________________
થવાથી અધિષ્ઠાતા તરીકે, એક જ્ઞાતા તરીકે આત્મા પોતાનું પ્રદર્શન કરે છે. એક દ્રષ્ટિએ ઈન્દ્રિયો જ્ઞાનનું કામ કરે છે અને આત્મા જ્ઞાતા બને છે. જો કે હકીકતમાં તો જ્ઞાન અને જ્ઞાતાનો અભેદ છે પરંતુ ઈન્દ્રિયોની અપેક્ષાએ સાકાર ઉપયોગના અલગ અલગ પ્રકાર હોવાથી જ્ઞાન જ્ઞાતાનો ભિન્નભાવે વિવેક થાય છે.
શાસ્ત્રકારે પણ કહ્યું છે કે “પાંચ ઈન્દ્રિયના વિષયનું, પણ આત્માને ભાન' આ પદમાં “પણ” શબ્દ ઘણો મહત્ત્વપૂર્ણ છે. જ્ઞાનનો ક્રમ એવો છે કે વિષયનું પણ જ્ઞાન થાય છે અને જ્ઞાનનું પણ જ્ઞાન થાય છે. આ રીતે જ્ઞાતા તરીકે જ્ઞાનનું જ્ઞાન બેવડાતું જાય છે પણ અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે ઈન્દ્રિય દ્વારા વિષયનું જે જ્ઞાન થયું છે, તેનું પણ આત્માને જ્ઞાન છે અર્થાત્ વિષયના જ્ઞાનનું જ્ઞાન આત્માને છે. આ રીતે પાંચ ઈન્દ્રિયોના વિષયોના જ્ઞાનનું જ્ઞાન આત્મામાં સંકલિત થાય છે, તેથી શરીરથી ભિન્ન ઈન્દ્રિયો છે અને ઈન્દ્રિયથી ભિન્ન એવો આત્મા છે. અહીં ખ્યાલ રાખવો ઘટે છે કે આ ગાથા અને એ જ રીતે આગળની ગાથાઓ “આત્મા દેહથી ભિન્ન છે.” તેની સાબિતિ માટે જ ઉચ્ચારવામાં આવી છે. દેહ અથવા ઈન્દ્રિય જો આત્મા હોય, તો ઈન્દ્રિય દ્વારા જે કાંઈ ખંડ–ખંડ જ્ઞાન થયું છે, તે ખંડિત જ રહી જાય અને કોઈ એક અખંડ દ્રવ્યનું અસ્તિત્વ પ્રગટ ન થાય. જો આત્માનો અભાવ હોય, તો આ બધી ઈન્દ્રિયો બેલગામ ઘોડા જેવી અકેન્દ્રિત હોવાથી જીવનું સંચાલન કરી શકતી નથી, એ જ રીતે દેહ પણ જીવનનું સંચાલન કરી શકતો નથી પરંતુ દેહ અને ઈન્દ્રિયનું સુવ્યવસ્થિત સંચાલન થઈ રહ્યું છે, તેથી આત્મા પ્રત્યક્ષ છે. ઈન્દ્રિયોથી ભલે પ્રત્યક્ષ નથી પણ સ્વયં પોતે પોતાનો અનુભવ કરે છે, તેથી તે પ્રત્યક્ષ છે.
શાસ્ત્રકારે અહીં મનનો ઉલ્લેખ કર્યો નથી અર્થાત્ નોઈદ્રિય એવું મન તે પણ અસ્તિત્વ ધરાવે છે. હકીકતમાં પાંચેય ઈન્દ્રિયોના ભિન્ન ભિન્ન વિષયનું એક જ્ઞાનાત્મક કેન્દ્ર તે મન છે. અહીં આત્મસિધ્ધિનો વિષય ચાલતો હોવાથી મનને સંક્ષેપ કરી, સીધી રીતે આત્માનું ગ્રહણ કર્યું છે પરંતુ શાસ્ત્રકારને તે જાણમાં છે કે પાંચેય ઈન્દ્રિયોના વિષયને એકત્ર કરી મન આત્મા સુધી જ્ઞાનનો વ્યાપાર કરે છે. હકીકતમાં મૂળભૂત આત્મા જ જ્ઞાનનું કેન્દ્ર છે અને તે જ્ઞાનથી મન સંચાલિત થઈને ઈન્દ્રિયોનું સંચાલન કરે છે. પાંચેય ઈન્દ્રિયો પુનઃ મન સુધી પોતાનો વ્યાપાર પહોંચાડી મનરૂપી મંત્રીને આત્મા રૂપી રાજા સુધી જવા માટે પ્રેરિત કરે છે. વચ્ચે મન છે. મન પણ આત્માની સાબિતી માટેનું એક પ્રબળ ઉદાહરણ છે. અહીં મનને ગૌણ કરીને મન અને ઈન્દ્રિયોના બધા વ્યાપારનો સંગ્રાહક એવો આત્મા છે, તેમ કહ્યું છે. આ ગાથામાં “જ્ઞાન” અને ભાન' તેવા બે શબ્દો મતિજ્ઞાન માટે વાપર્યા છે. આ બે શબ્દો મહત્ત્વપૂર્ણ પણ છે. વિષયના સંપર્કથી ઈન્દ્રિયોને જે જાણ થાય કે બોધ થાય, તેનાથી ઈન્દ્રિયોને પદાર્થનું જ્ઞાન થાય છે. તે જ્ઞાનને પુનઃ “ભાન'રૂપે ગ્રહણ કર્યું છે. અર્થાત્ જ્ઞાનનું જે ભાન છે, તે હકીકતમાં સ્પષ્ટ જ્ઞાનરૂપ છે. આ રીતે જ્ઞાન અને જ્ઞાનનું જ્ઞાન એવા બે શબ્દો જે આપણે ઉપર કહ્યા તે બંને ભાવ અહીં પણ સિધ્ધિકારે “ભાન” અને “જ્ઞાન” કહી વ્યક્ત કર્યા છે.
વિષય એટલે શું ? પદાર્થના જ્ઞાનને વિષય શામાટે કહેવામાં આવે છે ? અંગ્રેજીમાં OBJECT કહે છે. પદાર્થ પોતે વિષયરૂપ નથી અને જ્ઞાન પણ વિષયરૂપ નથી, તો અહીં વિષય