________________
તો બધા કર્મમાં એકરૂપતા હોવી જોઈએ. વિવિધ પ્રકારના સુખ અને દુઃખ ઉત્પન્ન કરે, તેવાં કર્મના ભિન્ન ભિન્ન સહજ સ્વભાવ હોતા નથી, કે કર્મનો અલગ અલગ રૂપે પરિપાક થતો નથી તેમજ કર્મ અનેક પ્રકારના વિવિધ ફળ પણ આપતા નથી. સહજ સ્વભાવનો અર્થ એ છે કે સમાન રૂપે ક્રિયા કરતું રહે પરંતુ અહીં એવું જોવામાં આવતું નથી. વળી સહજ સ્વભાવ હોય, તો તેની ઉત્પત્તિ અને સ્થિતિ નિયત હોય, નિશ્ચિત હોય. કર્મમાં આવી કોઈ સહજ સ્વભાવવાળી સ્થિતિ કે ઉત્પત્તિ જોવામાં આવતી નથી. ચેતનની ક્રિયાના આધારે જ કર્મની સ્થિતિનું નિર્માણ થાય છે અને તેનો વિલય પણ ચેતનના પુરૂષાર્થ સાથે સંબંધિત છે, તો આવા પરાવલંબી કર્મને સહજ સ્વભાવવાળું સ્વતંત્ર તત્ત્વ કેમ માની શકાય? જે વાંસળી વાગે છે, તે સહજ સ્વભાવવાળી ન હોઈ શકે. સહજ સ્વભાવવાળી હોય તો કાં તો વાગ્યા કરે અથવા પોતાની મેળે વાગે અને બંધ થાય પરંતુ એવું નથી. વાંસળી વાગે છે, તે વગાડનાર પર આધારિત છે. કોઈ વગાડે છે, ત્યારે જ વાગે છે, તે તેનો સહજ સ્વભાવ સંભવ નથી. વાહ રે વાહ !! કર્મને સહજ સ્વભાવ માનીએ તો આખું વિશ્વ એક ક્રિયા કરતું જડ તંત્ર બની જાય. તેમાં લાભહાનિનો કોઈ પ્રશ્ન જ ન રહે. કર્મનો સહજ સ્વભાવ માનવો તે બુદ્ધિને કુંઠિત કરવા જેવી વાત છે, તેથી આપણા સિદ્ધિકાર જોરપૂર્વક કહે છે કે “તેથી સહજ સ્વભાવ નહિ
સહજ સ્વભાવ : સહજ સ્વભાવ તે એક ઉત્તમ શબ્દ છે. સાધનાનું અંગ પણ છે. જો કે અહીં કર્મનો સહજ સ્વભાવ નથી, તે વાત યોગ્ય છે. પરંતુ સહજ સ્વભાવ સર્વથા ત્યાજ્ય છે, તેમ કહેવાનો કોઈ આશય નથી. સહજ સ્વભાવ, સહજભાવ અને સહેજે થતાં પરિણામો, એ બધાનો સ્વીકાર કરવાથી જીવ રાગ-દ્વેષથી મુક્ત થઈ શકે છે. શ્રીમદ્ દર્શન પણ સહજભાવનો ખૂબ જ આદર કરે છે અને રાગદ્વેષથી મુક્ત થઈ સહેજે જે થતું હોય તેને માન્ય કરે, તો જીવ આશા-તૃષ્ણા અને લિપ્સાથી મુક્ત થઈ જાય. સહજ ભાવની સ્વીકૃતિ તે ધર્મ આરાધનાનું એક ઉત્તમ સાધન છે. આ સહજભાવ તે આરાધનાનું અંગ છે પરંતુ એ સહજભાવ અથવા સહજ સ્વભાવ બધા તત્ત્વોમાં સંભવિત નથી. વિશેષ રૂપે કર્મનો તો સહજ સ્વભાવ સંભવ જ નથી, તેથી ત્રીજા પદમાં સહજ સ્વભાવનો જે પ્રતિકાર કર્યો છે, તે અપેક્ષાકૃત છે. કર્મના ક્ષેત્રમાં જ તેનો પ્રતિકાર છે. જડસૃષ્ટિમાં જે કર્મો છે તે સહજ સ્વભાવવાળા હોઈ શકે છે. જેમ કે પરમાણુઓનું પરસ્પર મળવું, સ્કંધ રૂપે પરિણત થવું, વિખેરાવું વગેરે ક્રિયા સહજ થાય છે પરંતુ ચેતન સાથે જોડાયેલા કર્મો ચેતનની ક્રિયા વિના ઉત્પન્ન થઈ શકતા નથી. અસ્તુ.
તેમ જ નહીં જીવધર્મ : ત્રીજા પદમાં સહજ સ્વભાવનો પ્રતિકાર કર્યા વિના પુનઃ શાસ્ત્રકાર સ્વયં એક બીજા પ્રશ્નનો ઉત્તર આપે છે કે આ જીવનો ધર્મ પણ નથી. શાસ્ત્રકાર જે આ ચોથું પદ બોલ્યા છે, તેની ઘણી વિશદ્ મીમાંસા કરવાથી તેનો ઘટસ્ફોટ થઈ શકે તેમ છે. જો તેનો ઊંડાઈથી વિચાર ન કરીએ, તો ત્રીજું પદ અને ચોથું પદ એક પ્રકારે સમાન કથન કરનારું બની જાય છે કારણ કે ધર્મ શબ્દ પણ સ્વભાવવાચી છે અને કર્મનો સહજ સ્વભાવ નથી તે જ રીતે જીવનો પણ સહજ સ્વભાવ નથી, તે વાત લગભગ એક જ બની જાય છે, તેથી અનુમાન થઈ શકે છે કે આ ચોથા પદમાં કોઈ એક ખાસ ગંભીર વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને કોઈ