________________
નવા નવા દ્રુશ્યો ઊભો કરી બુદ્ધિને ભૂલાવામાં નાંખે છે.. અસ્તુ.
જીવાત્માની આંતરિક કર્મ અવસ્થામાં ભિન્ન ભિન્ન પ્રકારના કર્મના ઉદય પ્રવાહો પ્રજ્ઞા ઉપર પોતાનો પણ પ્રભાવ પાથરે છે અને મૂળ શુદ્ધ દ્રવ્ય સુધી ન પહોંચવામાં પૂરો ભાગ ભજવે છે, તેથી માનવ નાસ્તિક ભાવ, કે વિપરીત ભાવોના ખારા સાગરમાં તણાતો રહે છે. ૬૧ મી ગાથા સુધી સિદ્ધિકારે જીવની આ વિપરીતદશાનું સરળ ગુજરાતી ભાષામાં વર્ણન કરીને એક પ્રકારે તે જીવોનું માનસચિત્ર તૈયાર કર્યું છે અને અજ્ઞાનમૂલક પ્રજ્ઞાના પ્રભાવને પ્રદર્શિત કરી વાસ્તવિક સામાજિક સ્થિતિનું વર્ણન કરી ૬૨ મી ગાથાથી સિદ્ધિકાર સ્વયં યથાર્થ બોધનો સ્પર્શ કરાવશે.
આ ગાથામાં એક પ્રશ્ન વિચારણીય છે. પ્રથમ પદમાં લખ્યું છે કે વસ્તુ ક્ષણિક છે અને તેના પરિણામ સ્વરૂપે આત્મા નિત્ય દેખાતો નથી. તો શું આત્માને વસ્તુ માની છે કે વસ્તુને આત્મા માન્યો છે ? હકીકતમાં એક ખાસ વાત સમજવાની છે. વસ્તુનો અર્થ બધા પદાર્થ કે બધા દ્રવ્યો થાય છે. બધા દ્રવ્યો ખરેખર વસ્તુ છે અને વસ્તુ તરીકે શંકાકારે તેને ક્ષણિક બતાવી છે અર્થાત શંકાકાર બધા દ્રવ્યોને ક્ષણિક માને છે અને બધા દ્રવ્યોની અંદર આત્મદ્રવ્યનો પણ સમાવેશ થાય છે. હકીકતમાં આ રીતે લખવું ઘટે કે વસ્તુ ક્ષણિક છે, તો તે અનુભવથી પણ નહિ, વસ્તુ નિત્ય જણાય. વસ્તુ ક્ષણિક છે, તો વસ્તુની નિત્યતાનો પરિહાર કરવો જરૂરી હતો પરંતુ શાસ્ત્રકારે શંકાકારના ઉત્તરમાં આત્માની નિત્યતાનો પરિહાર કર્યો છે. આમ શંકાના કારણ-કાર્યમાં વિભેદ દેખાય છે. જયારે તર્ક અનુસાર પ્રશ્નને અનુકુળ ઉત્તર હોવા જોઈએ.
અહીં આત્માની નિત્યતાનું પ્રકરણ ચાલે છે અને શંકાકાર બધી વસ્તુ ક્ષણિક છે એમ કહે તો આત્માની નિત્યતા તો અનુભવમાં આવે જ કયાંથી? કોઈ એમ કહે છે કે આ રોગીને કોઈ પણ ફળ આપવાથી વિકાર થશે, તો તેને કેરી તો આપશો જ નહિ. બધા ફળનો નિષેધ કર્યો, ત્યાં કેરીનો સ્વતઃ નિષેધ થઈ જાય છે. છતાં વૈધરાજ એમ કહે છે અને કેરી ખાવી કે ન ખાવી તે પ્રશ્ન ચાલે છે. એટલે સામાન્ય નિષેધમાં વિશેષનો નિષેધ થઈ જાય છે છતાં પણ જેનું પ્રકરણ ચાલતું હોય, તેનું નામ લેવું ઘટે છે. અહીં પણ વસ્તુ ક્ષણિક છે તેમાં બધી વસ્તુની નિત્યતાનો સામાન્ય રીતે નિષેધ થઈ ગયો છે. છતાં વિશેષ રૂપે આત્માની નિત્યતાનો ઉલ્લેખ કર્યો છે, તેનું કારણ આ આખો ગ્રંથ આત્મસિદ્ધિનો ગ્રંથ છે. એટલે મુખ્યત્વે આત્માનુલક્ષી વ્યવહાર થાય છે. તાર્કિક દ્રષ્ટિએ આ કોઈ દોષ નથી. સામાન્ય નિષેધમાં વિશેષ નિષેધનો તર્કશાસ્ત્રનો સિદ્ધાંત આ ગાથામાં જળવાઈ રહ્યો છે. હકીકતમાં બધા પદાર્થો વસ્તુ છે, તો આત્મા પણ એક જ્ઞાનયુકત વસ્તુ છે અને વસ્તુ તરીકે તે વાસ્તવિક દ્રવ્ય છે. વસ્તુ શબ્દ પણ વાસ્તવિક ભાવોનું કથન કરે છે, તેથી આપણા સિદ્ધિનારે વસ્તુને ક્ષણિક બતાવી શંકાકારના મુખેથી આત્માની નિત્યતાનો નિષેધ પ્રસ્તુત કર્યો છે. તે એક પ્રકારે મધ્યમ કોટિનો અલંકાર છે.
શંકાકાર કહે છે કે “ક્ષણે ક્ષણે વસ્તુ પલટાય” પરંતુ આ પલટાય શબ્દ એવો છે કે વગર બોલ્ય કોઈ સ્થાયી વસ્તુનો બોધ કરાવે છે. ત્યાં કોઈ વસ્તુ છે, તો જ તે ક્ષણે ક્ષણે પલટાય છે. પલટાય શબ્દમાં નિત્યતાનો બોધ સમાયેલો છે. કોઈ કહે કે આ અભિનેતા ઘડીએ ઘડીએ નવા વેષ પલટે છે, તો તેનો અર્થ એ છે કે વેષ પલટાય છે પરંતુ તે પલટનારો બરાબર હાજર છે.