________________
ગાથા-૫૫
ઉપોદ્દાત : જે વાત પૂર્વગાથામાં કહી છે તેને વધારે પુષ્ટ કરવા માટે કવિરાજ આ ગાથામાં એક વિશેષ તર્ક આપે છે અને અજ્ઞાની એવા વ્યકિતને “તું' કહીને સંબોધે છે. હે ભાઈ ! તારું જ્ઞાન કેવું છે ? ઈત્યાદિ કથનથી બધી અવસ્થાને વિશે જે ન્યારો હતો, તે ન્યારા તત્ત્વની આ ગાથામાં થોડી ઓળખાણ આપે છે અને જે જુદો છે તેને જાણકાર કહીને જ્ઞાતા તત્ત્વને પ્રગટ કરવાનો પ્રયાસ કર્યો છે. આખી ગાથામાં આશ્ચર્યભાવ પ્રગટ કરવાનો પ્રયાસ કર્યો છે અને એક આશ્ચર્ય અલંકારનો આશ્રય લઈ આધ્યાત્મિક દૃષ્ટિએ વ્યંગ ભાષામાં કવિશ્રીએ પ્રબળ તર્ક ઉપસ્થિત કર્યો છે.
ગાથામાં બે જ્ઞાનપર્યાયની તુલના છે. (૧) દ્રવ્યભાવે જે પદાર્થ દ્રશ્યરૂપે છે, તેનું જ્ઞાન અને (૨) દૃશ્યનો જે ડ્રષ્ટા છે, જાણકાર છે તેનું જ્ઞાન, બન્ને જ્ઞાનપર્યાયોને સામ સામે રાખી અધુરા જ્ઞાતાને, જે એક તરફ જ જુએ છે, તેને લલકારીને પૂછયું છે કે, “તારું આ જ્ઞાન કેવું છે?” આખી ગાથા જ્ઞાનભાવનું અવલંબન લઈ જ્ઞાતાને સ્પષ્ટ કરવા માટે તર્કબધ્ધ રીતે ઉચ્ચારવામાં આવી છે.
સામાન્ય મનુષ્ય પોતાના બાહ્ય જીવનથી પરિચિત હોય છે પરંતુ આંતરિક જીવનમાં દૃષ્ટિપાત કરવાનો તેને અવસર હોતો નથી અને ઘણી વખત પ્રયોજન પણ હોતું નથી. તે વ્યવહારિક જ્ઞાનમાં નિપુણ છે પરંતુ આ દેહધારી આ બધું વ્યવહારજ્ઞાન શૂન્યમાં ફેરવાય જશે તેની પરવાહ કર્યા વિના, તેને ઓળખ્યા વિના પુનઃ એવા જ અવતારમાં ચાલ્યો જાય છે કે જયાં દ્રવ્યભાવે વિષયજ્ઞાન જ તેના જીવનનો મૂળમંત્ર બની રહે છે. હવે આપણે ગાથામાં પ્રવેશ કરીએ.
ઘટ-પટ આદિ જાણ તું, તેથી તેને માન
જાણનાર તે માન નહિ, કહીએ કેવું જ્ઞાન? પપા ઘટપટ આદિ જાણ તું... મનુષ્ય વિશ્વના બધા પદાર્થોને તેમાં પણ મુખ્યરૂપે રૂપી પદાર્થોને વધારે જાણે છે પરંતુ બધા પદાર્થોનું એક સાથે કથન થઈ શકતું નથી, તેથી સમગ્ર સ્કૂલ દ્રવ્યોના પ્રતિનિધિ રૂપે ગાથાના પ્રથમ ચરણમાં ઘટપટને ગ્રહણ કરીને કથન કર્યું છે પરંતુ ઘટપટ પૂરતી આ વ્યાખ્યા સમાપ્ત થતી નથી. દેશી ભાષામાં જેને ઘડો અને વસ્ત્ર, કપડાં, ઈત્યાદિ કહીએ છીએ, તેને સંસ્કૃત ભાષામાં ઘટપટ કહેવાય છે. અહીં ફકત ઘટપટનું પ્રયોજન નથી. બધા રૂપી દ્રવ્યો માટે ઉચ્ચારેલો આ સામાન્ય શબ્દ છે. ઘટપટને “તું” જાણે છે એમ કહીને તેના સામાન્ય બોધનો ઉલ્લેખ કર્યો છે. ઘટપટને કેવી રીતે જાણે છે ? કયારે જાણે છે ? કોણ જાણી શકે છે ? તે વ્યાપક પ્રશ્નો આ પદમાં જોડાયેલા છે. અહીં ફકત સામાન્ય બુધ્ધિ ધરાવતા મનુષ્યના લક્ષે જ ગાથાનું ઉચ્ચારણ કરવામાં આવ્યું છે. જ્ઞાનવ્યાપાર નિરંતર સમાન હોતો નથી. વ્યકિત વિશેષના કર્મપ્રભાવ અનુસાર, કર્મના ઉદય અને ક્ષયોપશમ અનુસાર જ્ઞાનનો વ્યાપાર ઉદ્ભવે છે અને અસ્ત પણ થાય છે. અહીં ઘટઘટ આદિને જાણે છે એવો જ ઉલ્લેખ કર્યો છે. તે સાધારણ જ્ઞાન વ્યાપારને અનુલક્ષીને કર્યો છે. હકીકતમાં તો મનુષ્ય કોઈપણ પદાર્થને પૂરો જાણી શકતો નથી.
૨ (૯૯) –