્ષના છોકરાને પરાણે સાધુ કરવામાં આવે છે. તે સાંભળી ખાન ચીડાયો. કહે છે. “તે સાધુને પકડી લાવો.' સિપાઈઓ પકડવા દોડ્યા. હીરગુરુ ત્યાંથી નાસી ગયા. પાછળ પરિવાર છે. તે વખતે રત્નપાળ શાહને પકડીને સતાબખાન પૂછે છે, કેમ આવા સુંદર રૂપાળા નાના છોકરાને સાધુ કરો છો ? એ સાધુપણામાં શું સમજે ? અને યોગને પણ શું ધારણ કરે ?” ખિજાઈને વળી તે કહે છે, “જો એને કોઈ સાધુ કરશે તો એને હું છોડીશ નહીં. ઠાર મારીશ.” ત્યારે રત્નપાળે કહ્યું કે હું તો એને સાધુ બનાવતો નથી. હું તો એનો વિવાહ કરવાનો છું. તમારી આગળ કોઈએ જૂઠી વાત કરી છે. આ રીતે તેણે કહ્યું ત્યારે તેને જવા દેવાયો.