________________
માને છે અને ચેતન દ્રવ્યને ઈશ્વરનો આત્મા માને છે, અર્થાત્ જ્ઞાનતત્ત્વ અને જડતત્ત્વ બંને ઈશ્વરનું શરીર પણ છે અને આત્મા પણ છે. જ્યારે કેટલાક દર્શનો કોઈ પદાર્થને જડ માનતા નથી. સમગ્ર વિશ્વ ઈશ્વરરૂપ છે અને તેમાં પણ પરિણામવાદી અને વિકલ્પવાદી એવા ઘણા ભકિતદર્શનો છે.
જે દર્શન ઈશ્વરને નિમિત્તે કારણ માને છે. તેઓના મતાનુસાર ઈશ્વર વિશ્વથી નિરાળા રહી માયાશકિત દ્વારા વિશ્વનું સંચાલન કરે છે. ટૂંકમાં કહેવાનું તાત્પર્ય એ છે કે ભકિતવાદી દર્શનોએ ઈશ્વરને સિદ્ધ કર્યા છે, સ્વીકાર્યા છે, માન્યા છે અને સમગ્ર દર્શનનું લક્ષ ઈશ્વર છે. જ્ઞાન, ભકિત અને કર્મ, ત્રણેય તત્ત્વ ઈશ્વરને અર્પણ કરવાના છે. તે ઈશ્વરની સંપત્તિ છે. આ છે ઈશ્વરવાદનું ધરાતલ.
જો કે ભારતીય સંસ્કૃતિમાં વેદથી લઈ પાછળમાં જે વિકાસ થયો, તેમાં ઘણા સમય સુધી ઈશ્વરવાદનો પ્રાદુર્ભાવ થયો ન હતો. મૂળભૂત દર્શનોમાં પણ અધિકતર દર્શનો ઈશ્વરવાદની
સ્થાપના કરતાં નથી પરંતુ ભકિતયોગનો પ્રબલ ઉદય થયો અને મહાપુરુષો વિશિષ્ટ શકિત સાથે ધરાતલ પર આવ્યા, ત્યારે તેમની અલૌકિક શકિત જોઈને સામાન્ય મનુષ્યો દ્વારા તેઓ ઈશ્વરરૂપે પૂજાયા. ત્યારપછી ઈશ્વરવાદના મૂળ ઘણા જ ઊંડા વ્યાપ્ત થઈ ગયા. આ સિવાય માનસિક કારણ એવું પણ છે કે મનુષ્ય જયારે નિર્બળ બને છે, ત્યારે કોઈ મહાશકિત પ્રત્યે પ્રાર્થના કરી તેમને ચરણે જાય છે અને તેને એમ લાગે છે હવે કોઈ મહાપ્રભુની દયાથી સંસાર સાગર તરી શકાય છે. આ રીતે મનુષ્યની ભાવનાઓથી પણ ઈશ્વરનું અસ્તિત્વ મનુષ્યને દ્રષ્ટિગોચર થાય છે. આ પૃષ્ઠભૂમિ ઉપર ગાથાનું પહેલું પદ કહે છે કે ઈશ્વર સિદ્ધ થયા વિના અર્થાત્ ઈશ્વરની માન્યાતાનો સ્વીકાર કર્યા વિના જગતના કોઈ પણ નિયમ ટકી શકતા નથી. શું ડ્રાઈવર વિના ગાડી ચાલે ? નાવિક વિના નાવ ચાલે ? શું હવા વગર પાંદડા હલે ? બધી ક્રિયાઓમાં કોઈને કોઈ નિયંતા દેખાય છે. આપણે ગરમી કે તડકાનો અનુભવ કરીએ છીએ તો તેનો નિયંતા પણ સૂર્ય સામે છે. સૂર્ય વિના તાપ કયાંથી આવે? શું કુંભાર વિના પોતાની મેળે માટલા બને ? આવી નાની મોટી ક્રિયાઓમાં પણ જો તેનો કર્તા દેખાય છે, તો વિશ્વની જે મહાક્રિયાઓ છે, તેનો પણ કોઈ મહાન નિયંતા હોવો જોઈએ !! અર્થાત્ મહાનિયંતા વિના મહાક્રિયાઓ કેવી રીતે ચાલે ?
જગત નિયમ નહીં હોય : ઈશ્વર સિદ્ધ થયા વિના જગત નિયમ નહિ હોય. હવે આપણે જગતના નિયમ શું છે, તે તપાસીએ. તે પણ કોઈ સામાન્ય પ્રશ્ન નથી. આ બહુ જ ગંભીર અને ઊંડો પ્રશ્ન છે. નિયમ એક પ્રકારનો તંત્રસૂચક શબ્દ છે. કોઈ વસ્તુ વ્યવસ્થિત ચાલતી હોય અને તેના ગુણધર્મો ક્રમશઃ પરિણત થતાં હોય, પરસ્પર કોઈ એક વિશેષ શકિતથી જોડાયેલા હોય, ત્યારે નિયમનાં દર્શન થાય છે. નિયમમાં કાર્યકારણની વ્યવસ્થા છે. નિયમનો જનક કાર્યકારણ ભાવ છે. મૂળભૂત સિદ્ધાંત એ છે કે કારણ વિના કાર્ય સંભવિત નથી અને કારણ પોતાના ગુણધર્મ અનુસાર કાર્યનું નિષ્પાદન કરે છે. આ બંનેની વચ્ચે એક ક્રિયાશકિત અસ્તિત્વ ધરાવે છે. ક્રિયાશકિતથી જ પરિવર્તન સંભવિત છે. જૈનદર્શનમાં ક્રિયાશકિતને પર્યાયશકિત કહે છે. નાનામાં નાના પદાર્થમાં પણ તેના નિયમ અને ઉપનિયમનાં દર્શન થાય છે. સાચું કહો તો પદાર્થ સ્વયં
(૨૮૬)