________________ 108 શ્રાવક કવિ ઋષભદાસકૃત દેવલોકથી દેહરાં સાર, ધ્વજા ઉપરે કરે વિચાર; ઋષભભુવન શોભે તે અછ્યું, તે આગલ તુમ સુરઘર કસ્યું. 915 હીરવિજયસૂરિ આવ્યા તહિં, પઈઠા તે જિનમંદિર મહિં, પરદખ્યણા તિહાં પ્રેમ કરે, ચંદો મેર પાછળ જિમ ફરે. 916 આદિનાથ જિન જુવાર્યો ત્યાંહિ, ધનપાલ પંચાશિકા કહિ જ્યાંહિ; ચેઇયવંદન કરી ઉભા થાય, દેઉલ દેખી હરખ ન માય.૯૧૭ વિમલ ઘોડે દીઠો અસવાર, જાણે ઈદ્ર રૂપ અવતાર; હીર પ્રશંસે વારંવાર, વિમલપ્રબંધ સુણો નર સાર. 918 વિમલ એ લહેર મહેતો એટલે લહેર કરતો પ્રધાન હતો. રાજા પણ જેને માન આપે એવા વીરકુંવર અને વીરમતીનો એ પુત્ર હતો. રાજા ભીમનો એ જગવિખ્યાત મંત્રી હતો. રાજા ભીમના બીજા મંત્રી દડે રાજાને ભંભેર્યો. એણે કહ્યું કે “વિમલ તમારું રાજ્ય લેવા ચાહે છે. એ માટે તે લડાઈ કરવા હાથી, ઘોડા, મનુષ્ય અને શસ્ત્રો ભેગાં કરે છે. તેના હાથમાં (વીંટીમાં) જિનપ્રતિમા રાખે છે. તમને પ્રણામ કરતી વખતે પણ તે તેને જ પ્રણામ કરે છે. આ રીતે તેણે તમારી સાથે પણ માયા કરી છે.” તે જાણીને રાજા અને સઘળા સુભટો પણ રોષે ભરાય છે. એવામાં સિંહ જેવો વિમલ મંત્રી ત્યાં આવે છે. કપટ કરીને રાજા કહે છે, “તમારું ઘર અમારે જોવું છે.” વિમલ મંત્રી કહે, હમણાં જ પધારો. આપના પધારવાથી અમે ઘણા પવિત્ર થઈશું.” રાજા અને મંત્રી સાથે ઊઠ્યા ને એમને ઘેર આવ્યા. સાથે સર્વ પરિવાર પણ આવ્યો. પહેલી પોળમાં રાજાએ પ્રવેશ કર્યો તો ત્યાં હાથીઓ, બીજી પોળમાં રથ અને હથિયાર તથા સુભટો, ત્રીજી પોળમાં વૃષભોની હાર, ચોથી પોળમાં અનેક વાજિંત્રો વાગે છે. પાંચમી-છઠ્ઠી. પોળમાં ભૂમિનો પાર નથી. સાતમી પોળમાં જ્યાં રાજા પ્રવેશ કરે છે ત્યાં પૂતળી પગ ધૂએ છે. એ પૂતળી છે કે નારી એ ખબર જ ન પડે. એ જોઈ રાજા આશ્ચર્ય પામ્યો. જિનમંદિરમાં ભગવાનનાં દર્શન કરે છે ત્યાં ઘણાં ચામર અને છત્ર જુએ છે. આ બધું જોતાં રાજાને વિચાર આવે છે કે “આ મારું રાજ્ય લઈ લે એ સાચું લાગે છે. એની આગળ હું શા હિસાબમાં ?" પછી વિમલ મંત્રીએ ભોજનાદિથી રાજાની ભક્તિ કરી પરિવાર સાથે તેમને પહેરામણી કરી. ભીમ પોતાના સ્થાને આવ્યો ને વિચાર કરે છે “આજે નવો અવતાર પામ્યો.” દંડ મંત્રીની સાથે વાતો કરતો રાજા બેઠો છે. પૂછે છે, “બોલો, હવે શું કરીશું ?" દંડ કહે છે કે “વાઘને છૂટો મૂકો. એનાથી એનું મૃત્યુ થશે.” વાઘ છોડ્યો. પાટણમાં સૌ નગરજનો બીકથી ભાગવા લાગ્યા. વિમલે તેને પકડીને બાંધી દીધો, અને રાજાની પાસે જઈને બેઠો. પછી એક બળવાન મલ્લ રાજસભામાં આવ્યો. તે કહે છે, “તમારે ત્યાં જે મુખ્ય સુભટ હોય તેને મારી સાથે લડવા મોકલો.” ભીમ કહે છે કે, “વિમલના સિવાય બીજો કોણ એને જીતી શકે ?" ટિ. 916.2 પરદખ્યણા = પ્રદક્ષિણા