________________
જેમ બાહ્ય પદાર્થો નિમિત્ત છે. તેમ જીવના પોતાના સંસ્કારો અને ધારણ કરેલા વિચારો પણ ભાવાત્મક રીતે ભોગક્રિયાને પ્રભાવિત કરે છે. દ્રવ્ય નિમિત્તો ઘણા છે, તેમ ભાવ નિમિત્તો પણ વિશાળ માત્રામાં જોવામાં આવે છે. સાહિત્યવાંચન, શિલ્પદર્શન, અને શૃંગારાત્મક સંગીત, એવી બીજી કોઈ નૃત્યપૂર્ણ ચેષ્ટાઓ અને પ્રાકૃતિક દર્શન, એ પણ ભાવાત્મક નિમિત્તો બને છે. આ બધા નિમિત્તોથી જીવાત્મા ભોગક્રિયામાં શુભ-અશુભ ભાવોનો વધારો—ઘટાડો કરે છે અને સાધનાને નિર્બળ કે મજબૂત કરી શકે છે. નિમિત્ત ભાવે જીવ પોતાની શકિતથી ઘણી વખત પરાધીન બની કર્મનો ભોગ કરી નવા કર્મને જન્મ આપે છે. એટલા માટે કહ્યું છે કે નિમિત્ત આધીન જીવ કરે ન આત્મ કલ્યાણ' અર્થાત્ જે જીવ નિમિત્તને આધીન થાય છે, તે કલ્યાણને સાધી શકતો નથી પરંતુ આ ઉલ્લેખ કર્મબંધનને લગતો છે. જીવ જયારે સાધનાના શુધ્ધ કે શુભ નિમિત્તનો આશ્રય કરીને જો સ્વભાવ પરિણતિમાં રમણ કરે, તો આ નિમિત્ત બંધનનું કારણ ન બનતાં કલ્યાણનું કારણ બને છે... અસ્તુ. દ્રવ્ય નિમિત્ત અને ભાવ નિમિત્તની વ્યાખ્યા કર્યા પછી હવે આપણે શાસ્ત્રકારે ગાથામાં ભોગ્યસ્થાન શબ્દનો ઉલ્લેખ કર્યો છે, તેના પર થોડો દૃષ્ટિપાત કરીએ.
ભોગ્યસ્થાન એટલે શું ? ભોગ્ય એટલે ભોગવવાનું અનુકૂળ સ્થાન અથવા જ્યાં કર્મ ભોગવવા જ પડે તેવું સ્થાન. અથવા કર્મના ઉદયને યોગ્ય તેવું સ્થાન. ‘ભોગ્યસ્થાન' શબ્દ કોઈ એક કેન્દ્રની સૂચના કરે છે. ચારે ગતિમાં જે ઉત્પત્તિસ્થાનો છે, તે બધા ભોગ્યસ્થાનો છે. પુષ્પ–પાપ ભોગવવાના કેન્દ્રો છે. બધા કર્મો બધી જગ્યાએ બધી જાતના ફળ આપી શકતા નથી. પરંતુ જે જાતના કર્મોનો ઉદય છે, તે કર્મના ફળને ભોગવવા માટે તદ્યોગ્ય શરીર પણ તે જીવને મળવું જોઈએ અર્થાત્ કર્મફળ પોતાનો પ્રભાવ પ્રગટ કરવા ભોગ્યસ્થાનની અપેક્ષા રાખે છે. બહુ ક્રોધી માણસને પૂરો ક્રોધ ભોગવવા માટે સામાન્ય રીતે એમ કહી શકાય કે તેને સાપનું શરીર મળે છે અર્થાત્ ક્રોધનું ભોગ્યસ્થાન સર્પયોનિ છે. આ રીતે વિચારવાથી બધા સ્થાનો અથવા બધી ગતિના ઉદ્ભવ કેન્દ્રો કોઈને કોઈ વિશેષ ગુણોને કે વિશેષ વિકારોને માટે ભોગ્યસ્થાન બને છે. તત્ત્વજ્ઞાની ગંભીર ચિંતક મહાત્મા એની બેશન્ટ લખે છે કે ‘પ્રાણી માત્ર પોતાના વિચારોનું પરિણામ છે. તે જેવા જેવા વિચારોથી બંધાયેલો હતો, તેવા પ્રકારનું શરીર તેને મળે છે' ‘જૈનદર્શન પણ આ વાતને મહત્ત્વ આપે છે. અનાદિકાળથી વિશ્વના વિશાળ પટ ઉપર આ બધા કેન્દ્રો રચાયા છે, તેવા કેન્દ્રમાં ઉત્પન્ન થયેલો જીવ અમુક અંશે તે બધા કર્મને ભોગવવા માટે બાધ્ય કરે છે. આ બધા ભોગ્યસ્થાનો નિશ્ચિત હોવા છતાં જીવાત્મા શરીરની દૃષ્ટિએ પરાધીન છે પરંતુ પોતાના ભાવ પરિણામની દૃષ્ટિએ ઘણે અંશે તે સ્વાધીન પણ છે. જે જીવો ગાઢ કર્મોથી આબદ્ધ છે, તે સ્વાધીનતાનો અનુભવ કરી શકતા નથી પરંતુ વિપરીત રીતે કષાયભાવો ઉત્પન્ન કરી ભોગભાવને તીવ્ર કરી શકે છે. જો કે આ પ્રક્રિયા પણ ઉપરના સશકત શરીરમાં સંભવે છે. એકેન્દ્રિયાદિ શરીરધારી જીવો, જેમાં ઓઘસંજ્ઞા સિવાય કશું જ્ઞાનસ્ફૂરણ નથી તેમજ તેને કોઈ પ્રકારનો વિચારાત્મક પરિણામ નથી, જ્યાં મનોયોગનો જ અભાવ છે, ત્યાં કાયા દ્વારા જ સંવેદન થતું હોય છે.આ દૃષ્ટિએ વિચારતાં ભોગ્યસ્થાનો પણ તારતમ્ય ભાવે ભિન્ન ભિન્ન પ્રકારના ગુણધર્મવાળા છે પરંતુ બધા ભોગ્યસ્થાનો કર્મફળનું પરિણામ છે. હકીકતમાં તો મુખ્યરૂપે ભોકતા જ ભોગનો
૩૩૧