________________
પ્રગટરૂપ ફકત પ્રગટ પૂરતું પર્યાપ્ત નથી પરંતુ અપ્રગટ એવા આત્માને પણ પ્રગટ કરે છે. શાસ્ત્રકારની આ અનોખી શૈલી અને ઊંચી કાવ્ય પધ્ધતિ મનમોહક છે. અધ્યાત્મશાસ્ત્રમાં કાવ્ય કળાનો જે પ્રયોગ થયો છે, તે સોના ઉપર કોતરણી કરવા જેવું છે. અર્થાત્ સોનામાં કળાનો ભાવ પ્રગટ કરવામાં આવે છે.... અસ્તુ.
જે લક્ષણો છે, તે સદાય રહેવાવાળા છે તેમ કહ્યું છે. કોઈપણ દ્રવ્યનાં લક્ષણો શાશ્વત પણ છે અને અશાશ્વત પણ છે. વિકૃતિ પર્યાયો અથવા વિકારીભાવો અશાશ્વત હોય છે, પરંતુ પદાર્થના સ્વભાવગત લક્ષણો અથવા અવિકારી ભાવો શાશ્વત હોય છે. સામાન્યપણે ગરમ પાણીમાં તેની ઉષ્ણતા અસ્થાયી છે. જયારે તેનો શીતળ સ્વભાવ સ્થાયી છે. આત્મદ્રવ્યમાં કર્મના સંયોગથી કેટલાક વિકારી લક્ષણો પણ હોય છે. ક્રોધાદિ વિકારીભાવો જીવનું અસ્તિત્વ બતાવે છે પરંતુ આ બધા વિકારીભાવો શાશ્વત પણ નથી અને તે આત્માના સ્વભાવરૂપે પણ નથી. શાસ્ત્રકારે સદા રહેનારા ચૈતન્યમય ભાવોને સાચા લક્ષણ માન્યા છે. એ લક્ષણો સદાને માટે પોતાનું અસ્તિત્વ જાળવી રાખે છે અને પ્રગટરૂપે પર્યાય પામતા રહે છે. અવિકારી પર્યાયો સ્વસ્વરૂપે જ પર્યાય કરે છે અર્થાત્ પર્યાયમાં રહેલો દ્રવ્યનો સ્વભાવ પુનઃ ઉત્પન્ન થતી અધિકારી પર્યાયમાં એવો ને એવો સ્પષ્ટ જળવાઈ રહે છે. જયારે વિકારી પર્યાયો પોતાના ભાવમાં હાનિવૃધ્ધિ કરે છે અને શૂન્ય પણ થઈ જાય છે. આ સિદ્ધાંતના આધારે અહીં જે ચૈતન્યમય રૂપ કહ્યું છે, તે શુદ્ધ ચૈતન્યમય રૂપ લેવાનું છે, શુદ્ધ ચૈતન્યમય સ્વરૂપ જ સદાકાળ ટકી રહે છે. વિકારી પર્યાયો સૂકા પાંદડાની જેમ ખરી જાય છે. જયારે વૃક્ષના નવા નવા પાંદડાં ઉત્પન્ન કરવાનો સ્વભાવ શાશ્વત છે. એ જ રીતે આત્માનું ચૈતન્યરૂપ બધા અજ્ઞાનમય ભાવોને અથવા ઉદયમાનભાવોને પડતા મૂકે છે, દૂર કરે છે, હટાવી છે પરંતુ પોતાનું શાશ્વત રૂપ જાળવી રાખે છે. આ ગાથામાં ‘સદાય’ શબ્દ એટલો બધો મહત્ત્વપૂર્ણ છે કે માનો આખી ગાથાનો પ્રાણ છે. સદાય ન ટકે તેવું કોઈ પણ રૂપ દ્રવ્યનું શુદ્ધ લક્ષણ બની શકતું નથી. લક્ષણ અને લક્ષ્ય એ બન્નેનો નિત્ય સંબંધ હોય, તો જ તેને લક્ષણ માનવામાં આવે છે. લક્ષથી જે છુટું પડે તેને લક્ષણ ન કહી શકાય. અનિત્ય લક્ષણોને લક્ષણ માને તો દર્શનશાસ્ત્રમાં તેને ભ્રમજ્ઞાન કહેવામાં આવે છે. ‘સદાય’ શબ્દ ભ્રમાત્મક ભાવથી મુકત રાખી ચૈતન્યમય રૂપને સાચું લક્ષણ કહીને, લક્ષ લક્ષણનો નિત્ય સંબંધ ઘોષિત કરે છે. અહીં આત્મા તે લક્ષ છે. ઉપરમાં જેમ કહ્યું છે તેમ બધી અવસ્થામાં ન્યારો રહે છે, તેવો નિરાળો આત્મા લક્ષરૂપ છે અને શરીરમાં દેખાતી કે મન, પ્રાણ કે ઈન્દ્રિયમાં ચમકારા મારતી ચેતના તે લક્ષનું લક્ષણ છે. જો કે ચિત્ત શબ્દ પણ ચૈતન્યભાવથી જ ઉપજયો છે. અધ્યાત્મશાસ્ત્રમાં સચ્ચિદાનંદ શબ્દ પ્રસિધ્ધ છે. તેમા સત્, ચિત્, આનંદ, એવા ત્રણ નાના લઘુ શબ્દથી આત્માની પરિસ્થિતિનું ભાન કરાવ્યું છે. આત્મા તે સત્ છે, ચિત તેનું લક્ષણ છે. ચિી જ ચૈતન્ય બને છે અને ચિદ્ જયારે શુધ્ધ સ્વરૂપે પ્રગટ થાય ત્યારે શુધ્ધ આનંદનું પણ કારણ છે. ચિહ્નો જેમાં પ્રકાશિત છે, તે ચિત્ત છે અને ચિત્તથી જે કાંઈ ક્રિયાકલાપો થાય છે, તે ચૈતન્ય છે. જેટલા ભાવો ચૈતન્યમાં સમાવિષ્ટ થાય છે, તે ચૈતન્યનું રૂપ છે. એટલે શાસ્ત્રકારે અહીં ચૈતન્યમય એવો શબ્દ લીધો છે અને દ્રવ્યાત્મક સ્થૂળ રૂપનો પરિહાર કરી ચૈતન્યમય રૂપની સ્થાપના કરી છે.
(૯૬).