________________
દૃષ્ટિકોણ, તથા સુદીર્ઘ સંયમ–તપ સાધનાનો અનુભવાત્મક પરિપાક સ્પષ્ટપણે નિહાળી શકાય છે. ગત વર્ષે પ્રથમ ભાગ પ્રકાશિત થયો અને આ વર્ષે આ મહાભાષ્યનો બીજો ભાગ પ્રકાશિત થઈ રહ્યો છે. તેમાં ગાથા ૪૩ થી ૯૧ અર્થાત ષપદમાંથી પાંચ પદનો સમાવેશ થાય છે.
દાર્શનિક દૃષ્ટિએ જોઈએ તો આ ષપદમાં ષટ્ દર્શનનો સમાવેશ થાય છે. સાધકનું લક્ષ ભલે અન્ય દર્શનના ખંડન–મંડનનું નહોય પરંતુ તેનું યથાર્થ સમાધાન કરવું, તે અત્યંત જરૂરી બની જાય છે. પૂજ્યશ્રી દર્શનશાસ્ત્રમાં પારંગત હોવાથી અન્ય દાર્શનિકોની માન્યતાને સુસ્પષ્ટ રૂપે આલેખીને અનેકાંત દૃષ્ટિએ તેનો સમન્વય કર્યો છે. તે આ મહાભાષ્યની આગવી વિલક્ષણતા છે, જેમ કે કર્તા ઈશ્વર કોઈ નહીં, ફળદાતા ઈશ્વરતણી વગેરે પદોમાં ઈશ્વરનું વાસ્તવિક સ્વરૂપ, સાંખ્યદર્શનનો અકર્તૃત્વવાદ, આત્મા દ્રવ્યે નિત્ય છે તેમાં વેદાંત દર્શનની માન્યતા, ‘પર્યાયે પલટાય’ તેમાં ક્ષણવાદી બૌદ્ધદર્શનની વિચારણા, તે ઉપરાંત કર્મગ્રહણમાં ચેતન પ્રેરણા, કર્મભોગની સૈદ્ધાંતિક પ્રક્રિયા વગેરે વિષયોનું વિવેચન ખરેખર, ભાષ્યકારના ગહનતમ ચિંતનનું દર્શન કરાવે છે.
પૂજ્યશ્રીએ પ્રત્યેક ગાથાની પૂર્વભૂમિકા રૂપ ઉપોદ્ઘાત, ત્યારપછી ગાથાના પ્રત્યેક શબ્દનો ભાવાર્થ અને ગૂઢાર્થ, ત્યારપછી ગાથાનો આધ્યાત્મિક ભાવ અને અંતે ગાથાના સારભૂત ઉપસંહારનું નિરૂપણ કર્યું છે. અનેક ગાથાના શબ્દોમાં ‘જો’, ‘તો’, ‘અથવા’, ‘ક્યારેય’ વગેરે સામાન્ય લોકોને નગણ્ય લાગતા શબ્દોના અર્થનો વાંચકોએ કદાપિ વિચાર પણ ન કર્યો હોય, તેવા શબ્દોની સાર્થકતા, તેના સાંદર્ભિક અર્થ તથા તેની છણાવટ એટલી સૂક્ષ્મતમ છે કે વાચકોને મુગ્ધ કરે છે. પૂજ્યશ્રી હંમેશા કહે છે કે મહાપુરુષોના મુખેથી નીકળેલા પ્રત્યેક અક્ષરોમાં શાસ્ત્રના ગુપ્ત રહસ્યો છૂપાયેલા હોય છે, ચિંતન-મનન રૂપ ચાવીથી જ તે ઉદ્ઘાટિત થાય છે. આ ચાવી તેઓશ્રીને હસ્તગત થઈ હોય, તેમ લાગે છે. આ મહાભાષ્યનું વિવેચન અધ્યાત્મ યોગીરાજ શ્રીમદજીની ઉચ્ચતમ આત્મસ્થિતિ તથા ભાષ્યકારની અનુપ્રેક્ષાનું દર્શન કરાવે છે.
આત્મસિદ્ધિશાસ્ત્ર અધ્યાત્મ સાહિત્યમાં એક બહુમૂલ્ય રત્નહારનું સ્થાન ધરાવે છે. જ્યારે કોઈ શ્રેષ્ઠ ઝવેરી તે રત્નની કિંમત આંકે, ત્યારે તેનું મૂલ્ય જનસમાજમાં વિશેષતઃ પ્રગટ થાય છે. ખરેખર ! ભાગ્યકાર આત્મસિદ્ધિ રૂપ રત્નહારની કિંમત આંકનાર એક શ્રેષ્ઠ ઝવેરી છે. તેઓશ્રીએ કરેલા વિસ્તૃત વિવેચનથી આ શાસ્ત્રના એક એક પદ રત્નની જેમ ઝળકી ઊઠયા છે.
આ મહાભાષ્યનો સ્વાધ્યાય અભ્યાસી સાધકોના વિચારોને વિશાળ બનાવશે, પ્રજ્ઞાને તીક્ષ્ણ બનાવશે અને અનેક વિષયોમાં એક નવો દૃષ્ટિકોણ પ્રદાન કરશે તે નિર્વિવાદ સત્ય છે.
આવા અધ્યાત્મભાવોથી સભર ગ્રંથોનું સંપાદન કરવું, તે મારા ગજા વગરની વાત હતી, છતાં ગુરુની આજ્ઞામાં આજ્ઞાપાલનની શકિત હોય જ છે, તેવા દૃઢ વિશ્વાસ સાથે પરમ પૂણ્યયોગે પ્રાપ્ત થયેલી આ સુવર્ણ તકને મેં વધાવી લીધી. અનંત ઉપકારી તપસમ્રાટ ગુદેવ પૂ. શ્રી રતિલાલજી મ. સા. ની અસીમ કૃપા, ભાવયોગિની પૂજ્યવરા પૂ. મુકત-લીલમ ગુણીમૈયાના આશીર્વાદ તથા શાસન અરૂણોદય ગુદેવ પૂ. શ્રી નમ્રમુનિ મ.સા. ની પ્રેરણાથી અમોને આ ચાતુર્માસમાં જેમનું પાવન સાંનિધ્ય પ્રાપ્ત થયું છે, તેવા ઉર્જાપુરુષ ગુરુદેવ પૂ. શ્રી જયંતમુનિ મ.સા. ની પ્રેરણાથી આ મહાભાષ્યના સંપાદન કાર્યમાં યત્કિંચિત સફળતા પ્રાપ્ત કરવાનો પ્રયાસ માત્ર કર્યો છે.
કેવળ સ્વાધ્યાયમાં જ નહીં પરંતુ સંયમી જીવનની દશે સમાચારીના પાલનમાં મને જેનું સતત માર્ગદર્શન મળતું રહે છે, તેવા ઉપકારી ડિલ ગુરુભગની શ્રી વીરમતિબાઈ મ. તથા આ કાર્યના સદ્ભાવપૂર્વકના સહયોગી શ્રી બિંદુબાઈ મ., શ્રી સુબોધિકાબાઈ મ. ના સહયોગનો હું ભાવપૂર્વક સ્વીકાર કરું છું.
તે ઉપરાંત આ ચાતુર્માસના સહવર્તી યુવાતપસ્વી શ્રી અરૂણમુનિ મ.સા. ઠા. ૨ તથા શ્રી દર્શનાબાઈ મ. ઠા. ૨ વગેરે દરેક સંત–સતિજીઓની સદ્ભાવનાથી જ કાર્ય નિર્વિઘ્ને સંપન્ન થઈ રહ્યું છે. એકંદરે સહુના સહિયારા સહયોગે કાર્ય પૂર્ણ થયું તેનો આનંદ છે.
અંતે આ મહાભાષ્યનો સ્વાધ્યાય સ્વ–પરના કલ્યાણનું કારણ બને, અને જિનવાણીનો વાંચના–પૃચ્છના રૂપ સ્વાધ્યાયની આવી તક મને વારંવાર મળતી રહે, તેવી વીરપ્રભુ પાસે પ્રાર્થના કરું છું.
આ મહાભાષ્યના સંપાદનમાં લેખકના ભાવોને યથાર્થ રીતે ન સમજવાથી કોઈ પણ પ્રકારે સ્ખલના થઈ હોય, તો પંચ પરમેષ્ઠી ભગવંતોની સાક્ષીએમિચ્છામિ દુક્કડમ્.
સર્વનું કલ્યાણ થાઓ.... સર્વનું મંગલ થાઓ....