________________
પરસ્પર ઉત્પત્તિ થાય છે તો આ કથન પણ નવું નથી. આવા ભાવ ઉપર ચાર્વાક દર્શન જેવા નાસ્તિક દર્શનો પણ ઊભા છે. આનો ઉત્તર એટલો જ છે કે આવો ઉલ્ટો અનુભવ કરનાર વ્યકિત ન્યાયશીલ અનુભવીઓની પંકિતમાં ઊભા રહી શકે તેમ નથી અર્થાત્ તે વિવેકશૂન્ય અનુભવ કરનારા વિપરીત જ્ઞાનીની કોટિમાં આવે છે. જૈનદર્શનમાં વિપરીત જ્ઞાનનો એક આખો અજ્ઞાન ખંડ પણ મૂકેલો છે, તેથી આવા વિપરીત જ્ઞાનીના આધારે સૈદ્ધાન્તિક સ્થાપના થતી નથી.
આપણે આગળ કહી ગયા તેમ અદ્વૈતવાદ ચેતનથી ભિન્ન એવા જડ દ્રવ્યોનો સ્વીકાર કરતો નથી પરંતુ તે સાચા અર્થમાં અદ્વૈતવાદી નથી. કુંદકુંદાચાર્ય જેવા મહાન આધ્યાત્મિક જ્ઞાની પુરુષે પણ અદ્વૈતવાદનો આશ્રય કર્યો છે પરંતુ અદ્વૈતવાદ આધ્યાત્મિક દૃષ્ટિએ સમજવાનો છે. અર્થાત્ જયારે સાધના પરિપૂર્ણ થાય અને જીવ નિર્વિકલ્પ અવસ્થામાં સ્થિત થઈ શૈલેષીકરણ કરી અખંડ આત્માની જ્યારે અનુભૂતિ કરે છે, ત્યારે દ્રવ્ય, ગુણ અને પર્યાયની જે ભિન્નતા હતી, જ્ઞાતાનું અને શેયનું જે વિભાજન હતું, ખંડજ્ઞાનના જે ભેદો હતા, તે બધી ભેદરેખાઓ ભૂંસાય જાય અને સમગ્ર ભાવોને આત્મનિષ્ઠ કરી શુદ્ઘ દ્રવ્યાર્થિકનયનું અવલંબન લઈ, ભાવનિક્ષેપની ચરમ સીમાનો જયારે સ્પર્શ કરે છે, ત્યારે અખંડ અદ્વૈત સાધનાનું અંતિમ બિંદુ બની રહે છે. આ છે સાચા અર્થમાં અદ્વૈત. જડ હોય કે ન હોય પણ જડતત્ત્વનું જે જ્ઞાન છે, તે આત્માની સંપત્તિ છે. હવે જડતત્ત્વનું પરિણમન મૂકી જ્ઞાન જયારે જ્ઞાનમાં સમાઈ જાય, ત્યારે ત્યાં સ્વયં એક અદ્વૈત બની રહે છે. સાધનાના અંતિમ શિખર ઉપર ‘એક તું, એક તું' અર્થાત્ એકત્વના શુદ્ધ શુકલધ્યાન ઉપર આત્મા સ્થિર બની જાય છે. શુદ્ધ અદ્વૈતવાદી દર્શન પણ આવા સાચા અર્થમાં અદ્વૈતનું આખ્યાન કરે છે. દ્રવ્યદૃષ્ટિએ વ્યવહાર જગતમાં જીવ અને અજીવ, જડ અને ચેતન, તેવા વિભકત દ્રવ્યો પોત–પોતાના ગુણધર્મ અનુસાર કાર્ય કરી રહ્યા છે, તેથી સિદ્ધિકાર અહીં સચોટ આખ્યાન કરે છે કે જડથી ચેતન ન ઉપજે અને ચેતનથી જડ ન થાય, તેવો અનુભવ સદા સર્વને થાય. શાસ્ત્રકારની ગાથાને વિધિ ભાષામાં ઉચ્ચારીએ છીએ અને પુનઃ કહીએ છીએ કે,
જડથી ચેતન ન ઉપજે, ચેતનથી જડ ન થાય,
આવો અનુભવ સદા સર્વને બરાબર જણાય ॥
આ રીતે શાસ્ત્રકારનું કથન સ્પષ્ટ થઈ જાય છે. અને દ્વૈતવાદની ફિલોસોફી એક હકીકત રૂપે દૃષ્ટિગોચર થાય છે.
આધ્યાત્મિક સંપૂટ : આ ગાથામાં વૈજ્ઞાનિક રીતે જડ-ચેતનની ભિન્નતા માટેનો તર્ક આપ્યો છે પરંતુ ગાથાનો ગર્ભિત ભાવ નિરાળો છે. જડથી ચેતન ઉપજે કે ન ઉપજે, પરંતુ હકીકતમાં ચેતન કોઈથી ઉપજતો નથી, તેની અનુત્પન્ન અવસ્થા, તે આત્માનું મર્મસ્થળ છે. જડ ભલે ને પોતાની મેળે ઉપજે અને વિણસે. તેની સાથે આત્માને ઉપજવાની કે વિલય થવાની કોઈપણ ક્રિયા સંબંધ ધરાવતી નથી. ચેતનની અનુત્પન્ન અવસ્થા, તે તેની શાશ્વત સ્થિતિની પરિચાયક છે. શાશ્વત સ્થિતિના દર્શન થયા પછી બુદ્ધિ વિરામ પામે છે. તર્ક અને સંશય શૂન્ય થઈ જાય છે. વિનજ઼ેષુ સર્વ સંશયેષુ અવશિષ્ટોડયું ધાતુપુરુષો જેવાં પરમાનંવ હેતુપૂતો ।
૧૭૯