________________
કરે છે, એ રીતે ધર્માસ્તિકાય આદિ દ્રવ્યો પણ નિમિત્ત ભાવે બીજા દ્રવ્યની અપેક્ષાએ સંયોગ–વિયોગની અપેક્ષાએ અનિત્ય પર્યાયનો ભાગ ભજવે છે. હકીકતમાં આ અરૂપી દ્રવ્યો
કયારેય પણ નાશ પામતા નથી.
સિદ્ધિકારે પદમાં કહ્યું છે કે ‘કોઈ પણ વસ્તુનો' આ વાકયમાં સૈદ્ધાંતિક રૂપે બધા દ્રવ્યોને વસ્તુ રૂપે પ્રગટ કર્યા છે અને આ સિદ્ધાંત પણ બધા દ્રવ્યોને લાગુ કર્યો છે. જો વસ્તુનો સામાન્ય અર્થ કરીએ, તો ઘટ—પટ, મકાન ઈત્યાદિ સ્થૂળ પરિગ્રહ પણ કેવળ નાશ પામતો નથી, તે પદાર્થો પણ મૂળ દ્રવ્ય રૂપે ટકી રહે છે. આ સિદ્ધાંત સૂક્ષ્મ અને સ્થૂળ બધા દ્રવ્યો ઉપર બરાબર ઘટિત થાય છે. કવિશ્રીની નજર નાશની લીલા ઉપર નથી પણ અવિનાશી તત્ત્વ ઉપર સ્થિર થયેલી છે. તેઓ નાશની વચ્ચે જે અવિનાશી છે, તેના દર્શન કરાવવા માંગે છે, આથી ત્રીજા પદમાં કોઈ પણ જડ દ્રવ્યનો ઉલ્લેખ કર્યા વિના સ્પષ્ટ રીતે ચેતન દ્રવ્યનું નામ લીધું છે. બધા દ્રવ્યો નાશ પામતા નથી, તેનું શાસ્ત્રકારને એટલું પ્રયોજન નથી, જેટલું પ્રયોજન અખંડ અને શાશ્વત એવા ચેતનદ્રવ્યનું છે, તેથી જ ચેતન દ્રવ્યને જ્ઞાનવૃષ્ટિથી જોવાનું કહે છે. અહીં સ્પષ્ટ રીતે કહ્યું કે ચેતન પામે નાશ તો' આ વાકયમાં પૂર્વના વાકય સાથે સીધો સબંધ જળવાતો નથી. કોઈ વસ્તુ કેવળ નાશ ન પામે એમ કહીને ‘ચેતન જો નાશ પામે તો' ઈત્યાદિ ચર્ચા કરી છે અર્થાત્ ઉપરના વાકયમાં નાશના અભાવનું દર્શન છે અને ત્યાર બાદ ચેતનના પ્રકરણમાં નાશના સદ્ભાવની શંકા કરી અને સીધો જ પ્રશ્ન કર્યો છે. કે ‘ચેતન પામે નાશ તો' આમ કહીને ચેતન પણ નાશથી નિરાળો છે, તેમ અધ્યાર્થ ભાવે કથન કર્યું છે. આ અટપટા ભાવમાં થોડું રહસ્ય છે. જેનુ આપણે થોડું વિવેચન કરીએ.
ચેતન પામે નાશ તો... બધી વસ્તુનો કેવળ નાશ નથી, તો શું ચેતનનો નાશ થાય છે કે નાશ થતો નથી ? તે પ્રશ્ન નજર સામે રાખ્યો છે. માણસ મરે છે, જાનવરો મરે છે અને મૃત્યુની એક પ્રચંડ પરંપરા વિશ્વપરિવર્તનનું નિમિત્ત બને છે. સાધારણ રીતે દેહધારી પ્રાણીઓ મરે તો તેમાં રહેલા જીવ પણ શું મરે છે કે નહીં, તે શંકાનું નિવારણ કરવા માટે કવિરાજ પદાર્થનું અવિનાશપણું પ્રગટ કરીને એમ કહેવા માંગે છે કે ભાઈ ! ચેતન પણ જો નાશ પામે, તો જાય કયાં ? જે વસ્તુ વિલય પામે છે, તેનો કોઈ સ્થાને સમાવેશ તો થવો જોઈએ ને ! જેમ પંચભૂતથી નિર્માણ થયેલા શરીર જયારે વિલય પામે છે, ત્યારે યોગી લોકો કહે છે કે શરીરનું પાણી કે શરીરની પૃથ્વી, શરીરમાં રહેલું આકાશ અને શરીરની અગ્નિ છૂટી પડીને પોત પોતાના ભૂતોમાં ચાલી જાય છે અને અંદરમાં રહેલો જીવાત્મા પંચભૂતથી ન્યારો હોવાથી તેનો સમાવેશ બ્રહ્મમાં થઈ જાય છે અર્થાત્ તે અખંડ આત્મામાં સમાય જાય છે. આ પ્રકારની વિચારધારાથી ચેતનના વિનાશનો પરિહાર કરવામાં આવ્યો છે.
અહીં આપણા શાસ્ત્રકાર પણ કહે છે કે બધી વસ્તુનો કેવળ નાશ થતો નથી, તો ચેતન દ્રવ્યનો નાશ શું કામ થાય ? અને ચેતન નાશ પામે તો જાય કયાં ? આ સૂક્ષ્મ દ્રવ્યનો કોઈ પણ અન્ય દ્રવ્યોમાં સમાવેશ થવાની સંભાવના નથી. એટલે સીધો જવાબ એ છે કે ચેતન કોઈ પણ અન્ય દ્રવ્યમાં ભળી શકતો નથી. જો કે નાશ પામતો નથી, તો કોઈ દ્રવ્યમાં ભળવાનો સવાલ જ