________________
૪૨
શ્રાવક કવિ ઋષભદાસકૃત
સ્વીકારવું છે. તમારા ગયા પછી અહીં મારો આધાર કોણ ?'
માતાપિતા વગેરે એને ઘણું સમજાવે છે કે “તું હજી નાનો છે. સંયમ પછીથી લેજે.” પણ અમીપાલ માનતો નથી, અને સંયમ લેવા તૈયાર થાય છે. આમ ચારેય જણાં સંયમ લેવા તૈયાર થઈ ગયાં. જાણે તેઓ ચાર ગતિનું નિવારણ કરનાર તથા દાન, શિયળ, તપ અને ભાવ આ ચાર ધર્મસ્વરૂપ હોય.
મંડપ બંધાયા. દાન દેવાવા લાગ્યાં. સારાં સારાં પકવાન બને છે. સાહસ્મિવચ્છલા થાય છે. અને મોટી સંખ્યામાં માણસો જમે છે. નિત નવાં ફુલેકાં – વરઘોડા ચડાવાય છે. અને યાચકોને ઘણું દાન આપવામાં આવે છે. વરઘોડામાં હાથી, ઘોડા, રથ, પાલખી, ધજાપતાકા અને ઘોડેસ્વારો શોભે છે. વેપારીઓ અનેક શહેરોમાંથી આવીને ત્યાં ભેગા થયા છે. કેસરનાં છાંટણાં નાંખે છે. એકબીજાને પાન આપે છે. ગીત-ગાન અને વાજિંત્રનો નાદ ગાજે છે. આ રીતે મહાન ઉત્સવ થાય છે.
અને અમીપાલની જોડી થઈ ગઈ. પોતાની છતી ઋદ્ધિ છોડીને સંયમ લેતા અમીપાલને જોઈને અઢારે આલમની આંખ ભીની થઈ ગઈ. લોકો કહે છે, “નવયૌવન, અપાર રૂપવંત અને જેણે સોળે શણગાર પહેર્યા છે એવા અમીપાલે દીક્ષા લઈ, કોઈ ન કરે એવું કર્યું. માતાપિતા અને બહેનની સાથે સંયમ લીધું. તથા ધર્મશ્રી ઋષિ, રૂડો ઋષિ, વિજય હર્ષ અને કનકશ્રી આ ચારેએ પણ સંયમ લીધું. એટલે હીરજી સહિત આ નવ જાણે ચક્રવર્તીનાં નવ નિધાન હોય તેવાં શોભતાં હતાં.
શ્રી દાનસૂરિ મહારાજ તેઓની સાથે પૃથ્વી ઉપર વિહાર કરે છે. હીરહર્ષ ગુરુની પાસે રહે છે, ગુરુનું વચન મસ્તકે ચડાવે છે, નિરંતર ભણે છે, ને કાંઈ પૂછવામાં આવે તેનો તરત જ ઉત્તર આપે છે. એથી ગુરુ દાનસૂરિ મહારાજ ઘણા ખુશ થાય છે. ગુરુ કહે છે, “શિષ્યનું જ્ઞાન ઘણું છે. એ ભાગ્યશાળી લાગે છે. એના પુણ્યનો પાર નથી. એ જો બરાબર વિદ્યા ભણે તો એ રાજ્યમાન્ય થાય.”
વિદ્યા વગર કોઈ માણસ માન મેળવતો નથી. વિદ્યાવંતના ઘેર નવે નિધાન આવે
એક વાર રૂડો ઋષિ પંન્યાસ હીરહર્ષને પ્રશ્ન પૂછે છે ત્યારે તે કહે છે કે હું ઘણું ભણીને પંડિત થાઉં ત્યારે પૂછજો.”
શ્રી વિજયદાનસૂરિ કહે છે કે વિદ્યા વગર કેમ પોષાય ?
પછી ધર્મસાગરજી અને હીરહર્ષ બન્નેને ગુરુમહારાજ ભણવા માટે મોકલે છે. તે સાંભળી હરહર્ષ બહુ રાજી થયા. મનમાં ભણવા જવાનો વિચાર થતો જ હતો ને ગુરુનો આદેશ થયો એ તો સિંહ હોય ને એને સજાવવામાં આવે તથા સુવર્ણકળશ હોય ને તે દૂધથી ભરવામાં આવે તેના જેવું થયું.
આનંદિત થઈ તેઓ દક્ષિણ તરફ ચાલ્યા. ને અનુક્રમે જેનો રાજા નિજામશાહ છે તે દેવગિરિનગરીએ આવ્યા. ત્યાં વસતા દેવસી શેઠની ધર્મપત્ની જસમા બન્નેને ભણાવવા માટે પંડિતને દ્રવ્ય આપવા તૈયાર થઈ. ચિંતામણિ વગેરે શાસ્ત્રોનો અભ્યાસ કરી, બન્ને વિદ્વાન થઈ, જ્યાં ગુરુ દાનસૂરિ મહારાજ બિરાજમાન હતા તે નાડુલાઈ ગામમાં આવ્યા. ભણીગણીને આવેલા શિષ્યોને જોઈ રાજી થયેલા ગુરુએ સં. ૧૬૦૭માં