________________
१२
દૂહા અને ચોપાઈ છંદમાં અને વિવિધ દેશીઓમાં રચાયેલી ૧૧૦ ઢાળની, ૩૧૩૪ કડીની આ દીર્ઘ રચના છે. ઋષભદાસે એમની પૂર્વે રચાયેલા શ્રી હીરવિજયસૂરિ વિષયક ગ્રંથોનો પણ ઉપયોગ કર્યો છે તેમ જ પોતાના ગુરુભગવંતો પાસેથી શ્રી હીરવિજયસૂરિ વિશે સાંભળેલી કેટલીક વીગતોને પણ આમાં કવિએ સમાવી લીધી છે.
શ્રી હીરવિજયસૂરિ સં.૧૫૮૩માં પાલણપુરમાં કુરા શાહ અને નાથીબાઈને ઘેર જન્મ લઈ મહાન જૈનાચાર્ય તરીકે સં.૧૬૫રમાં ઉના ખાતે નિર્વાણ પામ્યા ત્યાં સુધીના એમના મહત્ત્વના જીવનપ્રસંગોને આલેખતું ચરિત્ર આ કૃતિમાં નિરૂપાયું છે. તે સમયના મોગલ સમ્રાટ અકબરશાહ બાદશાહના નિમંત્રણથી ગુજરાતના ગંધાર બંદરેથી પ્રયાણ કરી છેક ફત્તેહપુર સિક્રી જઈ અકબરને ધર્મગોષ્ઠી દ્વારા તેમજ પોતાના આચારવિચાર દ્વારા પ્રતિબોધ પમાડ્યો અને અમારિ-પ્રવર્તનનાં તથા જજિયાવેરો અને શત્રુંજયયાત્રાવેરાની નાબૂદીનાં વિવિધ ફરમાનો બાદશાહ પાસે કઢાવ્યાં એ મહત્ત્વની ઐતિહાસિક ઘટનાને એમાં સમાવી લેવાઈ છે. આ રાસમાં શ્રી હીરવિજયસૂરિના શિષ્યો, પ્રશિષ્યો, એમના અનુયાયી શ્રાવકો, એમણે ઉપદેશેલા મુસ્લિમ સુલતાનો, એમને હાથે અપાયેલી દીક્ષાઓ, જિનબિંબોની પ્રતિષ્ઠાઓ, નૂતન જિનપ્રાસાદો, એમના ચાતુર્માસો, વિહારો, વિવિધ નગરો-ગામોના સંઘો દ્વારા થયેલા સામૈયાં, અકબર બાદશાહ અને હીરસૂરિનાં મિલનો, અમારિ-પ્રવર્તનનાં ફરમાનો વગેરે વિશેની દસ્તાવેજી મૂલ્ય ધરાવતી ભરપૂર માહિતી પ્રાપ્ત થાય છે.
આ ઉપરાંત મૃત્યુ સમીપ જણાતાં શ્રી હીરગુરુની અંતિમ આલોચના, પટ્ટશિષ્ય વિજયસેનસૂરિ માટેની એમની પ્રતીક્ષા, હીરગુરુનું નિર્વાણ થતાં સમગ્ર શિષ્યસમુદાયનો વિલાપ, ખંભાતનગરી વગેરેનાં વર્ણનો ભાવપૂર્ણ, રસિક અને કાવ્યસ્પર્શવાળાં બન્યાં છે.
અહીં પ્રયોજાયેલી કહેવતો, રૂઢિપ્રયોગો, અરબી-ફારસી શબ્દભંડોળની છાંટવાળી હિન્દીમિશ્રિત ગુજરાતી, કેટલીક સંવાદલઢણો, તેમ જ નિરૂપિત વાદવિવાદોમાં ઋષભદાસની ભાષાપ્રૌઢીનો પરિચય મળે છે. અહીં ધર્મચર્ચા, વાદવિવાદને નિમિત્તે જૈન તત્ત્વદર્શનનું જે નિરૂપણ થયું છે તેમાં કવિનું તદ્વિષયક પાંડિત્ય પણ જોવા મળે છે.