________________
પાના નં.૨૧
આ કાર્યક્રમ માટે તે જ સમયે સૂરત પધારેલ એક પ્રભાવક ગુરૂવર્યશ્રીને અધ્યક્ષીય નિશ્રા માટે વિનંતી કરી. પૂજયશ્રીએ જણાવ્યું કે દિગંબર સંપ્રદાય, તેરાપંથ સંપ્રદાય અને સ્થાનકવાસી સંપ્રદાયનાં સાધ્વીજીઓ માઈક નો ઉપયોગ કરી વ્યાખ્યાન આપે તે પહેલા મારુ વ્યાખ્યાન પૂર્ણ કરી હું નીકળી જઈશ. આ બાબત ત્રણેય સંપ્રદાયનાં પૂજય સાધ્વીજીઓને જણાવી ત્યારે તેઓ સૌનો જવાબ હતો “ તમારી પરંપરા મુજબ જો ગુરૂવર્યશ્રી તેમ કરે તો અમારે કંઈ કહેવાનું હોય જ નહી, અમે આવીશું.” કાર્યક્રમ સરસ થયો. આપણા ગચ્છના ગુરૂવર્યશ્રીનું વ્યાખ્યાન સમાપન થયું, પૂજયશ્રીએ મને કહેલું “ તું માઈક વાપરે ત્યારે હું બેસું છું. બહેનો (શ્રાવિકાઓ) માઈક વાપરે તો હું બેસું છું તો આ ચારિત્રવંત આત્માઓના પ્રવચન વખતે હું કેમ ચાલી જાઉં.” તેઓશ્રી બેઠા. માઈક લાઈટ વાપરવાની તરફેણ અંગે થોડા સમય પહેલાં તેરાપંથ સંપ્રદાયે પુસ્તક પ્રગટ કર્યું “શું વિદ્યુત સચિત તેઉકાય છે ? ” આ પુસ્તકમાં અનેક પ્રાચીન ગ્રંથ અને આગમ પ્રમાણો આપી આ બાબત સિધ્ધ કરવાનો સશકત પ્રયાસ હતો. થોડી હલચલ અને વિવાદ થયા બાદ તપાગચ્છના એક વિદ્વાન પૂજય ગુરૂવર્યે તેના જવાબમાં વિજળી વાપરી શકાય નહીં તેની તરફેણમાં હિન્દી | ગુજરાતી માં પુસ્તક તૈયાર કર્યું. “ વિદ્યુત સજીવ યા નિર્જીવ ”? આ પુસ્તકમાં પણ ખૂબ અધિકૃત આગમ પ્રમાણો અપાયાં છે. આ પુસ્તક “વિદ્યુત સજીવ યા નિર્જીવ ” હિન્દી, આવૃત્તિ બીજી સં. ૨૦૫૮ ના પરિશિષ્ટ ૪ - પાનું નં.૧૩૨-૧૩૫ માં જણાવ્યા અનુસાર તપાગચ્છના લગભગ તમામ ગચ્છાધિપતિઓ સહીત ૭૦ થી વધુ ગુરૂભગવંતોએ તેને પૂર્ણ માન્ય ગણ્યું છે, અને કેટલાક પ્રબુધ્ધ શ્રાવકોએ પણ. માઈક, વીજળીના ઉપયોગ માટે અત્યારે એક નબળી દલીલ એ થઈ રહી છે કે ઘણા સાંભળશે, ઘણા સમજશે, ઘણા પામશે અને તરી જશે. ઝળહળતી હોલોઝોન લાઈટો, કુશાં ખુરશીઓ, બુટ-ચંપલ પહેરીને સજોડે | અડિઅડીને બેઠેલ પતિપત્નિીઓને અબ્રામોર્ડન માઈક સીસ્ટમ દ્વારા ભવાંતર ઘટાડવાનું , ભવ તરવાનું પ્રવચન અપાતુ હોય આવી પરિસ્થિતિ શ્રીસંઘ સ્વીકારી શકશે? મેં પૂજય ભુવનભાનુસૂરિજીના સંયમજીવનના અંતિમ ચાર્તુમાસ વખતે અતિક્ષીણ અવાજે દેશના આપતા સાંભળ્યા છે. સોય પડે તોય સંભળાય તેવી શાંતિ, ૧૦૦૦૦ ચો.ફુટ ના વ્યાખ્યાન હોલમાં અતિક્ષિણ અવાજ સૌને સંભળાતો, કારણ માત્ર એટલુંકે સૌને સાંભળવું હતું, સૌએ કાનની શકિત વધારેલી. પૂજય કલાપૂર્ણસૂરિજીના અત્યંત મંદ અવાજે સૌને અભિભૂત કર્યા છે. માઈકનો અને ટી.વી.નો અતિ ઉપયોગ વ્યાખ્યાનો માટે નહી,પ્રચાર માટે થઈ રહ્યો છે. આ માઈક, ટી.વી. ના ઉપયોગ પછી કોઈ શ્રાવકે એક યા બીજો સંપ્રદાય બદલ્યો નથી. સંવત ૨૦૭૧ નું સ્થાનકવાસી સંપ્રદાયના પૂજય ડો.શિવમુનિનું ચાર્તુમાસ સૂરત હતું. પ્રભાવક વ્યવસ્થા, પ્રભાવક પ્રવચન, પ્રભાવક પ્રચાર, અને શ્રેષ્ઠ માઈક વ્યવસ્થા આપણા કોઈ શ્રાવકે સ્થાનકવાસી ની કંઠી બાંધી નથી.