________________
શાંતિ શબ્દ છે અને તેનો અંગ્રેજી અનુવાદ “પીસ' થાય છે પરંતુ 'ૐ શાંતિ' બોલવાથી જે શાંતિનો સંચાર થાય છે, તે 'ૐ પીસ' બોલવાથી થતો નથી. “પીસ'માં શાંતિનો સંકેત છે પણ શકિત નથી. જૈનદર્શન આ વાતને પ્રમાણભૂત માને છે અને શબ્દનયને ઘણો પ્રબળ પણ માને છે. ઋજુસૂત્રનય કરતા પણ તેને ઊંચો નંબર આપ્યો છે.... અસ્તુ.
અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે શબ્દ ઘણા રસ અને ભાવોથી પરિપૂર્ણ છે પરંતુ જે જીવ શબ્દોમાં જ રમણ કરે અને શબ્દોની સીમામાં અટકી જાય, તો તે અંતરજ્ઞાનને અને આ શબ્દોના સ્વામી એવા શ્રુતજ્ઞાની આત્માને ઓળખી શકતો નથી. શબ્દોનું રમણ અને તેનું જ્ઞાન જરૂરી છે. પરંતુ શબ્દ જેમાંથી ઉપજે છે, તે શબ્દોની ગંગોત્રીને પણ પૂજવાની જરૂર છે. લોકો ગંગાને પૂજ્ય માન્યા પછી ધીરે ધીરે ગંગોત્રી સુધી પણ પહોંચ્યા છે. આ ગાથા પણ આધ્યાત્મિક સંદેશ આપી રહી છે કે ભાઈ ? કોઈ પણ પ્રકારનું ક્ષણિક કે શાબ્દિક જ્ઞાન મેળવી રહ્યો છે, તે જ્ઞાનમાં અટકી ન જતાં જે જ્ઞાનનો ભંડાર છે અને જે બોલનારો છે, જેમાંથી નિરંતર જ્ઞાનના પ્રવાહો અને શબ્દોની ધારાઓ પ્રવાહિત થઈ છે, તેવા મંજુલમય અખંડ અવિનાશી ચૈતન્ય પુરુષ કે અક્ષર પુરુષના ભાવોને નિહાળી તેનો અંશ માત્ર પણ સાક્ષાત્ અનુભવ લઈને તે પુરુષોત્તમને ઓળખો. જેણે જ્ઞાનની ગાથાઓ ગાઈ છે અને પર્વત જેવા સંખ્યાબંધ શાસ્ત્રોને નિર્મિત કર્યા છે, જેનો ક્ષય થતો નથી, તેવા તે અસંખ્ય નિર્માતાના પણ દર્શન કરીને તેને ઓળખવાની જરૂર છે. અહીં “વદનાર” શબ્દ મૂક્યો છે, તે બહુજ ગંભીર ભાવે મૂક્યો છે. વદનાર એટલે સામાન્ય બોલે છે, એવો નથી. પરંતુ આખું વાડગમય જગત કે વાણીશાસ્ત્ર જેણે વદયું છે અને બધા ભાવોને જેણે વાણીમાં આવરી લીધા છે, તેવા તે અખંડ આ શ્રુતકેવલી કે કેવળી તેવા પુરુષને ઓળખીને ક્ષણિક જગતથી તેને અલગ કરીને તેનું તું દર્શન કર. આ છે ગાથાનો આધ્યાત્મિક ભાવ.
ઉપસંહાર : ૭૦માં એક ઓછો એવા નંબરથી શોભતી આ ગાથાનું આપણે યથાસંભવ વિવેચન કર્યા પછી ગાથાનો સારભાગ પ્રગટ કરીએ છીએ. આખી ગાથા બે તત્ત્વો ઉપર વિભકત કરી છે. એક ક્ષણિક પદાર્થ અને બીજો ક્ષણિકને બોલનાર. બોલનાર કર્તા છે અને ક્ષણિક પદાર્થ કર્મ છે. કર્તા અને કર્મનો વિભેદ કરવો, તે ગાથાનું લક્ષ છે. પાણીમાં તરનારો પોતે પાણી નથી. તેવું ભાન કરાવનારી આ વિલક્ષણ ગાથા છે. તેમાં વદનાર રૂપી જે કર્તા છે. તેને લક્ષમાં લેવા માટે મુખ્ય પ્રેરણા આપવામાં આવી છે. કોઈ સુંદર બગીચા કરતા માલિકની ઈજજત વધારે છે. આ પદમાં ગુરુદેવ ક્ષણિક ભાવોના બગીચામાં રમતો એવો અક્ષણિક અને બોલનારો એવો વકતા, જે બગીચાનો માલિક છે, તેની ઓળખાણ કરાવી રહ્યા છે અને શાશ્વત એવા માલિકને દૃષ્ટિગત રાખીને આખી ગાથા એક નિશ્ચયાત્મક કેન્દ્રબિંદુ ઉપર સ્થિર થવાની ભલામણ કરે છે. આ છે ગાથાનો મુખ્ય સારભાગ. મૂર્તિ સુંદર છે, કળા સુંદર છે, તો કલાકારને પણ ઓળખવો જરૂરી છે. નૃત્ય જોઈને નટવરને ઓળખવાની વાત છે. વકતવ્ય સાંભળીને વકતાના ગુણોને પારખવાના છે. સંક્ષેપમાં આ ગાથા કર્મથી કર્તા સુધી, પહોંચવાની વાત કરે છે અને આવો નિર્ણય કરવા માટે ભારપૂર્વક પ્રેરણા આપે છે... અસ્તુ.
\\\\\\\\\\\\\\(૨૧૧)\\\\\)