________________
શ્રાવક કવિ ઋષભદાસકૃત
અનુક્રમે હીરગુરુ અમદાવાદ આવ્યા. તેમની મીઠી મધુરી દેશના નરનારી સાંભળે છે. અને ધન વરસાવે છે. જેમ સૂર્ય અને ચંદ્ર વિશે રાહુ આપત્તિ કરે તેમ વળી પાછી તેમને વગર જોઈતી આપત્તિ આવે છે. વિ.સં. ૧૬૩૬ની વાત છે. અમદાવાદના હાકેમ શિહાબખાન પાસે જઈને કોઈએ તેના કાન ભંભેર્યા કે હીરવિજયસૂરિએ વરસાદને રોકી રાખ્યો છે. શિહાબખાને ઝટ હીરગુરુને બોલાવ્યા અને પૂછ્યું કે “મહારાજ, આજકાલ વરસાદ કેમ વરસતો નથી ?” હીરગુરુ કહે, “સાંભળો ખાનસાહેબ, જેમ સુભટ યુદ્ધને ઈચ્છે, વૈદ્ય રોગને ઈચ્છે, બ્રાહ્મણ મૃત્યુને ઈચ્છે તેમ સાધુ સુભિક્ષને ઈચ્છે. વરસાદ થાય તો અનાજ પાકે અને અનાજ પાકે તો અમને રોટી આપે. માટે અમે શા માટે મેઘને બાંધીએ ? જેમ માણસનું આયુષ્ય ઘટે-વધે નહીં, તેમ આને પણ કોઈ બાંધી શકે નહીં.”
આ વાતચીત ચાલતી હતી ત્યાં શ્રાવક કુંવરજી ત્યાં જઈ પહોંચ્યો. તેણે શિહાબખાનને જૈન સાધુઓના આચારવિચારો સંબંધી હકીકત કહી અને કહ્યું કે આમનો માર્ગ જ બધાને સુખ આપવાનો છે, તો મેઘ વિના તો સુખ થાય જ કેમ ?' તે સાંભળી ખાન ખુશ થયો. કુંવરજી હીરગુરુને લઈને ઉત્સવ સાથે ઉપાશ્રયે લાવ્યો. વાચકોને દાન દઈને સુખી કર્યા. લૂંછણામાં પણ ઘણું ધન વહેંચ્યું. તે વખતે ટૂકડી (સરકારી હોદ્દેદાર) આવ્યો. તેની આગળ કુંવરજીએ ગર્વથી કહ્યું કે “મેં હીરગુરુને છોડાવ્યા. તું તો કેવો માણસ છે કે ખરે વખતે નાસી ગયો. અને અત્યારે હાજર થયો છે.” તે વખતે રોષે ભરાયેલા ટૂકડીએ કહ્યું કે “તું છોડાવી લાવ્યો છે ને તો હવે વળી પાછો છોડાવી લાવજે. એ પછી તે સીધો કોટવાલ પાસે ગયો. તેના કાન ભંભેર્યા. તેણે ખાનને કહ્યું, “પૈસા લેવાનું આ સ્થાન છે.' તેણે ઝવેરીવાડમાં હીરગુરુને પકડવા સિપાઈઓને મોકલ્યા. તેમણે હીરગુરુનો હાથ પકડ્યો અને કપડાં ઝાલ્યાં. રાઘવ ગંધર્વ અને સોમસાગર વચમાં પડ્યા. હીરગુરુને છોડાવ્યા. પણ તે છોડાવતાં સોમસાગરનો કપડો ફાટ્યો તથા રાઘવને હાથે ઈજા થઈ. ત્યાંથી હીરગુરુને વસ્ત્ર વગર ભાગવું પડ્યું. ભયથી શરીર પણ જવા લાગ્યું. કવિ કહે છે કે માન-કષાયને ધિક્કાર થાય કે જેણે જગતને રોળી નાખ્યું. શ્રાવક થઈને પણ એણે શું કર્યું ? કુંવરજીએ જો બડાઈ ન મારી હોત તો આવું કાંઈ થાત નહીં. ઋષભદેવના પુત્ર બાહુબલિ માનથી એક વર્ષ સુધી દુઃખી થયા અને વેલડીઓ વીંટાઈ. કવિ કહે છે, રે મૂઢ ! આઠ મદ તું કર નહીં. કુળનો મદ કરવાથી ભગવાનને દેવાનદાની કુક્ષિએ અવતરવું પડ્યું. રૂપના ગર્વથી સનકુમારના શરીરમાં રોગ થયા. બલના મદથી દુર્યોધન ક્ષીણ બળવાળો થયો." જાતિના મદથી મેતાર્ય હીન કુલ પામ્યા. રાવણે ઋદ્ધિનું માન કર્યું તો તે રામના હાથે મરાયો. લબ્ધિ – લાભમદથી આષાઢાભૂતિ અને દ્રૌપદી દુઃખ પામ્યાં. અને જ્ઞાનનો મદ કરવાથી સ્થૂલભદ્ર મહારાજને ગુરુમહારાજે પાઠ આપવાનો ઇનકાર કર્યો. કવિ ઋષભદાસ કહે છે, “અરે બાપડા ! ક્યાં તમે ક્રોધ કરો છો જે ક્રોધ પૂર્વે ક્રોડના ચારિત્રને ક્ષણમાં બાળી દે છે. ક્રોધ રૂપ અગ્નિ લાગી જાય તો ગુણરત્નને બાળી દે. જો ઉપશમરૂપી પાણીથી એને ઓલવવામાં ન આવે તો માણસ સદાય દુઃખ પામતો રહે. ક્રોધાદિ કરી માણસ દુઃખ પામે છે.”