________________
સ્વભાવ ગુણોનું પ્રાગટય છે અથવા સ્વપર્યાય ખીલે છે. જ્યાં કર્મ પ્રવાહ અટકે ત્યાં જીવ આવી સફળતા અનુભવે છે, તે પ્રમાણભૂત છે. કર્મનો જો મોક્ષ થાય, તો જીવનો પણ મોક્ષ થાય છે. આ મોક્ષને જીવ સ્વયં સાક્ષીભૂત હોવાથી અને પોતાના જ જ્ઞાનનો વિષય હોવાથી અર્થાત્ જ્ઞાનગમ્ય હોવાથી પ્રમાણભૂત કરે છે. કોઈએ રસગુલ્લા ખાધા અને તેનો સ્વાદ તેને મળ્યો, તો તે સ્વાદના અનુભવ માટે હવે તેને બીજા પ્રમાણની જરૂર નથી. સ્વયં પોતે જ તે જ્ઞાનનો સાક્ષી છે. એક પ્રકારનું તે સ્વપ્રત્યક્ષ છે. એ જ રીતે કર્મનો ભોગ થયો હતો, તે ભોગનો સાક્ષી પણ જીવ જ હતો. કદાચ અજ્ઞાનદશામાં તે કર્મભોગને જાણી શકે અથવા ન જાણી શકે, અનુભવે કે ન પણ અનુભવે. મૂઢદશામાં તો આવા હજારો કર્મફળ જીવ પરાધીન ભાવે ભોગવે છે. તે કર્મભોગનો સાક્ષી જીવ પોતે જ છે. અહીં શાસ્ત્રકાર કહે છે કે જેમ શુભાશુભ કર્મ ફળનો સાક્ષી જીવ છે અને તેથી કર્મભોગને પ્રમાણભૂત માને છે, તે જ રીતે કર્મ નિવૃત્ત થતાં કર્મભોગ અટકે છે. કર્મફળનો પ્રવાહ અટકે છે. તેનો અર્થ એવો નથી કે શૂન્યતા થઈ જાય છે. કર્મફળ અટકતા જીવાત્મા પોતાના ગુણોના પ્રાગટય રૂપ ફળને ભોગવે છે. એટલે જીવ સ્વયં સફળ થઈ જાય છે. ત્યાં કર્મ સફળ હતું અને અહીં જીવ સફળ છે. કર્મનો મોક્ષ થઈ ગયો છે, તેથી તેની નિવૃત્તિ થયા પછી જીવ સ્વયં મોક્ષનો સાક્ષી બને છે અને જે કાંઈ આધ્યાત્મિક ફળ ઉદ્ભવ્યા છે તેનો પણ સાક્ષી છે.
ટૂંકમાં કહેવાનું તાત્પર્ય એ હતું કે એક વૃક્ષ સીઝન પ્રમાણે ફળ આપે છે અને સીઝન પૂરી થયા પછી તે વૃક્ષમાં પુનઃ ફળ આપવાની શક્તિ સંચિત થાય છે. વૃક્ષ જ્યાં સુધી જીવતું છે, ત્યાં સુધી તે પ્રવૃત્તિમાન રહેવાનું છે. તેમ કર્મરૂપી વૃક્ષ જે શુભાશુભ ફળ આપે છે, તે એક પ્રકારના ફળ આપ્યા પછી વિરામ પામે છે અને બીજા નવા કર્મ બાંધીને પુનઃ ફળ આપવાની તૈયારી કરે છે. પણ જુઓ ! જ્યારે તે વૃક્ષને જડમૂળથી ઉખેડી નાંખવામાં આવે, ત્યારે ફ્ળ આપવાની તેની પ્રક્રિયા સદંતર બંધ થઈ જાય છે અને તે વૃક્ષ વિરામ પામી ગયું છે. પ્રવૃત્તિ પછી મહાન નિવૃત્તિમાં ચાલ્યું ગયું છે. એ જ રીતે જ્યારે કર્મ રૂપી વૃક્ષને બીજથી, મૂળથી છેદી નાંખવામાં આવે, ત્યારે હવે તે શુભ કે અશુભ કોઈપણ ફળ આપી શકતા નથી. સંપૂર્ણ કર્મ વૃક્ષનું છેદન થઈ ગયું છે, કર્મો વિરામ પામીને છૂટા પડીને પોતાના પૌદ્ગલિક રૂપમાં ચાલ્યા ગયા છે. આ પ્રાપ્ત થયેલી સર્વથા નિવૃત્તિ જીવને હવે મોક્ષ પ્રદાન કરે છે. કર્મનો મોક્ષ થતાંની સાથે જ જીવનો મોક્ષ થાય છે. સાંકળ છૂટી થતાં જાનવર પણ છૂટું થાય છે. કર્મરૂપી સાંકળોનો લય થતાં આત્મા પણ છૂટો થઈ હવે પશુ ભાવમાંથી ભગવાનના ભાવમાં પ્રવેશી જાય છે. આ છે નિવૃત્તિનું રહસ્ય.
આત્મસિદ્ધિના આ પાંચમા પદમાં કર્મમુક્તિની સ્થાપના કરવામાં આવી છે. આત્મા કર્તાભોક્તા તો છે જ, પણ કર્તા ભોક્તા મટીને અકર્તા અને અભોક્તા બની મોક્ષ પામે છે, મુક્ત થાય છે. પાંચમા પદમાં તે ભાવની અભિવ્યક્તિ કરવામાં આવી છે અને કર્મમુક્તિને પ્રમાણભૂત માની શંકાનું સચોટ સમાધાન આપવામાં આવ્યું છે.
કર્મોમાં શુભાશુભત્વ : જૈનદર્શનમાં પુણ્યતત્ત્વની સ્વતંત્ર સ્થાપના કરવામાં આવી છે. જો કે એના વિપક્ષમાં પાપતત્ત્વની પણ સ્થાપના કરવામાં આવી છે પરંતુ અધ્યાત્મશાસ્ત્ર એમ કહે છે કે શુભ કે અશુભ બંને કર્મબંધન છે, માટે કર્મને શુભ કેમ કહી શકાય ? અને કર્મના પુણ્ય
(૩૫૬).